રાજકોટ તા.24
ક્રાઇમ બ્રાન્ચની ટીમે શંકાના આધારે ફિલ્મી ઢબે કારનો પીછો કરતા કાર ચાલકે ફોરવ્હીલ સ્પીડમાં હંકારતા ઠેબચડા પાસે બાઈક ચાલકને અડફેટે લીધો હતો. બાઈકમાં સવાર યુવકને ગંભીર ઈજાઓ પહોચતા સારવારમાં ખસેડાયો છે. જ્યારે કાર ચાલક ગાડી મુકી નાસી ગયો હતો. પોલીસે કારમાંથી દારુની 132 બોટલ, કાર સહિત રૂ.56 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
બનાવની વિગત મુજબ ગઈ કાલ રાત્રિના આજીડેમ પોલીસ મથકની ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન પીએસઆઈ વી. ડી. ડોડીયાને એક શંકાસ્પદ કાર જોવા મળતાં તુરંત પોલીસ સ્ટાફે કારનો પીછો કર્યો હતો. દરમિયાન કાર ચાલકને પોલીસ પીછો કરે છે તે માલુમ પડતા કાર સ્પીડમાં ચલાવી ઠેબચડા ગામમાંથી પસાર થઈ પોલીસને ચકમો આપી નાસી ગયો હતો. દરમિયાન સ્પીડમાં રહેલ કાર મહીકા ગામ પાસે પાવર હાઉસ સામે ઠેબચડા રોડ પર પહોચતા સામેથી આવતા બાઇકને જોરથી ઠોકર મારતાં બાઈકમાં સવાર રમેશ મકવાણાને ગંભીર ઇજાઓ હતી. અને કાર ચાલક તુરંત કારમાંથી નીચે ઉતરી ભાગી ગયો હતો.
બાદ બાઈક ચાલકને તુરંત 108 મારફત રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવની જાણ પોલીસને થતાં તુરંત પોલીસ ત્યાં દોડી જઈ કારની તપાસ કરતાં કારમાંથી દારુની 132 બોટલ, અને કાર સહિત રૂ.56000 નો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો હતો. દારુ ભરેલ કાર મુકી નાસી જનાર શખ્સની આજીડેમ પોલીસે શોધખોળ હાથ ધરી છે.
અકસ્માતમાં ગંભીર ઈજાઓ પહોંચેલ યુવકે આજીડેમ પોલીસે ફરિયાદ કરી હતી. ફરિયાદી રમેશભાઈ ધીરુભાઈ મકવાણા (ઉ.વ.19, રહે.ઠેબચડા ગામ,જી રાજકોટ) એ ફરિયાદમાં જણાવ્યું હતું કે પોતે અભ્યાસ કરે છે.
ગઈ કાલ સાંજનાં છએક વાગ્યાની આસપાસ ફરિયાદીને તેના મામાનો ફોન આવેલ અને આજીડેમ ચોકડી ખાતે તેડવા બોલાવેલ.જેથી પોતે બાઈક લઈ આજીડેમ ચોકડી ખાતે ગયેલ હતો. અને મામાને બાઈકમા પાછળ બેસાડી ઠેબચડા ગામ જવા નીકળેલ હતાં. દરમિયાન આશરે પોણા આઠેક વાગ્યાની આસપાસ મહીકા ગામ નજીક પી.જી.વી.સી.એલ. પાવર હાઉસ પાસે પહોંચતા સામેથી એક ફોરવ્હિલ પુરઝડપે ચલાવી આવી બાઈકની સામે ઠોકર મારતાં બાઈકમાં સવાર બંને ફંગોળાયા હતા. અને નિચે પટકાયા હતા.
જેમાં ફરિયાદીને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જ્યારે ફરિયાદીના મામાને સામાન્ય ઈજાઓ પહોંચેલ હતી. કાર ચાલક તુરંત કારમાંથી નિચે ઉતરી ભાગી ગયેલ હતો. બાદ 108 મારફત ફરિયાદીને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બાદ વધુ સારવાર અર્થે ગોકુલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યો છે. આજીડેમ પોલીસે બલેનો કાર નં- જીજે- 13 સીએ 1906 ના ચાલક સામે ગુનો દાખલ કરી કારમાં ભરેલ દારુ કબ્જે કરી વધુ કાર્યવાહી હાથ
ધરી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy