કલેકટર તંત્રને હવે બેઘડીના શ્વાસની ફૂરસદ, તુરંતમાં લોકસભાની ચૂંટણી માટે દોડવું પડશે

આગામી સપ્તાહે ચૂંટણીપંચ ગુજરાતમાં, ડે.કમિશ્નર રાજકોટ આવે તેવા સંકેત

Gujarat, Saurashtra, Politics | Rajkot | 26 February, 2024 | 04:05 PM
રાજકોટ સહિત સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓના ચૂંટણી અધિકારીઓ સાથે યોજાશે બેઠક: વડાપ્રધાનનો રોડ શો અને જંગી જાહેરસભા સફળતાપૂર્વક પૂર્ણ થતા વહીવટી તંત્રએ લીધો રાહતનો શ્વાસ..
સાંજ સમાચાર

રાજકોટ તા.26
રાજકોટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગઈકાલનો ભવ્ય રોડ શો તેમજ એઈમ્સ સહિતના 48 હજાર કરોડના લોકાર્પણ સાથેની જંગી જાહેરસભા ઐતિહાસિક બની રહી છે. વડાપ્રધાન મોદીનો આ કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થતાની સાથે જ તમામ સરકારી વિભાગો સાથે વહીવટી તંત્રે રાહતના શ્વાસ લીધા છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના રાજકોટના આ કાર્યક્રમ બાદ હવે આગામી લોકસભાની ચૂંટણીનું કાઉટડાઉન શરૂ થઈ જવા પામેલ છે. લોકસભાની ચૂંટણી સંદર્ભે કેન્દ્રીય ચૂંટણી પંચના ઉચ્ચ અધિકારીઓ આગામી સપ્તાહમાં ગુજરાતની મુલાકાતે દોડી આવનાર છે.

તેની સાથોસાથ કેન્દ્રીય ચૂંટણીપંચના ડે.કમિશ્નર સહિતના ઉચ્ચ અધિકારીઓમાં રાજકોટની મુલાકાતનો તખ્તો પણ તૈયાર કરી દેવામાં આવ્યો છે. કેન્દ્રીય ચૂંટણીપંચના ડે.કમિશ્ર્નરની રાજકોટની મુલાકાત દરમ્યાન તેઓ સૌરાષ્ટ્રના તમામ જીલ્લાઓના ચૂંટણી અધિકારીઓ સાથે બેઠક આયોજીત કરી જરૂરી માર્ગદર્શન પૂરૂ પાડશે.

અહીં એ ઉલ્લેખનિય છે કે, આગામી લોકસભાની ચૂંટણીનું જાહેરનામુ સંભવત આગામી માર્ચ માસના બીજા સપ્તાહમાં પ્રસિધ્ધ કરવામાં આવનાર છે. ગુજરાત સહિત દેશભરમાં લોકસભાની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે ચૂંટણીપંચ સજજ બની જવા પામેલ છે.

જેમાં આગામી સપ્તાહે હવે કેન્દ્રીય ચૂંટણીપંચના અધિકારીઓ દોડી આવી ગાંધીનગરમાં મુકામ કરનાર છે તેની સાથો સાથ લોકસભાની ચૂંટણીની તૈયારીઓ અંગે તમામ જીલ્લા કલેકટરો અને ચૂંટણી અધિકારીઓ પાસેથી રીવ્યુ લેવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.

લોકસભાની ચૂંટણી સંદર્ભે રાજકોટ જીલ્લાની વાત કરીએ તો જીલ્લા ચૂંટણી અધિકારી-કલેકટર તંત્ર દ્વારા ચૂંટણી ફરજ માટે 19 હજાર કર્મચારીઓનું લીસ્ટ તૈયાર કરી દેવામાં આવેલ છે. આ ઉપરાંત કર્મચારીઓને પણ જરૂરી તાલીમ આપી સજજ કરી દેવામાં આવેલ છે. તાજેતરમાં સૌરાષ્ટ્ર-ગુજરાતના ડે.કલેકટરોને પણ લોકસભાની ચૂંટણી અંગે રાજકોટમાં ખાસ તાલીમ વર્ગ યોજી તાલીમ આપવામાં આવી હતી.

રાજકોટ શહેર જીલ્લામાં લોકસભાની ચૂંટણીમાં 11 જેટલા મતદાન મથકોનો વધારો થવા પામેલ છે. ચૂંટણી માટે મતદાન બુથો માટે વિડીયો રેકોર્ડીંગ, મંડપ સહિતના કામોની ટેન્ડર પ્રક્રિયા અગાઉથી જ પૂર્ણ કરી દેવામાં આવી હતી.

આ ઉપરાંત રાજકોટ શહેર-જીલ્લામાં વિધાનસભા વિસ્તારવાઈઝ ઈવીએમ મશીનોનું નિર્દેશન પણ કરી દેવામાં આવેલ છે. હવે લોકસભાની ચૂંટણીમાં વધુને વધુ મતદાન થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા જનજાગૃતીના કાર્યક્રમો આયોજીત કરવામાં આવનાર છે. લોકસભાની આગામી ચૂંટણીનું કાઉટડાઉન શરૂ થતાની સાથે જ રાજકોટ જીલ્લા કલેકટર તંત્રે એકશન મોડમાં આવી તૈયારીઓ શરૂ કરી દીધી છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj