કેન્દ્ર અને ગુજરાત સરકારના વિવિધ 48 હજાર કરોડથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ભૂમિપૂજનનો વિશાળ કાર્યક્રમ

વડાપ્રધાન કાલે રાજકોટમાં: એરપોર્ટથી ભવ્ય રોડ-શો, રેસકોર્સમાં જંગી સભા

Saurashtra | Rajkot | 24 February, 2024 | 03:53 PM
◙ રાજકોટ એઈમ્સની લોકોને ભેંટ આપશે: 6300 કરોડના ખર્ચે કુલ પાંચ નવી એઈમ્સના લોકાર્પણ
સાંજ સમાચાર

◙ ઝનાના હોસ્પિટલ, રૂડા અને મનપાની નવી પાણી પુરવઠા અને ભૂગર્ભ યોજનાઓ પણ શરૂ કરાવશે

◙ કચ્છ, સુરેન્દ્રનગર જિલ્લાના ક્રુડ ઓઈલ લાઈન, રેલ્વે પ્રોજેકટસના પણ ભૂમિપૂજન-ઉદઘાટનો

◙ તમામ વિભાગના વડાઓ સાથે છેલ્લી રીવન્યુ મીટીંગ કરી લેતા કલેકટર: રવિવારે પુરૂ તંત્ર રેસકોર્સમાં

રાજકોટ,તા.24
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બે દિવસના સૌરાષ્ટ્ર પ્રવાસનો આજે રાત્રીના 8 કલાકથી પ્રારંભ થનાર છે. જેમાં આજે રાત્રીના જામનગરમાં રોડ શો બાદ વડાપ્રધાન મોદી જામનગરમાં રાત્રી રોકાણ કરનાર છે ત્યારબાદ બીજા દિવસે એટલે કે આવતીકાલે તા.25ને રવિવારના દ્વારકા ખાતે સીગ્નેચર બ્રીજ સહિતના વિવિધ વિકાસ પ્રોજેકટોના લોકાર્પણ-ખાતમુહુર્ત બાદ બપોરના 3-30 કલાકે રાજકોટ એઈમ્સ ખાતે હેલીકોપ્ટર મારફતે આવી પહોંચશે.

વડાપ્રધાન મોદી રાજકોટ એઈમ્સ ખાતે 15થી 20 મીનીટનું રોકાણ કરશે આ દરમ્યાન તેઓ રાજકોટ એઈમ્સ સહિત દેશની વિવિધ પાંચ નવી એઈમ્સ કે જે રૂા.6300 કરોડના ખર્ચે નિર્માણ પામેલ છે. તેનું લોકાર્પણ કરશે. જે બાદ તેઓ રાજકોટ એઈમ્સના વિવિધ વિભાગોની સ્થળ મુલાકાત લઈ નિરીક્ષણ કરશે.

ત્યારબાદ તેઓ એઈમ્સથી હેલીકોપ્ટર મારફત શહેરના જુના એરપોર્ટ પર પહોંચશે. જયાંથી તેઓનો રેસકોર્સ ગ્રાઉન્ડ સમાસ્થળ સુધીનો ભવ્ય રોડ શો યોજાશે. વડાપ્રધાન મોદી રેસકોર્સ ગ્રાઉન્ડ સભાસ્થળ પરથી ઝનાના હોસ્પિટલ સહિત રાજય અને કેન્દ્ર સરકારના વિવિધ 48 હજાર કરોડના વિકાસ પ્રોજેકટોનું લોકાર્પણ અને ભૂમિપૂજન કરનાર હોય આ તમામ તૈયારીઓને રાજકોટ જીલ્લા વહીવટી તંત્ર દ્વારા કલેકટર પ્રભવ જોશીના માર્ગદર્શન હેઠળ આખરીઓપ આપી દેવામાં આવેલ છે.

વડાપ્રધાન મોદીના આ કાર્યક્રમની તૈયારીઓ સંદર્ભે કલેકટર કચેરી ખાતે જીલ્લા કલેકટર પ્રભવ જોશી દ્વારા આજે તમામ સરકારી વિભાગોના વડાઓ સાથે છેલ્લી રીવ્યુ મીટીંગ યોજવામાં આવી હતી. અહીં એ ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે કેન્દ્ર અને રાજય સરકારના વિવિધ વિભાગો હેળના 48 હજાર કરોડથી વધુના વિકાસ પ્રોજેકટોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરનાર છે. તેમાં આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગ, બંદરો, પાવર પેટ્રોલીયમ અને કુદરતી ગેસ, માર્ગ અને મકાન, પાણી પુરવઠા, પ્રવાસન, નેશનલ હાઈવે અને ઉર્જા પેટ્રો કેમીકલ્સના પ્રોજેકટો પ્રજાને સમર્પિત કરનાર છે.

જેમાં કચ્છમાં રૂા.9 હજાર કરોડથી વધુના ખર્ચે નવા મુંદ્રા, પાણીપત, ક્રુડ ઓઈલ પાઈપલાઈન પ્રોજેકટનું ખાતમુહૂર્ત, નેશનલ હાઈવે ઓથોરીટી ઓફ ઈન્ડીયાના રૂા.3800 કરોડથી વધુના વિકાસ કામોનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત તેમજ કચ્છ અને સુરેન્દ્રનગરના રૂા.2100 કરોડથી વધુના રેલ્વે પ્રોજેકટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરનાર છે.

આગામી લોકસભાની ચૂંટણીનું જાહેરનામુ પ્રસિધ્ધ થાય તે પૂર્વેનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રાજકોટનો આ કાર્યક્રમ એ છેલ્લો કાર્યક્રમ હોય વહીવટી તંત્રની સાથોસાથ ભાજપના હોદેદારો અને કાર્યકરોમાં નવો જોમ જુસ્સા જોવા મળી રહ્યો છે. કાલે બપોરના રેસકોર્સ ગ્રાઉન્ડમાં યોજાનાર સભામાં એક લાખની જનમેદની ઉમટી પડનાર છે.

અહીં એ પણ ઉલ્લેખનીય છે કે, શહેરના જુના એરપોર્ટથી રેસકોર્સ ગ્રાઉન્ડ સુધી વડાપ્રધાનની જનસભાના સ્થળ સુધી યોજાનાર વડાપ્રધાનના રોડ શોના રૂટ પર 22 જેટલા સ્ટેજ તૈયાર કરાયા છે તેમજ આ રૂટને કમાનોથી શણગારી સુરક્ષીત કરવામાં આવેલ છે. 800 મીટરના આ રોડ શોમાં વડાપ્રધાનનું શહેરની વિવિધ સંસ્થાઓ દ્વારા પુષ્પવર્ષા કરી અભિવાદન કરવામાં આવશે.

વડાપ્રધાનના આ રોડ શો અને જંગી જાહેરસભાના કાર્યક્રમની તમામ તૈયારીઓ ભાજપ અને વહીવટી તંત્ર દ્વારા પરિપૂર્ણ કરી દેવામાં આવી છે. સૌરાષ્ટ્રભરમાંથી લોકોને વડાપ્રધાનની જનસભાને લાવવા માટે એસટી તંત્રની 1400 જેટલી બસો દોડાવવામાં આવનાર છે.

જામટાવર રોડ પરના રેકડી કેબીનોના ધંધા બંધ કરાવાયા
વડાપ્રધાનના કાર્યક્રમના પગલે પોલીસ તંત્ર દ્વારા કાર્યવાહી
રાજકોટ તા.24

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આવતીકાલે રાજકોટની મુલાકાતે આવી પહોંચનાર હોય પોલીસ તેમજ વહીવટી તંત્ર એકશન મોડમાં આવી જવા પામેલ છે. કાયદો અને વ્યવસ્થાની જાળવણીમાં કોઈ ચૂક ન રહે તે માટે વિશેષ રૂપથી પગલા લેવામાં આવી રહ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો રાજકોટનો આવતીકાલે કાર્યક્રમ હોવા છતા આજે સવારથી જ શહેરના જામટાવર રોડ પરના રેંકડી કેબીનોના ધંધો પોલીસ દ્વારા બંધ કરાવી દેવામાં આવેલ છે. જેમાં ધરમ ટોકીઝથી શરૂ કરી જામનગર રોડ સુધીમાં આવેલી તમામ પાનની કેબીનો, ચા-પાણીની લારીઓ, ખાણીપીણીની રેંકડીઓ બંધ કરાવી દેવાતા નાના ધંધાર્થીઓ અને આમ જનતામાં ભારે કચવાટ જાગેલ હતો.

વડાપ્રધાનના કોન-વેમાં સામેલ થનાર કલેકટર, અધિક કલેકટર સહિતના ઉચ્ચ અધિકારીઓના આરટી પીસીઆર ટેસ્ટ કરાયા
રાજકોટ તા.24

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આવતીકાલે તા.25મીને રવિવારના રાજકોટની મુલાકાતે આવી પહોંચનાર છે. વડાપ્રધાન મોદી આ મુલાકાત દરમ્યાન રોડ શો તેમજ રેસકોર્સ ગ્રાઉન્ડમાં જંગી જાહેરસભાને સંબોધીત કરનાર હોય વડાપ્રધાનના આ કોન-વેમાં સામેલ થનાર ઉચ્ચ અધિકારીઓના આરટી પીસીઆર ટેસ્ટ આજે કરી લેવાયા હતા.

કલેકટર કચેરી ખાતે સીવીલ હોસ્પીટલના કર્મચારીઓએ દોડી આવી કલેકટર પ્રભવ જોશી, અધિક કલેકટર ચેતન ગાંધી સહિત ડે.કલેકટરો, મામલતદારો સહિતના ઉચ્ચ અધિકારીઓના આરટી પીસીઆર ટેસ્ટ કરાયા હતા.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આવતીકાલે રાજકોટની મુલાકાત દરમ્યાન શહેરના જુના એરપોર્ટથી રેસકોર્સ ગ્રાઉન્ડ સુધી ભવ્ય રોડ શો અને ત્યારબાદ રેસકોર્સ ગ્રાઉન્ડમાં જંગી જનસભાને સંબોધીત કરનાર હોય રેસકોર્સ ગ્રાઉન્ડમાં વડાપ્રધાનની જંગી જનસભા માટે જર્મન ટેકનોલોજીથી પાંચ વિશાળ ડોમ તૈયાર કરી દેવામાં આવેલ છે. વડાપ્રધાનની આ જનસભામાં વીવીઆઈપી, વીઆઈપી, આમ જનતા માટે બ્લોક વ્યવસ્થા કરવામાં આવી છે. આ અંગેની તમામ તૈયારીઓને વહીવટી તંત્ર અને શહેર ભાજપના પ્રમુખ મુકેશ દોશીની આગેવાની હેઠળની ટીમ દ્વારા આખરીઓપ આપી દેવામાં આવી છે. અહીં એ પણ ઉલ્લેખનીય છે કે ગઈકાલે રાજયના ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે સભાસ્થળની મુલાકાત લઈ સ્થળ તપાસ કરી હતી. (તસ્વીર: દેવેન અમરેલીયા)

 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj