(દેવાભાઇ રાઠોડ)
પ્રભાસપાટણ, તા. 17
રાજ્યમાં સૌ પ્રથમ વાર યોજાનાર સોમનાથ મહોત્સવમાં પદ્મશ્રી, પદ્મભૂષણ અને પદ્મવિભૂષણ સન્માનિત ભારતીય કલાકારો દ્વારા નૃત્ય-સંગીત મહોત્સવ મનાવવામાં આવશે. આ મહોત્સવનું રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે તા.24 ફેબ્રુઆરીના રોજ સાંજે 7 કલાકે ઉદ્ઘાટન કરવામાં આવશે. મહાશિવરાત્રિ નિમિત્તે તા.24 થી 26 ફેબ્રુઆરી 2025 દરમિયાન સોમનાથ ખાતે આયોજિત આ મહોત્સવમાં શ્રદ્ધાવાન ભક્તો માટે સુપ્રસિધ્ધ કલાકારો દ્વારા વીણા વડે ભજન અને રાસથી ડાયરા સહિત વિવિધ અલૌકિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
શ્રી સોમનાથ જ્યોતિર્લિંગ એ શિવ ભક્તિ ઉપરાંત નાટ્ય (નૃત્ય) અને ગાન (સંગીત)નું પણ કેન્દ્ર રહ્યું છે. જ્યાં કલાત્મક અભિવ્યક્તિ દ્વારા આધ્યાત્મિક અનુભવને ઉન્નત કરવામાં આવે છે. મંદિરનો નાટ્ય મંડપ આ લાંબા સમયથી ચાલી રહેલ પરંપરાનો સાક્ષી છે.
રાજ્યના પ્રવાસન વિભાગ તથા ઇન્દિરા ગાંધી કલા કેન્દ્ર, વડોદરા દ્વારા આયોજિત આ સમગ્ર મહોત્સવ દરમિયાન સન્માનિત ખ્યાતનામ કલાકારો દ્વારા ત્રણ દિવસ અને રાત્રિ દરમિયાન મહાશિવરાત્રીની પાવન ઘડીએ વિશેષ સંગીત પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવશે. આ ઉપરાંત અહી ‘વાદ્યમ-નાદસ્ય યાત્રા’ પર વિશેષ પ્રદર્શનનું આયોજન કરવામાં આવશે, જેમાં ‘સેક્રેડ સાઉન્ડ: નાદ, વાંદ્યો અને તેમની કથાઓ’ સંગીત, આધ્યાત્મિકતા તેમજ કલા અભિવ્યક્તિ વચ્ચેનો અનોખો સંબંધ ઉજાગર કરાશે. તદઉપરાંત સંગીત વાંદ્યોની વિકાસયાત્રા, દિવ્ય કથાઓ સાથેની તેમની જોડાણતા અને શિલ્પ-દૃશ્યકળામાં તેમની રજૂઆત આ પ્રદર્શનના કેન્દ્રસ્થાને રહેશે.
રાજ્યમાં આવેલું પવિત્ર સોમનાથ યાત્રાધામ ત્રણ પવિત્ર નદીઓ કપિલા, હિરણ અને સરસ્વતીના ત્રિવેણી સંગમ માટે પ્રાચીન કાળથી પ્રસિદ્ધ છે. આ મહોત્સવ દરમિયાન અહી દર સાંજે વિશેષ ‘સંગમ આરતી’ યોજાશે, જેમાં 108 દિવડા પ્રજ્વલિત કરી ભક્તિમય વાતાવરણનું સર્જન થશે. શ્રી સોમનાથ સંસ્કૃત મહાવિદ્યાલય દ્વારા 24 અને 25 ફેબ્રુઆરીના રોજ સવારના સમયે ‘સૌમનાથ: મંદિર, તીર્થ અને પરંપરા’ પર શ્રી સોમનાથ સંસ્કૃત મહાવધ્યાલય ખાતે વિશેષ સેમિનાર યોજાશે, જેમાં સોમનાથના ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ પર ચર્ચા કરવામાં આવશે.
તા. 26 ફેબ્રુઆરી 2025ના રોજ મારૂતિ બીચ ખાતે સવારે 8.00 કલાકે મહાશિવરાત્રીના પ્રસંગે શાસ્ત્રોત વિધિવિધાન સાથે પાર્થેશ્ર્વર મહાપૂજનનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત ત્રિ-દિવસીય ‘સોમનાથ મહોત્સવ’માં તા.24 ફેબ્રુઆરીના રોજ સાંજે પદ્મ વિભૂષણ ડો. સોનલમાન સિંહ દ્વારા ‘નાટ્યકથા’ પ્રસ્તુત કરવામાં આવશે. ત્યાર બાદ સૂર્ય ગાયત્રી-શિવ ભજન, વિદ્યુષી રામા વૈદ્યનાથન ‘નિમગ્ન’ તથા પંડિત શિવમણિ અને પદ્મશ્રી પંડિત રોણુ મજુમદાર વચ્ચે જુગલબંદી જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
તેવી જ રીતે તા.25 ફેબ્રુઆરીના રોજ સાંજે 7 વાગ્યાથી પદ્મશ્રી રામ ચંદ્ર પુલેવાઝ દ્વારા શેડો પપેટ્રી, વિદુષી સુધા રઘુરામન અને વોકલ મ્યુઝિક, પદ્મ વિભૂષણ કુમુદિની લાખિયા અને કાદમ્બ તેમજ શ્રી અતુલ પુરોહિત દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. આ મહોત્સવના અંતિમ દિવસ એટલે કે તા. 26 ફેબ્રુઆરીએ બરોડા કેરળ સમાજ દ્વારા સિંગરી મેલમ અને નીલેશ પરમાર દ્વારા ગુજરાતના લોકનૃત્ય, શ્રી યોગેશ ગઢવી દ્વારા ડાયરો, શ્રીમતી રાજશ્રી વારિયર અને ટીમ, શ્રી મૈસૂર મંજુનાથ દ્વારા વાયોલિન એન્સેમ્બલ, શ્રીમતી સુમન સ્વરગી દ્વારા 8 શાસ્ત્રિય નૃત્ય સ્વરૂપો દ્વારા શિવ મહિમા-સ્પર્શ સ્ટુડિયો ફોર પરફોર્મિંગ આર્ટ્સ, પદ્મ ભૂષણ પંડિત વિશ્વમોહન ભટ્ટ ‘ડેઝર્ટ સ્લાઇડ્સ’, પંડિત શશાંક સુબ્રમણિયમ દ્વારા બંસુરી, પંડિત બિક્રમ ઘોષ દ્વારા ભક્તિમય માહોલમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વધુમાં વધુ ભક્તોને સહભાગી થવા રાજ્ય પ્રવાસન નિગમ દ્વારા આમંત્રણ આપવામાં આવેલ છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy