ગુજરાતમાં વાવાઝોડુ નહીં આવે : કાલે લો-પ્રેસરમાં ફેરવાશે

Gujarat | Ahmedabad | 21 May, 2024 | 04:43 PM
સાયકલોનને કોઇ નામ પણ અપાયું નથી : ચિંતાની વાત નથી : છતાં માછીમારો માટેની ચેતવણી યથાવત
સાંજ સમાચાર

અમદાવાદ, તા. 21
છેલ્લા ત્રણ દિવસથી ગુજરાત પર આગામી તા.રપ બાદ વાવાઝોડાની અસર થશે તેવા અહેવાલો છે. બંગાળની ખાડીમાં એક સાયક્લોન સક્રિય થઈ રહ્યુ છે જે આવતીકાલે એટલે કે 22 મેથી લો પ્રેશરમાં ફેરવાશે. પરંતુ હાલ કોઇ વાવાઝોડાના એંધાણ હવામાન વિભાગે જાહેર કર્યા નથી. 

બંગાળની ખાડીમાં જે સાયક્લોન સક્રિય થયું છે તેનું હાલમાં કોઈ નામ આપવામાં આવ્યું નથી. કારણ કે, આગામી દિવસોમાં તેની સક્રિયતા અને ગતિ બાદ તે કઈ દિશામાં આગળ વધશે તે નક્કી કરીને જો આ સાયક્લોન વાવાઝોડામાં પરિણમે તો તેનું નામકરણ થશે. હાલ પૂરતું તો વાવાઝોડાના કોઈ એંધાણ હવામાન વિભાગે દર્શાવ્યા નથી. હવામાન વિભાગે આગાહી કરી છે કે, તા.22 આસપાસ દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડીમાં લો પ્રેશરનું ક્ષેત્ર રચાય તેવી શક્યતા છે. તે શરૂઆતમાં ઉત્તર-પૂર્વ તરફ આગળ વધે અને 24 સવાર સુધીમાં બંગાળની ખાડીના મધ્ય ભાગોમાં ડિપ્રેશનમાં કેન્દ્રિત થવાની સંભાવના છે.

આ સાયક્લોન સક્રિય થતાં પહેલાં ભારતના તટીય વિસ્તારમાં અગમચેતીના ભાગરૂપે હવામાન વિભાગ દ્વારા સાવચેતીના પગલા સૂચવવામાં આવ્યા છે અને કેટલીક શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે. જેમાં 24મી અને 25મી મેના રોજ ઉત્તર ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. ત્યારબાદ 23 મેની સવારથી મધ્ય બંગાળની ખાડી ઉપર 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે. 

માછીમારોને 23મી મેથી મધ્ય બંગાળની ખાડીમાં અને 24મી મેથી ઉત્તર બંગાળની ખાડીમાં ન જવાની સલાહ આપવામાં આવે છે. દરિયામાં માછીમારોને 23મી મે પહેલા કિનારે પાછા ફરવાની સલાહ આપવામાં આવી છે. આ તમામ સાવચેતીના પગલાં વચ્ચે ગુજરાતના હવામાન વિભાગ દ્વારા આગામી 5-7 દિવસ માટે બંગાળની ખાડીમાં સર્જાયેલા વાવાઝોડાની કોઈ અસર રહેશે નહીં તેમ જણાવવામાં આવ્યું હતું.

♦રેડ એલર્ટ આવ્યું કયાંથી? અમદાવાદમાં વિવાદ
♦મૌસમ વિભાગના વરતારો પરથી રાજકોટ સહિતના શહેરોમાં પણ હાઇએલર્ટ અપાયું છે : હવામાન વિભાગે હાથ ખંખેર્યા

અમદાવાદ, તા. 21
અમદાવાદમાં ગરમીનો પ્રકોપ યથાવત છે ત્યારે પારો 44 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. આ સંજોગોમાં શહેરમાં ગરમી મામલે આપવામાં આવતા એલર્ટને લઈને મ્યુનિસિપલ કોર્પોરેશન અને હવામાન વિભાગ વચ્ચે વિવાદ સામે આવ્યો છે. અમદાવાદ, રાજકોટ સહિતના શહેરોમાં  છેલ્લા પાંચ દિવસથી આકરા તાપ અને લૂને કારણે લોકો ત્રાહીમામ પોકારી  ગયા છે ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તા.24 સુધી શહેરમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જો કે હવામાન વિભાગે આ રેડ એલર્ટને સમર્થન ન આપતા વિવાદ ઉભો થયો છે. હવામાન વિભાગ દ્વારા ફક્ત ઓરેન્જ એલર્ટ અપાયું હોવાનું જણાવવામાં આવ્યું હતું.

અમદાવાદમાં સ્થાનિક તંત્ર અને હવામાન વિભાગ વચ્ચે સંકલન ન થતા એલર્ટને મામલે શહેરીજનો ચિંતામાં મુકાયા છે. એક તરફ જ્યાં હવામાન વિભાગ રેડ એલર્ટ ન આપ્યું હોવાનું અને ફક્ત ઓરેન્જ એલર્ટ આપ્યું હોવાના નિવેદન પર મક્કમ છે. તો બીજી તરફ કોર્પોરેશનના આરોગ્ય વિભાગનાના ઉચ્ચ અધિકારીએ સત્તાવાર રીતે મીડિયા સમક્ષ રેડ એલર્ટ અપાયું હોવાનું સ્વીકાર્યું છે.

હવામાન વિભાગ દ્વારા 44 ડિગ્રીથી કરતા વધુ પણ 45થી ઓછી ગરમીનો ઉલ્લેખ કરી ઓરેન્જ એલર્ટ આપ્યા હોવાની વાત પર મક્કમ છે જ્યારે કોર્પો. 45 ડિગ્રીના તાપમાનના ઉલ્લેખને લઇ રેડ એલર્ટ પર મક્કમ છે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj