લીફ્ટની મોકાણ: આઠ માળિયા આવાસની લીફ્ટમાં મધરાત્રે એક જ પરિવારના નવ સભ્યો સલવાયા

Local | Jamnagar | 25 May, 2024 | 02:38 PM
શરૂ સેક્શન રોડ ઉપરના પોલીસ હેડ ક્વાર્ટર પાછળ ગોલ્ડન સિટી નજીક આવેલ આઠ માળિયા આવાસમાં રાત્રે અઢી વાગ્યે બની ઘટના: ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક દોડી જઇ તમામ લોકોને સહી સલામત બહાર કાઢ્યા પરિવારજનો સલામત બહાર આવતા સોસાયટીના લોકોએ પણ રાહતનો દમ લીધો: જામનગરમાં સતત બીજા દિવસે લીફ્ટમાં લોકો ફસાયાની ઘટના બની: બન્ને ઘટનામાં લોકોને કોઇ ઇજા નહીં પરંતુ ગરમીમાં બફાવું પડ્યું
સાંજ સમાચાર

જામનગર,તા.25
જામનગરમાં સતત બીજા દિવસે લીફ્ટમાં લોકોના ફસાવાની આકસ્મિક ઘટના બની હતી. જેમાં પોલીસ હેડક્વાર્ટર પાછળ ગોલ્ડન સીટી વિસ્તારમાં મહાનગરપાલિકા નિર્મિત આઠ માળીયા આવાસમાં રાત્રિના અઢી વાગ્યાના અરસામાં એક જ પરિવારના નવ વ્યક્તિઓ લિફ્ટમાં ફસાઈ જતાં ભારે અફડા તફડી સર્જાઇ હતી.

ફાયર બ્રિગેડની ટુકડીએ દોડી જઈ દરવાજાનો લોક ખોલી સર્વેને દસ મિનિટના સમયગાળા દરમિયાન સહી સલામત બહાર કાઢી લેતાં સર્વે એ હાશકારો અનુભવ્યો હતો.
આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં પોલીસ હેડ ક્વાર્ટર પાછળ ગોલ્ડન સિટી વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા આઠ માળીયા આવાસ બનાવાયા છે, જે બિલ્ડિંગમાં વસવાટ કરતો એક પરિવાર ગઈ રાત્રિના અઢી વાગ્યાના અરસામાં બહાર ગામથી જામનગર આવ્યો હતો, અને લિફ્ટ માં ઉપર જવા માટે પ્રવેશ મેળવ્યો હતો.

જે લિફ્ટ માં એકી સાથે એક  પરિવારના નવ સભ્યો પોતાના સામાન સાથે ઉપર જવા માટે પ્રવેશ્યા હતા. જે લિફ્ટ ચાલુ થયા પછી ઉપર જઈને સાતમા માળે અધવચ્ચે અટકી ગઈ હતી. જેથી લિફ્ટમાં એક જ પરિવારના નવ સભ્યો હિરેન ભાઈ જોશી, ભાવિન ભાઈ  જોશી, મનીષભાઈ જોશી, પ્રશાતભાઈ જોશી, સંગીતાબેન  જોશી, રમાબેન  જોશી, હેમાલીબેન જોશી, મનિષા બેન જોશી અને ત્રિશાબેન જોશી વગેરે ફસાઈ ગયા હતા.

લિફ્ટની કેપેસિટી 580 કિલો વજનની હતી, જ્યારે તેનાથી વધુ કેપેસિટી ના વ્યક્તિ પોતાના સામાન સાથે લિફ્ટમાં પ્રવેશ્યા હોવાથી અધવચ્ચે લિફ્ટ ફસાઈ હતી, અને દેકારો મચાવતાં અન્ય રહેવાસીઓ જાગી ગયા હતા, અને તાત્કાલિક અસરથી ફાયર બ્રિગેડને જાણ કરી હતી.

રાત્રિના અઢી વાગ્યે મળેલા કોલને લઈને ફાયર શાખાના અધિકારી ઉમેદ ગામેતીની રાહબરી હેઠળ મયુરસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ જાડેજા અને હસમુખભાઈ વઘોરા સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી, અને આશરે દસેક મિનિટ ની જહેમત લઈ મુખ્ય દરવાજા નો લોક ખોલી નાખી એક પછી એક સર્વેને સહી સલામત રીતે બહાર કાઢી લીધા હતા, જેથી સર્વે એ હાશકારો અનુભવ્યો હતો.

લિફ્ટમાં ફસાઈ જવાનો કિસ્સો જામનગરમાં બે દિવસના સમયગાળામાં બીજી વાર બન્યો હતો. જામનગરમાં ગુરૂવારે પી.એન. માર્ગ ઉપર આવેલ નીયો એટલાન્ટિક નામના કોમર્શિયલ કોમ્પલેક્ષમાં આવેલી લીફ્ટમાં રામેશ્વરનગર વિસ્તારમાં રહેતાં બે યુવાન ભાઇઓ ફસાઇ ગયા હતાં. આ બન્ને યુવાનોને ફાયર બ્રિગેડની ટીમે સલામત બહાર કાઢ્યા હતાં.

આમ જામનગરમાં બે દિવસમાં લીફ્ટમાં લોકોના ફસાવાની બે ઘટના બની હતી. બન્ને ઘટનામાં કોઇ વ્યક્તિને ઇજા થઇ ન હતી પરંતુ કાળઝાળ ગરમીને કારણે બફારો સહન કરવો પડ્યો હતો.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj