બે મહિનાના વિજબીલ આવતા તેટલા નાણાં 10 જ દિવસમાં ખત્મ થઈ જતા હોવાનો દાવો

પ્રિ-પેઈડ સ્માર્ટમીટરથી વિજખર્ચ વધી ગયો! વડોદરા-જામનગરમાં હોબાળો

Gujarat, Saurashtra | Vadodara | 16 May, 2024 | 10:09 AM
♦ વડોદરામાં ગ્રાહકોએ વિજકચેરીએ હંગામો સર્જયો : જામનગરમાં આવેદનપત્ર પાઠવાયુ
સાંજ સમાચાર

♦ સૌરાષ્ટ્રમાં રાજકોટ તથા સોમનાથ વેરાવળમાં પણ સ્માર્ટમીટર લગાવાય રહ્યા છે: બે વર્ષમાં સમગ્ર રાજયમાં પ્રિ-પેઈડ મીટર લગાવવાનો ટાર્ગેટ

રાજકોટ તા.16
વિજચોરી-ગેરરીતિ સહિતના દુષણો રોકવા માટે વિજતંત્ર દ્વારા રાજયભરમાં પ્રિ-પેઈડ સ્માર્ટ મીટર લગાવવાનું શરૂ કરવામાં આવ્યુ છે. પરંતુ આ સ્માર્ટમીટરના ચકકર ખૂબ ઝડપી કરે છે અને વિજખર્ચ બે-ત્રણ ગણો થઈ ગયો હોવાના દાવા સાથે વડોદરા તથા જામનગરમાં હંગામો સર્જાયો છે.

બે મહિનાના સરેરાશ બીલના આધારે પ્રિ-પેઈડ કરાવાયુ હતું. પરંતુ આ નાણાં 8-10 દિવસમાં જ ખત્મ થઈ જતા હોવાની દલીલ સાથે વડોદરામાં વિજકચેરીએ ધસી જઈને ગ્રાહકોએ હંગામો કર્યો હતો. જામનગરમાં પણ સમાન ઘટનાક્રમ સર્જાયો હતો. વિજગ્રાહકો દ્વારા તપાસની માંગ સાથે આવેદનપત્ર આપ્યુ હતું.

ગુજરાતમાં આવતા બે વર્ષમાં તબકકાવાર વર્તમાન વિજમીટરના સ્થાને પ્રિ-પેઈડ સ્માર્ટમીટર લગાવવાનો પ્રોજેકટ હાથ ધરવામાં આવ્યો છે. પીજીવીસીએલ હેઠળ આવતા સૌરાષ્ટ્ર-કચ્છમાં રાજકોટ, જામનગર તથા વેરાવળ-સોમનાથમાં આ પ્રક્રિયા શરુ થઈ ગઈ છે.

મધ્ય ગુજરાત વિજ કંપનીએ વડોદરા જેવા શહેરોમાં પ્રિપેઈડ સ્માર્ટ મીટર લગાવવાનું શરૂ કર્યુ છે. અન્ય વિજ કંપનીઓ પણ પોતપોતાના કાર્યક્ષેત્રમાં વિજમીટર લગાવી રહી છે. હવે આ સ્માર્ટમીટર સામે જ વાંધો ઉઠવા લાગ્યો છે ત્યારે તંત્રના વલણ પર મીટ છે.

રાજકોટમાં કોઈ સમસ્યા નથી: ગ્રાહકોને ટ્રેનિંગ અપાય છે: જોડાણ પણ ‘કટ્ટ’ કરાતા નથી
પ્રિ-પેઈડ સ્માર્ટમીટરથી વિજખર્ચ અનેકગણો વધી ગયો હોવાના દાવા સાથે સર્જાયેલા ઉહાપોહ વચ્ચે પીજીવીસીએલના અધિકારી આર.જે.વાળાએ જણાવ્યુ હતું કે રાજકોટમાં હજુ કોઈ ફરિયાદો મળી નથી. સ્માર્ટ મીટરો પર્યાપ્ત લેબ ચકાસણી બાદ જ લગાવવામાં આવે છે.

ગ્રાહકોને પ્રિ-પેઈડ પ્રક્રિયાની પર્યાપ્ત ટ્રેનીંગ પણ અપાય છે. પ્રિ-પેઈડમાં 100 રૂપિયા બાકી છે ત્યારે મેસેજ મોકલવાનું શરૂ કરી દેવાય છે. ગ્રાહક સમયસર રીચાર્જ ન કરે તો 300 રૂપિયા માઈનસ થાય ત્યાં સુધી જોડાણ કટ્ટ થતુ નથી અને વિજપુરવઠાને કોઈ અસર થતી નથી. અમુક સ્થળોએ ફરિયાદો ઉઠયાનું ધ્યાનમાં છે પરંતુ રાજકોટમાં આવી સમસ્યા નથી.

પીજીવીસીએલ દ્વારા અત્યાર સુધીમાં 8400 જેટલા સ્માર્ટમીટર લગાવી દેવામાં આવ્યા છે. હાલ દરરોજ સરેરાશ 500 મીટર લગાવવામાં આવે છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj