ભૂતકાળના શાસકોએ દેશની જરૂરીયાતો સાથે વિશ્વાસઘાત અને કૌભાંડ કર્યા : મોદીના ચાબખા

Gujarat, Politics | Jamnagar | 26 February, 2024 | 11:55 AM
કોંગ્રેસ શાસનમાં થયેલા કૌભાંડો અને હવે દુનિયાની પાંચમી સૌથી મોટી આર્થિક સત્તા બનવા તરફની દોટનો પણ ઉલ્લેખ : દ્વારકામાં ઐતિહાસિક જાહેરસભાને સંબોધન કરતા વડાપ્રધાન
સાંજ સમાચાર

♦ દ્વારકા, જામનગર અને પોરબંદર જિલ્લાને 4100 કરોડના વિકાસ પ્રકલ્પોની આપી ભેંટ : દેશની ચારે દિશામાં થતા વિકાસ કામોનો એકેએક નાગરિક સુધી પહોંચી રહેલો પુરો લાભ

♦ સુદર્શન સેતુથી રોજગારી, સમૃધ્ધિ, પ્રવાસનના નવા દ્વાર ખુલવા મુખ્યમંત્રીને આશા : ‘વિકાસ ભી, વિરાસત ભી’ના મંત્ર સાથે વિકાસની આગવી પેટર્નના પ્રયોગનો થયો જન્મ

(કુંજન રાડિયા દ્વારા)
જામ ખંભાળિયા, તા. 26

 

દેવભૂમિ દ્વારકાના ઓખા મંડળ ખાતે ગઈકાલે રવિવારે રૂ. 978 કરોડના ખર્ચે નિર્માણ પામેલા સુદર્શન સેતુના લોકાર્પણ પ્રસંગે દ્વારકામાં એન.ડી.એચ. ગ્રાઉન્ડ ખાતે વડાપ્રધાનની જંગી જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે, આજની પેઢી નવા ભારતનું નિર્માણ થતું જોઇ રહી છે. ગુજરાત સહિત સમગ્ર દેશમાં ચાલી રહેલા મેગા પ્રોજેક્ટને કારણે નવા ભારતની નવી તસવીર બની છે. ભારતે આધુનિક કનેક્ટિવિટીથી સમૃદ્ધ અને સશક્ત રાષ્ટ્ર નિર્માણનો માર્ગ કંડાર્યો છે. જેનો સકારાત્મક પ્રભાવ દેશ અને ગુજરાતના પ્રવાસન ઉપર પડ્યો છે. તેમ તેમણે ઉમેર્યું હતું. 

જાહેર સભાને સંબોધન કરતા વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે દેશમાં આધુનિક સુવિધાઓ ઉભી થતાં વિદેશી પર્યટકોની સંખ્યામાં પણ સતત વૃદ્ધિ થઇ રહી છે. વર્ષ 2022 દરમિયાન 85 લાખ વિદેશી પર્યટકોએ ભારતની મુલાકાત લીધી હતી. તેમાંથી એકલા ગુજરાતમાં જ 15.5 લાખ વિદેશી પ્રવાસીઓ આવ્યા હતા. ઇ-વિઝા ઉપરાંત પ્રવાસન સ્થળો સાથેની વધેલી કનેક્ટિવિટી અને સુવિધાઓને કારણે દેશના પર્યટન સ્થળોનું વિદેશમાં આકર્ષણ વધ્યું છે. જેના કારણે ગુજરાતમાં રોજગાર અને સ્વરોજગારના અવસરો વધ્યા છે. 

કૃષ્ણ નગરી દ્વારકા ખાતેથી વડાપ્રધાન મોદીએ દેવભૂમિ દ્વારકા, જામનગર અને પોરબંદર જિલ્લાઓને રૂ. 4100 કરોડના વિવિધ 11 વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કર્યું હતું. આ વિકાસ કામોમાં દેશના સૌથી લાંબા કેબલ સ્ટેઈડ બ્રીજનું લોકાર્પણ કર્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ પણ તેમની સાથે જોડાયા હતા.

વડાપ્રધાન મોદીએ તેમના વક્તવ્યમાં જણાવ્યું હતું કે, સુદર્શન સેતુ ઓખા અને બેટ દ્વારકા દ્વીપને જોડવાની સાથે દ્વારકાધીશના દર્શનને વધુ આસાન બનાવશે અને તેની દિવ્યતાને ચારચાંદ લગાવશે. જે ઇશ્ર્વરરૂપી જનતા જનાર્દનના સેવક મોદીની ગેરેંટી છે. સુદર્શન સેતુ માત્ર સુવિધા નથી, પરંતુ ઇજનેરી કૌશલ્યનું અદ્દભૂત ઉદાહરણ છે, તેમ જણાવતા તેમણે ઉમેર્યું હતું કે, સ્ટ્રક્ચરલ એન્જિનિયરિંગના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓેએ સુદર્શન સેતુનું અધ્યયન કરવું જોઇએ. આ સુદર્શન સેતુ, સુ-દર્શન છે. સુદર્શન સેતુ ભારતનો સૌથી લાંબો કેબલ આધારિત પૂલ છે. જેના કારણે ઓખા ફરીથી દુનિયાના નકશામાં ચમકશે.

ઓખાના ભવ્ય ભૂતકાળની યાદ અપાવતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, એક સમયે ઓખા વેપારી બંદર તરીકે વિખ્યાત હતું. ઓખાની એટલી શાખ હતી કે અહીં મોકલવામાં આવતી વસ્તુઓ ઉત્તમ ગુણવત્તાવાળી માનવામાં આવતી હતી. રશિયાના અસ્ટ્રાખાન પ્રાંતમાં આજે પણ સારામાં સારા સ્ટોર કે મોલના નામ આગળ ઓખા લગાડવામાં આવે છે. ત્યાં ઓખા એટલે ઉત્તમ ગુણવત્તા.

ભૂતકાળના શાસકોને આડેહાથ લેતા વડાપ્રધાને જણાવ્યું કે, તેમણે માત્ર સત્તા બચાવવા માટે જ શાસન કર્યું હતું. દેશનું હિત વિચારવાના બદલે તેમણે માત્ર એક જ પરિવારને આગળ વધારવાનું કામ કર્યું છે. નાગરિકોની સુવિધા વધારવા માટે તેમની નિયત અને નિષ્ઠામાં ખોટ હતી. ભૂતકાળના શાસકો દ્વારા માત્ર ગોટાળા જ કરવામાં આવ્યા હતા. દેશમાં ટેલીકોમની વિકાસ કરવાની વાત હતી ત્યાં ટુ-જી કૌભાંડ, રમતગમતના વિકાસને બદલે કોમન વેલ્થ કૌભાંડ, રક્ષાક્ષેત્રમાં હેલીકોપ્ટર અને સબમરિન કૌભાંડ કરી ભૂતકાળના શાસકો દ્વારા દેશની જરૂરિયાતો સાથે વિશ્વાસઘાત કર્યો છે.

2014 માં જ્યારે શાસનધૂરા સંભાળી ત્યારે વાયદો કર્યો હતો કે હું દેશને લૂંટવા નહીં દઉં, તેમ જણાવતા તેમણે કહ્યું કે, છેલ્લા દસ વર્ષમાં ભારત દુનિયાની પાંચમી સૌથી મોટી આર્થિક સત્તા બનવા સાથે નવ્ય-ભવ્ય કાર્યો થઇ રહ્યા છે. દેશમાં થઇ રહેલા આઇકોનિક મેગા પ્રોજેક્ટનો સગૌરવ ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું કે, દેશની ચારેય દિશામાં વિકાસ કામો થઇ રહ્યા છે અને તેનો લાભ નાગરિકોને મળી રહ્યો છે.

સૌરાષ્ટ્રમાં એક સમયની પાણીની અછતને યાદ કરાવતા નરેન્દ્રભાઈએ સૌની યોજના વિશે કહ્યું કે, આ યોજના થકી મા નર્મદાના જળથી સૌરાષ્ટ્ર અને કચ્છમાં સિંચાઇ તથા પીવાનું પાણી પહોંચ્યું છે. તેના કારણે ખેડૂતો, પશુપાલકો, સાગરખેડૂઓ આર્થિક રીતે સંપન્ન થયા છે. સૌરાષ્ટ્રની ધરતી સંકલ્પથી સિદ્ધિની પ્રેરણા આપે છે, તેમ જણાવતા  મોદીએ એમ પણ ઉમેર્યું કે, સૌરાષ્ટ્ર અને ગુજરાત સમૃદ્ધિના શીખરે પહોંચશે. વિકસિત સૌરાષ્ટ્ર થકી, વિકસિત ગુજરાત અને વિકસિત ભારત બનશે. 
આ સમયે દ્વારકા તીર્થ સ્થાને યાત્રાળુઓના મનમાં વસી જાય એવું સ્વચ્છ રાખવા માટે સ્થાનિકોને આહ્વાન કર્યું હતું.  

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, કૃષ્ણભૂમિ દ્વારકાને મળેલી ઓખા - બેટ દ્વારકા સુદર્શન સેતુ આપણી હજારો વર્ષ જૂની વિરાસતને આધુનિક વિકાસ સાથે જોડનારી ભેટ બની રહેશે. વિકાસના નિતનવા કીર્તિમાન સાથે ભારતીય પ્રાચીન વિરાસતોની જાળવણી અને સંવર્ધન કરીને ‘વિકાસ ભી, વિરાસત ભી’ના મંત્ર સાથે બહુમુખી વિકાસની આગવી પેટર્ન વડાપ્રધાનના નેતૃત્વમાં વિકસી છે.

સુદર્શન સેતુથી સ્થાનિકો માટે રોજગારી અને સમૃદ્ધિના નવા દ્વાર ખુલશે અને પ્રવાસીઓની સંખ્યા પણ વધશે, એવો વિશ્વાસ પણ ભૂપેન્દ્ર પટેલે વ્યક્ત કર્યો હતો. મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, વડાપ્રધાને અમૃતકાળને વિકાસનો કર્તવ્ય કાળ બનાવવા માટે જનશક્તિને વિકાસ સાથે જોડી યોજનાના લાભો છેવાડાના માનવી સુધી પહોંચાડ્યા છે. પ્રવાસનને વેગ આપવા ગુજરાતમાં નાનામાં નાના ગામને સડક માર્ગથી જોડવા સાથે સ્પીડ અને સ્કિલથી આંતર માળખાકીય સુવિધાઓનો વિકાસ થઇ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વીજળી, પાણી અને આવાસ જેવી પાયાની સુવિધાઓ જનજન સુધી પહોંચાડીને પણ જનજીવન સરળ બનાવ્યું છે.
પબુભા માણેક

 રામ મંદિરમાં પબુભા માણેક પરીવાર દ્વારા 90 કીલો ચાંદી અર્પણ કરાઈ તથા નરેન્દ્રભાઈ મોદીને સોનાનો મુગટ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ સમારંભમાં ખંભાળિયાના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી મૂળુભાઈ બેરા, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી, સાંસદ સી.આર. પાટીલ, પૂનમબેન માડમ, રમેશભાઈ ધડુક, રાજ્યસભાના સાંસદ બાબુભાઈ દેશાઇ, જિલ્લા પંચાયત પ્રમુખ રિદ્ધિબા જાડેજા, ધારાસભ્ય પબુભા માણેક સહિત અગ્રણીઓ, પદાધિકારીઓ, અધિકારીઓ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ જાહેર સભામાં ઐતિહાસિક સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj