ઉમેદવારીનો પ્રારંભ પણ કોંગ્રેસ હજુ લોકસભાની ચાર અને વિધાનસભાની પાંચ પેટા ચૂંટણીમાં ચહેરા શોધે છે

કોંગ્રેસમાં મોવડીઓ સુસ્ત: અનેક બેઠકો પર ઉમેદવારો ફાઈટ આપી રહ્યા છે

Gujarat, Politics, Lok Sabha Election 2024 | Rajkot | 12 April, 2024 | 05:44 PM
લોકસભાની અમદાવાદ પુર્વ, મહેસાણા સહિત ચાર બેઠકો પર કોંગ્રેસને ઉમેદવાર મળતા નથી: ધારાસભા પેટાચૂંટણીમાં પક્ષ છોડી ગયેલા નેતાઓ સામે જ કોને લડાવવા તે પ્રશ્ર્ન
સાંજ સમાચાર

► જો કે બનાસકાંઠામાં ગેનીબેન, પાટણમાં ચંદનજી ઠાકોર, વલસાડમાં અનંત પટેલ સહિતના અનેક ઉમેદવારો ભાજપને પગે પાણી લાવી રહ્યા હોવાના દ્રશ્યો: સેનાપતિ વગર પણ સૈનિકો લડે છે

રાજકોટ: ગુજરાતમાં લોકસભાની ચુંટણીના પડધમ વાગી ગયા છે અને આજથી ઉમેદવારી પત્રકો ભરવાનો પણ પ્રારંભ થશે. સાથોસાથ રાજકોટ વિધાનસભાની પાંચ બેઠકોના ઢોલ પણ વાગ્યા છે અને ભાજપે તો લાંબા સમયથી પ્રચાર ચાલુ કરી દીધો છે અને હવે તા.19 બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભાઓ તથા સ્થાનિક સ્તરે પણ પ્રચાર વેગવંતો બનશે તે સમયે કોંગ્રેસને લોકસભાની ત્રણ અને વિધાનસભાની પાંચ બેઠકોની પેટા ચુંટણી માટે હજુ ઉમેદવાર નહી મળતા પક્ષના કાર્યકર્તાઓ પણ મોવડીમંડળ પ્રત્યેના વિશ્ર્વાસ ગુમાવી રહ્યા હોવાનો સંકેત મળ્યો છે.

જો કે જે લોકસભા બેઠકો પર કોંગ્રેસે ઉમેદવાર જાહેર કર્યા છે તેમાં અનેક તેમના મતક્ષેત્રમાં ભાજપને જબરો પડકાર પણ સર્જી રહ્યો છે. આમ સેનાપતિ વગર પણ કોંગ્રેસનું સૈન્ય લડી રહ્યાની છાપ છે. લોકસભામાં કોંગ્રેસ પક્ષે રાજકોટ બેઠક માટે પુર્વ વિપક્ષી નેતા પરેશ ધાનાણીને ઉમેદવાર બનાવવાની સ્થાનિક સ્તરે જાહેરાત થઈ છે.

રસપ્રદ બાબત એ છે કે રાજકોટની બેઠક જે ક્ષત્રિય સમાજના ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલા સામેના વિરોધના કારણે રસપ્રદ બની છે. પણ પક્ષના મોવડી મંડળને ભાગ્યે જ કોઈ તેમાં ‘રસ’ હોય તેવું જણાય છે અને સૌરાષ્ટ્ર કોંગ્રેસના અગ્રણી અને પુર્વ ધારાસભ્ય લલિત કગથરા અને રાજકોટ કોંગ્રેસના અગ્રણીઓએ રાજકોટમાં લડત આપવા પરેશ ધાનાણીને ચુંટણી લડવા ‘રાજી’ કરી લીધા હતા પણ હજું દિલ્હીની સતાવાર જાહેરાત થઈ નથી. આજ રીતે અમદાવાદ પુર્વના પક્ષે જાહેર કરેલા ઉમેદવાર રોહન ગુપ્તાએ ચુંટણી લડવાનો ઈન્કાર કર્યા બાદ હવે ભાજપમાં જોડાયા પણ આ બેઠક પર કોંગ્રેસને બીજા ઉમેદવાર મળ્યા નથી. આજ રીતે મહેસાણામાં પણ કોંગ્રેસે હજું ઉમેદવાર જાહેર થયા નથી.

જયારે વિધાનસભાની પેટાચૂંટણીના તમામ પાંચ બેઠકોમાં પણ આ પક્ષે હજું ઉમેદવાર જાહેર કર્યા નથી જેમાં ચાર બેઠકો પર કોંગ્રેસના અને એક બેઠક પર આમ આદમી પાર્ટીના ધારાસભ્યોએ વિધાનસભા અને પક્ષમાંથી રાજીનામા આપીને ભાજપમાં જોડાયા અને તેઓને તમામને ટિકીટો આપી છે. આમ ગુજરાતમાં કોંગ્રેસ પક્ષ તેની લડાયક શક્તિ ગુમાવી છે.

અનેક ઉમેદવારો ટકકર આપે છે જો કે લોકસભાની અનેક બેઠકોમાં કોંગ્રેસ પક્ષના ઉમેદવારો વ્યક્તિગત તાકાતથી રસપ્રદ ટકકર આપી રહ્યા છે. બનાસકાંઠામાં ‘આપ’ના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે ભાજપના ડો. રેખાબેન ચૌધરી સામે જબરો મોરચો માંડયો છે અને ખાસ કરીને ગ્રામીણ ક્ષેત્રમાં તેમાં આમ મહિલાઓ સાથે ભળીને રાસ-ગરબા લઈ રહ્યા છે. નાની-નાની સભ્યોથી અમો પ્રચાર કરી રહ્યા છે.

ભાજપના ડો. રેખાબેન ચૌધરીની છાપ શહેરી ઉમેદવાર તરીકેની છે તેઓ પાસે ભાજપના સંગઠનની પ્રચંડ તાકાત હોવા છતા પણ તેઓ માહોલ બનાવી શકયા નથી જેવો ગેનીબેન ઠાકોરે બનાવ્યો છે. આજ રીતે વલસાડમાં કોંગ્રેસના યુવા ધારાસભ્ય અનંત પટેલ આદીવાસી ક્ષેત્રમાં લોકપ્રિય છે જેની સામે ભાજપે સુરતથી આયાત કરેલા ડો. ધવલ પટેલને ઉમેદવાર બનાવ્યા છે અને અનંત પટેલ ભૂતકાળમાં આદિવાસી પ્રશ્નો માટે જે રીતે પ્રચંડ આંદોલનો કર્યા હતા તેનાથી તેઓની લોકપ્રિયતા વધી છે અને તેથી તેઓએ આ બેઠક પરની ચુંટણીમાં રસપ્રદ સ્થિતિ બનાવી છે.

પાટણમાં પણ પક્ષના ધારાસભ્ય ચંદનજી ઠાકોરે જબરો મોરચો માંડયો છે. ભાજપના ભરતસિંહ ડાભીને પક્ષે ફરી ટિકીટ આપી છે પરંતુ ચંદનજી ઠાકોરે જે રીતે આદિવાસી વિસ્તારોમાં સ્થાનિક લોકગીતો અને કલાકારોને લઈને પ્રચાર કર્યો છે તેથી આ બેઠક પર પણ જંગ રસપ્રદ હશે.

 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj