(કમલેશ પારેખ)
મીઠાપુર, તા. 22
દ્વારકાધીશ જગતમંદિરે ચઢાવવામાં આવતી ધ્વજાજીના આરોહણ પ્રક્રિયામાં વધુ પારદર્શિતા લાવવા દ્વારકાના જાગૃત નાગરિક દ્વારા ધ્વજારોહણની સંપૂર્ણ પ્રક્રિયામાં બાયોમેટ્રીક પધ્ધતિ અપનાવવા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને રજુઆત કરાઇ છે. ચાર ધામ પૈકીના એક ધામ અને સપ્તપુરી પૈકીની એક પુરી એવા યાત્રાધામ દ્વારકામાં આવેલ દ્વારકાધીશ જગતમંદિરના શિખર પર ધ્વજાજીનું આરોહણ કરવું તે દરેક સનાતનધર્મીની મહેચ્છા હોય હાલમાં જગતમંદિરે દરરોજ છ ધ્વજાજીનું આરોહણ કરવામાં આવે છે.
છેલ્લા થોડા સમયમાં જગતમંદિરે ધ્વજારોહણ સબંધી પ્રક્રિયામાં અમુક ઇસમો દ્વારા કથિત રીતે કરાતા ભ્રષ્ટાચારની ઉઠતી ફરિયાદો જોતા દ્વારકાનાં જાગૃત નાગરિક જીતેન્દ્ર ડાભી દ્વારા રાષ્ટ્રપતિ મહોદયા શ્રીમતી દ્રૌપદી મુર્મુજીને ઓનલાઇન પોર્ટલ દ્વારા જગતમંદિરે ધ્વજારોહણ કરવું એ પ્રમુખ આસ્થાનો વિષય હોય ધ્વજારોહણની પ્રક્રિયામાં વધુ પારદર્શિતા આવે તેવી નેમ સાથે ધ્વજારોહણ પધ્ધતિમાં જડમૂળથી ફેરફાર લાવવા ટેકનોલોજીના ઉપયોગ વડે ધ્વજારોહણની બુકીંગથી તમામ પ્રક્રિયામાં બાયોમેટ્રીક-ફીંગરપ્રિન્ટ ટેકનોલોજીનો ઉપયોગ કરવા રજુઆત કરાઇ છે.
આ સાથે ધ્વજારોહણ અંગેના આગામી દસ વર્ષના થયેલા બુકીંગની વૈધતાની પણ તલસ્પર્શી તપાસ કરાવવા તેમજ વધુને વધુ વ્યકિતને ધ્વજારોહણનો લાભ મળે તે હેતુ એક વ્યકિતને વર્ષમાં એક જ ધ્વજાજીની ફાળવણી કરવા તથા એક જ વર્ષમાં વધુ ધ્વજારોહણ કરવા ઇચ્છુકોને ફરજીયાત કલેકટર હસ્તકની ધ્વજાજીમાં બુકીંગ કરવાની સીસ્ટમ વિકસાવવા રજુઆત કરાઇ છે. જો આમ થાય તો ધ્વજાજી અંગેના વિવાદોનો મહદ અંશે નિકાલ થાય તેમ હોય ટેકનોલોજીથી પારદર્શિતા લાવવા રાષ્ટ્રપતિ યોગ્ય આદેશ કરે તેવી માંગ કરવામાં આવી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy