◙ મહામંત્રી રજની પટેલ કાર્યકારી પ્રમુખની જેવી ભૂમિકા ભજવશે: ‘નવા નાકે’ દિવાળી કરવાનો ‘ડર’ ભાજપને દેખાયો
રાજકોટ: ગુજરાતમાં છેલ્લા ત્રણ માસથી ડખ્ખે ચડેલા ભાજપ સંગઠન નવરચનામાં હવે રાજયના 27થી વધુ જીલ્લાઓને આવરી લેતી સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની ચુંટણીની જાહેરાતે હવે નવા સંગઠનના આગમન પુર્વે એક મોટી બ્રેક મારી છે અને તા.18 ફેબ્રુઆરીના આ પરિણામો જાહેર થયા બાદ બીજા જ દિવસે વિધાનસભાના બજેટસત્રનો પ્રારંભ થાય છે.
માર્ચના મધ્ય સુધી ચાલનારા આ સત્ર બાદ જ હવે મહાનગર-જીલ્લાના નવા પ્રમુખો અને ત્યારબાદ રાજય કક્ષાએ પ્રદેશ પ્રમુખ સહિતની નિયુક્તિઓ થશે તેવા સંકેત આપી દીધા છે. ગઈકાલે ચુંટણીની જાહેરાત બાદ એક પત્રકાર પરિષદમાં પક્ષના મહામંત્રી શ્રી રજની પટેલે દબાતા સુરે સંકેત આપી દીધો કે હાલના સંગઠન સાથે જ પક્ષ ચુંટણીમાં જઈ રહ્યો છે.
તેઓને વારંવાર નવા સંગઠન અંગે પ્રશ્ન પૂછાયો તો તે સમયે પણ તેઓએ આ એક પ્રક્રિયા છે. સંકલન મળશે તેવા જવાબો આપીને ભાજપ હવે સંગઠન નવરચનામાં માર્ચના મધ્ય બાદ જ આગળ વધશે તે નિશ્ચિત કરી દીધું છે. વાસ્તવમાં છેલ્લા બે માસથી અલગ અલગ સર્જાયેલા વિવાદ અને સરકારી જાહેરાતો પણ વિવાદો સર્જી ગઈ તેની અસર નવા સંગઠન રચનામાં પડી છે.
આથીજ ચુંટણીપંચને વહેલા જે ચુંટણીઓ લાંબા સમયથી ડયુ છે તેમાં શકય હોય તેટલી પતાવી દેવા જણાવાયું છે. ખાસ કરીને જે ઓબીસી અનામતનો અમલ પ્રથમ વખત સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓમાં થઈ રહ્યો છે.
તેમાં અનામત બેઠકોની ફાળવણી વિ.જટીલ કામ લાંબો સમય માંગી લે તેવું છે અને તે વચ્ચે સરકારે નવ નગરપાલિકાઓને મહાપાલિકા બનાવવા જાહેરાત કરી જેથી તેના નવા સિમાંકન પુર્વે વહીવટી પ્રક્રિયા હવે શરૂ થઈ છે તેથી તેના સંબંધીત નગરપાલિકાઓની ચુંટણીઓ મુલત્વી રહી છે તો જે રીતે બનાસકાંઠા જીલ્લાના વિભાજનની જાહેરાત થઈ છે.
તેના કારણે ધાનેરા-થરાદ નગરપાલિકાની ચુંટણીઓ પણ યોજાશે નહી. જો કે બનાસકાંઠા જીલ્લાના વિભાજન સામે તિવ્ર વિરોધ થયો છે અને તેમાં ભાજપના ધારાસભ્યો પણ ભળ્યા છે તેથી સરકાર ફિકસમાં મુકાઈ ગઈ છે.
સૂત્રોના જણાવ્યા મુજબ જે રીતે સંગઠન નવરચનામાં લગભગ દરેક મહાનગર અને જીલ્લાઓમાં આંતરિક વિખવાદ સર્જાયો તે પછી મોવડીમંડળ માટે પસંદગી મુશ્કેલ હતી અને કોઈ આ બળતામાં હાથ નાંખવા તૈયાર ન હતું તેથી તેને ‘ઠરવા’ માટે સમય આપીને ચુંટણીઓમાં સંગઠનને વ્યસ્ત કરીને બાદમાં અસંતોષનો ‘ઉભરો’ બેસી જાય પછી પસંદગી સરળ બનશે તે તર્ક હાલ અમલી બનાવાયો છે અને ત્યાં સુધી હવે મહામંત્રી રજની પટેલ ઈન્ચાર્જ પ્રમુખ જેવી ભૂમિકા ભજવશે તેવો સંદેશ દરેક પદાધિકારીઓને આપી દેવાયો છે.
આ અંગે પક્ષના સંગઠન મહામંત્રીની એક વિડીયો કોન્ફરન્સ પણ યોજાઈ હતી જેમાં તેઓએ હવે સંગઠન નવરચનામાં જે વિવાદ જૂથો સર્જાયો છે તે ભુલીને હાલ ચુંટણીમાં લાગી જવા જણાવાયું છે. આમ ભાજપે તેના સંગઠનની ચૂંટણીમાં ‘લોકશાહી’ બનાવવા જતા ‘જૂથવાદ’નું દર્શન કરાવી દીધું અને તે છેક ઉપર સુધી હોવાનું પણ પક્ષમાં ચર્ચાઈ રહ્યું છે.
આથી ચુંટણી પછી પણ હવે સંગઠન નવરચના કેટલી સરળ હશે તે પ્રશ્ન છે છતાં ભાજપે હવે એકથી વધુ ગાજર લટકાવી રાખ્યા છે તેથી કાર્યકર્તાઓ-નેતાઓ આગળ થયે રાખશે તેવું વાતાવરણ સર્જી દીધુ છે.
એક રાજય અનેક ચુંટણી: ધારાસભા ઈલેકશન આવતા આવતા વાતાવરણમાં ‘ચુંટણી’ઓ જ હશે
હજું 4000 ગ્રામ્ય પંચાયતો બે વર્ષથી લોકશાહીની રાહ જુએ છે: વર્ષના અંતે મહાપાલિકાઓ-જીલ્લાપંચાયતોની ચુંટણી
રાજકોટ: દેશમાં નરેન્દ્ર મોદી સરકાર હવે એક દેશ એક ચુંટણી માટે ‘લોહીના પાણી’ કરવા જેવી ચિંતા કરી રહી છે અને તેનાથી દેશને સતત ચુંટણીથી બચાવવા માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય મંત્રીઓ અમીત શાહ ખુદ ચિંતા કરે છે તો ગુજરાતમાં લોકલ લેવલમાં પણ એક રાજય અનેક ચુંટણીઓ જેવો માહોલ બની ગયો છે.
ચુંટણીપંચ હજુ 50% જ ચુંટણીઓ જાહેર કરી છે. બે-બે વર્ષથી વહીવટદાર જેવી વ્યવસ્થામાં રહેલી 4000 ગ્રામ્યપંચાયતોમાં ચુંટણી ડયુ છે તેમાં ઓબીસી બેઠકનું વર્ગીકરણનો મુદો ચુંટણી પંચ પુરૂ કરી શકી નથી.
બનાસકાંઠા-ખેડાની જીલ્લા પંચાયતની ચુંટણીમાં પણ ડયુ છે પણ બનાસકાંઠા જીલ્લા વિભાજનના કારણે તેની ચુંટણીઓ યોજાઈ નથી તો તેમાં હવે વિરોધ પણ તિવ્ર છે. સ્થાનિક કક્ષાએ ‘વિશ્ર્વાસ’માં લીધા વગર એક-બે આગેવાનોના રાજકારણને મહત્વ આપીને વિભાજન કરાયુ તેનો અસંતોષ હોવાની ચર્ચા ભાજપમાં છે.
નવી નવ મહાપાલિકાઓની પ્રક્રિયા ચાલુ છે તેથી ચુંટણી વર્ષના અંતમાં આવી શકે છે તો વર્ષના અંતે રાજકોટ સહિતની મહાપાલિકાઓની ચુંટણીઓ પણ યોજાશે. આમ ધારાસભા ચુંટણીમાં આવતા-આવતા અનેક ચુંટણીઓથી ગુજરાત ગાજતું રહેશે.
હવે ઉમેદવાર પસંદગીમાં પણ ‘જૂથવાદ’ હાવી થવા પ્રયાસ કરશે
રાજકોટ: ગુજરાતમાં ખાસ કરીને નગરપાલિકા સહિતની ચૂંટણીમાં જાહેર થતા ઉમેદવાર પસંદગીમાં ભાજપના પણ જૂથવાદના ફુંફાડો લાગે તેવા સંકેત છે. અગાઉ સંગઠન રચાઈ ગયુ હોત તો નવા હોદેદારોનો હાથ ઉપર રહ્યો હોત તેવી ચર્ચા છે પણ હવે જૂના અને સંભવિત નવા આ તમામ ચુંટણીના ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા અઘરી બનાવશે તેવી ચર્ચા ભાજપમાં છે અને તેનો પડઘો પછી સંગઠન હોદેદારોની પસંદગીમાં પડશે. ભાજપે જેઓને સંગઠનમાં રાખવા વિચાર્યુ છે તેમાં ચુંટણી લડવા ઈચ્છે તો તેમને પણ સમજાવવા પડશે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy