બહુ ગાજેલા મોટર પ્રકરણ બાદ આજે જનરલ બોર્ડ પૂર્વેની સંકલનની મીટીંગમાં ફરી ડખ્ખો : વોકઆઉટ જેવા દ્રશ્યો..

હવે વાત સન્માનની; મેયર નયનાબેન ભાજપ સંકલનમાંથી નીકળી ગયા

Local | Rajkot | 19 February, 2025 | 04:01 PM
સરકારના આભાર પ્રસ્તાવના વાંચન વખતે મજાક જેવી વાતો થવા લાગતા ઘેરા પડઘા : પ્રમુખ - સ્ટે.ચેરમેન દોડયા : મહિલા મેયરની ગરિમા જળવાતી ન હોવાનો ફરી ગણગણાટ : વિવાદોનો અંત આવતો નથી
સાંજ સમાચાર

રાજકોટ, તા. 19
રાજકોટના મેયર નયનાબેન પેઢડીયાએ મહાપાલિકાની સત્તાવાર કારમાં કમિશ્નરની પરવાનગી અને નિયમ મુજબ કરેલા પ્રયાગરાજના પ્રવાસ પાછળ ઉઠાવવામાં આવેલા વિવાદનો ત્રણ દિવસ પહેલા અંત આવ્યાનું જાહેર કરવામાં આવ્યા બાદ અને મામલો શાંત પડયાનું વાતાવરણ દેખાયા બાદ આજે ફરી જનરલ બોર્ડ પૂર્વેના ભાજપ સંકલનમાં ભડકો થઇ ગયો હતો.

મેયર દ્વારા સરકારની ગ્રાન્ટ ફાળવણી બદલ સરકારના આભાર પ્રસ્તાવ અને અભિનંદન ઠરાવ પર ચર્ચા કરાતી હતી ત્યારે કેટલાક નગરસેવકોએ તેમની વાતને નજરઅંદાજ કરતા અને શહેરના પ્રથમ નાગરિકને  અવગણવા પ્રયાસ કરતા નયનાબેન સંકલન છોડીને બહાર નીકળી ગયાનું જાણવા મળ્યું હતું. 

આ ઘટનાના પગલે તાબડતોબ ભાજપ પ્રમુખ મુકેશ દોશી અને સ્ટે.ચેરમેન જયમીન ઠાકર તેમની મેયર ચેમ્બરમાં દોડયા હતા. અમુક કોર્પોરેટરોની હાજરીમાં જરૂરી ખુલાસા કરવામાં આવ્યા હતા અને કોઇએ કોઇ પણ પ્રકારની મજાક  કરી નથી. તે બાદ મામલો થાળે પડયો હતો.

સ્ટે.કમીટીએ મંજૂર કરેલા અંદાજપત્રને બહાલી આપવા જનરલ બોર્ડ મળ્યું હતું. આ પૂર્વે દરેક બેઠકની જેમ પ્રમુખ મુકેશ દોશી, મેયર નયનાબેન, પદાધિકારીઓ, કોર્પોરેટરોની હાજરીમાં સંકલનની બેઠક મળી હતી. આ બેઠકમાં દર વખતે મીટીંગની વ્યુહરચના ઘડાતી હોય છે. દરખાસ્તો પર ચર્ચા થતી હોય છે. બજેટ બોર્ડમાં કયા કયા કોર્પોરેટરો ચર્ચા કરશે તે પણ નકકી થતું હોય છે.

આ બોર્ડમાં અધ્યક્ષસ્થાનેથી મેયર દ્વારા બે ઠરાવ મુકવામાં આવ્યા હતા. એક રાષ્ટ્ર, એક ચૂંટણીના સમર્થનમાં તથા ચૂંટણીઓમાં વિજય બદલ અભિનંદન ઠરાવ મૂકવાનો હતો. આ ઠરાવ મેયરે પહેલા પાર્ટી સંકલનમાં વાંચ્યો હતો. પરંતુ તેમના વાંચન દરમ્યાન અમુક પદાધિકારી અને કોર્પોરેટરો બીજી વાતે ચડી ગયા હતા.

મેયર ઠરાવની વાત કરતા હતા અને અન્ય કોઇ સભ્યો ધ્યાન આપતા ન હતા. એક તો મોટરના વિવાદથી મેયર દુ:ખી છે ત્યારે આજે તેમની વાત પર ધ્યાન આપવામાં ન આવતા નારાજ અને નિરાશ થઇને તેઓ સંકલનની મીટીંગમાંથી બહાર નીકળી ગયા હતા. 

વાત ગંભીર બની ગયાનું ધ્યાન પર આવતા મુકેશ દોશી અને જયમીન ઠાકર મેયર ચેમ્બરમાં પહોંચ્યા હતા. મેયરને  અમુક કોર્પોરેટરે તેમની વાત અવગણ્યાની લાગણી થઇ હતી. આથી મુખ્ય જવાબદારો અને અમુક કોર્પોરેટરોની હાજરીમાં ખુલાસા કરાયા હતા અને માફામાફી પણ થયાનું જાણવા મળ્યું હતું.

શાસક ટીમ અને મેયરે પણ કોઇ મોટી ઘટના નહીં બન્યાનો ખુલાસો કર્યો હતો. પરંતુ મોટર પ્રકરણથી માંડીને હવે ગરિમા અને સન્માનની વાત સુધી આ વિવાદ પહોંચી ગયાનું દેખાયું હતું. 

ભાજપ સંકલનમાં મેયર અભિનંદન ઠરાવ વાંચતા હતા ત્યારે અમુક કોર્પોરેટરો દ્વારા તેમની મજાક ઉડાડાતી હોવાનું તેમના કાને આવતા તેઓ સંકલન પૂરી થાય તે પૂર્વે  બહાર નિકળી જતા મનપામાં ચાલતા વિવાદમાં નવી આગ લાગી છે. 

તાજેતરમાં મેયર પ્રયાગરાજ સરકારી કાર લઈને ગયા હતાં ત્યારે પાછળથી  આ વિવાદને ભારે ચગાવવામાં આવ્યો હતો. વાસ્તવમાં તેમણે તમામ નિયમોનું પાલન કર્યુ હતું અને પ્રતિ કિ.મી. રૂા. 10 લેખે ભાડુ પણ ભરી દીધુ છે. આ પ્રકરણમાં હવે કેટલાક હિતશત્રુએ કામ કર્યાનું ઘણા લોકોને લાગ્યું છે. આ વિવાદ ચગાવવામાં કેટલાક જવાબદારોનો પણ ઉપયોગ થઇ ગયો છે. 

દરમ્યાન સંકલનમાં આ ચર્ચા ચાલતી હતી ત્યારે કોઇએ મેયરની વાતને પુરી ગંભીરતાથી ન લેતા મેયરના સ્વમાનનો સવાલ ઉઠયો હતો. એક તબકકે મેયરને પોતાનું અપમાન થયાનું લાગતા તેઓ ઉકળી ઉઠયા હતા. છતાં શાંતિથી સંકલન બહાર નીકળી જઇ પોતાની ચેમ્બરમાં પહોંચી ગયા હતા.

આ બાદ ભાજપના જવાબદારોએ મામલો શાંત પાડવો પડયો હતો. મેયરે સ્વમાનના ભોગે તો કંઇ ન ચાલે તેવું કહી દીધાનું જાણવા મળ્યું હતું. જોકે બાદમાં વાત પૂરી થઇ ગયાનું બંને પક્ષે કહ્યું હતું.

મેયર સૌના સન્માનનીય : અવગણનાની કોઇ વાત  નથી : પ્રમુખ મુકેશ દોશી
રાજકોટ, તા. 19

ભાજપ સંકલનમાં બનેલી ઘટના અંગે પ્રમુખ મુકેશ દોશીનો સંપર્ક કરતા તેમણે કહ્યું હતું કે મેયરની મર્યાદા કે સન્માન ન જાળવવાનો કોઇ પ્રશ્ન નથી. મેયર તરીકે તેઓ સૌના આદરણીય છે.

અન્ય વાતો વચ્ચે ગેરસમજણ થતા મેયર સમક્ષ ખુલાસા પણ કરવામાં આવ્યા હતા. બાદમાં આ મામલે માત્ર સમજ ફેર થયાનું તેમની હાજરીમાં તારણ નીકળ્યું હતું.  બેઠક બાદ તેઓ પોતાની ચેમ્બરમાં ગયા હતા. અન્ય કોઇ ઘટના બની નથી.

મીટીંગમાં મારૂ કામ પુરૂ થતા મેયર ચેમ્બરમાં બેસવા નીકળી ગયા હતા - નયનાબેન
રાજકોટ, તા. 19

મનપા ભાજપ સંકલનમાં પોતાની વાત કોર્પોરેટરોએ ગંભીરતાથી ન સાંભળતા બેઠક છોડી ગયાની ઘટના અંગે મેયર નયનાબેન પેઢડીયાનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે તેઓ આભાર પ્રસ્તાવનું વાંચન કરતા હતા.

તેમનું કામ પુરૂ થયું એટલે તેઓ સંકલનની બેઠક બહાર નીકળી ગયા હતા. કોઇ ઘટના બની નથી અને પ્રમુખની હાજરીમાં તમામ વાત કરવામાં આવી હતી.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj