રાજકોટ,તા.20
વડાપ્રધાનના ડ્રીમ પ્રોજેકટ હેઠળ રાજકોટ નજીકનાં હિરાસર સ્થિત ઈન્ટરનેશનલ એરપોર્ટમાં પ્રથમ પાર્ટમાં હંગામી ટર્મિનલ ઉભુ કરી ડોમોસ્ટિક હવાઈ સેવા શરૂ કરવામાં આવ્યા બાદ પાર્ટ-2માં નવુ અદ્યતન ટર્મિનલ તૈયાર થયાના છ માસ બાદ આખરે આગામી તા.9મી ફેબ્રુઆરીનાં રોજ ઉદ્ઘાટન થનાર છે. આ ઉદ્ઘાટન એરપોર્ટ ઓથોરીટીનાં ચેરમેનના હસ્તે મહાનુભાવો ઉપસ્થિતિમાં કરવા માટેની તૈયારી ચાલી રહી હોવાનું જાણવા મળેલ છે.નવા ટર્મિનલના ઉદ્ઘાટન પૂર્વ એરપોર્ટ હિરાસર ખાતે એરોડ્રોમ કમિટીની બેઠક ડી.સી.પી.શ્રી સજ્જન સિંહ પરમારના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. જેમાં પ્લેન હાઈજેકિંગ સમયે એરોડ્રોમ કમિટીની ભૂમિકા અંગે સમીક્ષા કરાઈ હતી.
પ્લેન હાઈજેકિંગ સમયે એરોડ્રોમ કમિટીની ભૂમિકા ખૂબ જ અગત્યની હોય છે જેની કામગીરી અંગે સમીક્ષા કરાઈ હતી. કમિટીના વિવિધ વિભાગોની કામગીરી અને તકેદારી અંગે એરપોર્ટ ઓથોરિટી દ્વારા પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. સમિતિમાં એરપોર્ટ ઓથોરિટી, આરોગ્ય, ફાયર વિભાગ, મીડિયા સહિતના વિવિધ વિભાગોએ કરવાની થતી કામગીરી અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
આ તકે એરપોર્ટ ઓથોરિટીના ડિરેક્ટર દિગંત બોહરા, સી.એસ.ઓ.અમિત કુમાર, માહિતી અને પ્રસારણ વિભાગના સંયુક્ત માહિતી નિયામક મિતેષ મોડસિયા, સી.આઇ.એસ.એફ. ઇન્સ્પેકટર એક્ઝિક્યુટિવ મહેશ સિંહ, એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાનો સ્ટાફ, આર.એમ.ઓ.એચ. એ. દુસારા સહિત વિવિધ એરલાયન્સના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, નવા ટર્મિનલ બિલ્ડીંગમાં કસ્ટમ અને ઈમિગ્રેશન વિભાગના કાઉન્ટરો તૈયાર થતા આગામી સમયમાં સૌ પ્રથમવાર દુબઈની ઈન્ટરનેશનલ ફલાઈટ શરૂ થવા માટેનાં સંજોગો ઉજળા બન્યા છે. નવુ ટર્મિનલ બિલ્ડીંગ કાર્યરત થયા બાદ ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ફલાઈટ હવાઈ સેવા વધુ સક્ષમ બનશે.
ઈન્ટરનેશનલ એરપોર્ટમાં એટીસી ટાવર અને ટર્મિનલના કામો પૂર્ણ થતા આગામી તા.9મીએ નવા ટર્મિનલનું એરપોર્ટ ઓથોરીટીના ચેરમેનના હસ્તે ઉદ્ઘાટન થનાર છે.થોડા સમય પુર્વે ટ્રાફિક એરકંટ્રોલ ટાવર કાર્યરત થઈ ચુકયો હતો.હવે નવા ટર્મિનલ ઉદ્ઘાટન થનાર છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy