કોંગ્રેસને ભલે ફાયદો ન થાય પણ ભાજપને થયેલું ડેમેજ ભરપાઇ કરવું મુશ્કેલ

ઉમેદવારો સામે વિરોધ: વિવાદિત વિધાનો: ભાજપનું ચૂંટણી ગણિત બગડ્યું

Gujarat, Saurashtra, Politics, Lok Sabha Election 2024 | Rajkot | 02 April, 2024 | 05:26 PM
મિશન-26 હેટ્રીક માટેના આયોજનો ખોરવાયા: રામ મંદિર સહિતના મુદ્દાઓ પર વિવાદ હાવી: કાર્યકર્તાઓના મોઢા આવ્યા: જુસ્સો ઘટ્યો: બે માસમાં તૈયાર કરેલું ગ્રાઉન્ડ ધરાશાયી થયાનો પક્ષમાં અફસોસ
સાંજ સમાચાર

► વડોદરામાં સિનિયર સામે વિરોધ થયો તો સાવ જુનીયરને ઉમેદવાર બનાવી દીધા: મહાનગરના નેતાઓ હજુ આ પસંદગીની યોગ્યતા સમજી શક્યા નથી

► સાબરકાંઠામાં ઠાકોર-ડામોરના વિવાદમાં ઉતાવળે નિર્ણય લેવાયાની સ્થિતિ: નવા ઉમેદવારની પસંદગીમાં પણ કાર્યકર્તાઓ ન હોય તેવા કોંગ્રેસી કુળના ચહેરાને પસંદ કરી વિરોધ વધાર્યો

► રાજકોટમાં મજબૂત ગણાતા રૂપાલાના વિધાનથી પક્ષની ચિંતા વધી: ક્ષત્રિય સમાજની બહેનો આ વિધાનોને અસ્મીતા સામેનો પ્રશ્ન ગણે છે: મનાવવા મુશ્કેલ

 

► ભાવનગર, અમરેલી, સુરેન્દ્રનગરમાં થાગડ-થીગડ મારીને અસંતોષ ડામવા પ્રયાસ: ટીકીટ મેળવનાર અને નહીં મેળવનાર બંને સમાજો સામ સામે: અમરેલીમાં સાઇડ લાઇન થયેલા નેતા દાવ કાઢી રહ્યા છે

રાજકોટ, તા.2
લોકસભા ચૂંટણીમાં મીશન-26ના હેટ્રીકના જુસ્સા સાથે છેક ડિસેમ્બર મહિનાથી ચૂંટણી પ્રચારનો પ્રારંભ મધ્યસ્થ કાર્યાલય ખોલવા અને અનેક આયોજનો સાથે આગળ વધી રહેલા ભાજપને હવે ઉમેદવારોની પસંદગીથી લઇ રાજકોટમાં સિનિયર નેતા અને ઉમેદવાર પરસોતમ રુપાલાએ કરેલા વિધાનોને કારણે તેની ચૂંટણી રણનીતિનું ગણિત પ્રથમ તબકકે જ ખોરવાઇ ગયું છે. અને અયોધ્યામાં રામ મંદિરથી લઇ સીએએ મુદ્ે ભાજપે જે રીતે વાતાવરણ બનાવ્યું હતું તે પણ વિખેરાઇ ગયું છે.

ખાસ કરીને હિન્દુત્વના જુવાળ ઉપર સવાર થઇને ગુજરાત સહિત દેશભરમાં 400થી વધુ બેઠકો સાથે ક્લીન સ્વીપ કરવાના પક્ષના એજન્ડાને આંચકો લાગ્યો છે. ખાસ કરીને ગુજરાત કે જે ભાજપનો ગઢ ગણાય છે અને તમામ 26 બેઠકો પર પક્ષને પાંચ લાખ મતોથી જીતાડવાના જે જુસ્સો દેખાતો હતો તેમાં હવે પક્ષને અડધો ડઝન જેટલી બેઠકો ઉપર કાર્યકર્તાઓના અસંતોષથી લઇને ઉમેદવારોના બફાટ અંગે ડેમેજ ક્ધટ્રોલ કરવું પડે તેવી પરિસ્થિતિ સર્જાઇ છે.

અમરેલી, રાજકોટ, સાબરકાંઠા, સુરેન્દ્રનગર અને વડોદરા જેવી બેઠકોમાં પક્ષે તૈયાર કરેલ ગ્રાઉન્ડ ધારાશાયી થઇ ગયું છે અને તેના કારણે હવે ઉમેદવારી બાદ પક્ષના કાર્યકર્તાઓનો જુસ્સો કેટલો રહેશે તે પણ પ્રશ્ન છે. ભાજપના ટોચના સુત્રોએ જણાવ્યું કે કોંગ્રેસને ભલે અમારા વિવાદથી કોઇ મોટો ફાયદો થવાનો ન હોય પરંતુ ભાજપને જે ડેમેજ થઇ ગયું છે

તે ભરપાઇ કરવું મુશ્કેલ જણાય છે. ખાસ કરીને કાર્યકર્તાઓમાં અસંતોષ હવે સપાટી પર આવી ગયો છે. નેતાઓ પણ બોલતા થઇ ગયા છે અને મોવડી મંડળ જે ફકત દિલ્હીના આદેશો જ માનતું હતું અને સીધા કાર્યકર્તાઓ પર થોપી બેસાડતું હતું તેના પર હવે વિચારણા કરવાની ફરજ પડી છે. ખાસ કરીને ઉમેદવાર પસંદગી અંગે પક્ષે બે બેઠકો પર જાહેર થયેલા ઉમેદવારોને બદલવા પડ્યા છે.

ચાર બેઠકોના ઉમેદવારો અંગે નિર્ણય લેવામાં લાંબો સમય લેવો પડ્યો અને નામ જાહેર થયા પછી પણ અમરેલી, સાબરકાંઠા, સુરેન્દ્રનગર અને વડોદરા જે બેઠકોમાં કાર્યકર્તાઓનો અસંતોષ બહાર આવ્યો છે તે હવે પક્ષ માટે કંઇ રીતે ફરી સમરસ કરવો તે પણ પ્રશ્ન છે.

વડોદરામાં સિનિયર તેવા ઉમેદવાર રંજનબેન ભટ્ટને બદલીને સાવ જુનીયર જેવા ડો. હેમાંગ જોષીને પસંદ કરવા પાછળનું પક્ષનું ગણિત શું છે તે વડોદરા ભાજપના નેતાઓને અને કાર્યકર્તાઓ હજુ સમજી શક્યા નથી. પક્ષમાં જેનું યોગદાન હોદામાં આવ્યા પછીનું જ હોય તેને પક્ષે રાતોરાત વડોદરા જેવી બેઠક માટે ઉમેદવાર બનાવી દીધા તે પણ આશ્ર્ચર્ય છે.

આવી જ રીતે સાબરકાંઠામાં ઠાકોર ઉમેદવારને પસંદ કરવામાં સ્વચ્છ છબી ધરાવતા ભીખાજી ઠાકોરને ટીકીટ મળી તો એક તબકકે પક્ષ ક્લીન સ્વીપ કરશે તે ગણતરી હતી પણ પક્ષે માઇક્રો હોમવર્ક કર્યું ન હતું અને ઠાકોર અને ડામોરના વિવાદમાં ફસાઇ ગઇ અને ઉમેદવાર ઉતાવળે બદલી નાખ્યા તે અફસોસ કદાચ ભાજપ મોવડી મંડળ કરે છે.

 બદલ્યા પછી પણ કોંગ્રેસમાંથી 2022માં આવેલા પૂર્વ ધારાસભ્યના પત્નીને રાતોરાત ઉમેદવાર બનાવી દીધા અને તેમાં પણ સ્થાનિક સ્તરે કાર્યકર્તાઓને વિશ્વાસમાં લીધા વગર જ પસંદગી થઇ અને સાબરકાંઠા જેવા જિલ્લામાં ભાજપ પાસે અનેક નામ હોવા છતાં પણ એક શિક્ષક કે જે ભાજપના પ્રાથમિક સભ્ય પણ ન હતા તેને રાતોરાત રાજીનામુ અપાવીને ટીકીટ અપાય તે પણ સ્થાનિક સ્તરે સ્વીકાર્ય બન્યું નથી. અને હવે પરિસ્થિતિ કઇ રીતે કાબુમાં લેવી તે પણ પ્રશ્ન છે.

 અધુરામાં પુરુ રાજકોટ બેઠકમાં એક તો અમરેલીના અગ્રણી પરસોતમ રુપાલાને ઉમેદવાર બનાવ્યા જો કે આંતરીક ગણણાટ હોવા છતાં પણ રાજકોટ શહેર અને જિલ્લા ભાજપે રુપાલાને ઉપાડી લીધા અને કોંગ્રેસને ઉમેદવાર પણ મળતા નથી તેવી બેઠક પર પક્ષ ફરી એક વખત વિજેતા બનશે તે નિશ્ચિત હતું ત્યાં જ જે રીતે રુપાલાએ એક સમયુદાયને ખુશ કરવા માટે બીજા વિશાળ સમુદાયને નારાજ કરી દીધા. તે પછી હવે વાત વાળવાનો પ્રયત્ન થઇ રહ્યો છે પણ તે અસંભવ જેવી સ્થિતિ બની છે. આ ડેમેજ ફકત રાજકોટ બેઠક જ નહીં પણ ક્ષત્રિય મતદારો જ્યાં જ્યાં છે

ત્યાં ત્યાં આ અસર કરશે. ખાસ કરીને ક્ષત્રિય મહિલાઓ કે જેઓ રુપાલાની કોમેન્ટને સમગ્ર ક્ષત્રિય સમાજની બહેન-દીકરીઓ માટે અસ્મીતાનો પ્રશ્ન ગણે છે. તેઓ મેદાનમાં આવ્યા છે અને તેનો જવાબ માફી નથી તે નિશ્ચિતપણે પ્રયત્ન કરી રહ્યા છે અને ભાજપના ક્ષત્રિય અગ્રણીઓ મોવડી મંડળના ડરના વાંકે ચૂપ છે પરંતુ તેઓ પણ ઘણું ખોટુ થઇ ગયું હોવાનું માને છે અને અત્યાર સુધી સાઇડલાઇન થયેલા અનેક અગ્રણીઓ હવે પોતાનો દાવ પર લઇ રહ્યા હોવાની ચર્ચા ભાજપમાં છે. 

પક્ષ હવે સાબરકાંઠા કે રાજકોટના ઉમેદવાર બદલે તો તે કદાચ ગુજરાત ભાજપ માટે સૌથી કમનસીબ સ્થિતિ હશે અને હજુ સુરેન્દ્રનગર અને વડોદરા ઉપરાંત અમરેલી જેવી બેઠકોમાં ધાગડ-થીગડ મારીને કામ ચલાવાઇ રહ્યું છે. ભાજપે કોળી સમુદાયમાં સૌરાષ્ટ્રમાં ત્રણેય બેઠકો પર આ સમાજને ફરી ટીકીટ આપી છે. પરંતુ તેમાં હવે જે તે બેઠકમાં ટીકીટ નહીં મેળવનાર સમાજ વિરોધ કરી રહ્યો છે.

અમરેલીમાં ભાજપના દિગ્ગજ નેતા રુપાલાને રાજકોટ મોકલ્યા પછી દિલીપ સંઘાણી અને તેના જુથને કોઇ રીતે વજન ન મળ્યું અને તેમાં જિલ્લા પંચાયતમાં પ્રમુખ ભરતભાઇ સુતરીયાને ટીકીટ મળી ગઇ તે ફેક્ટર હવે વિવાદિત બન્યું છે. આમ સુરેન્દ્રનગરમાં ચંદુભાઇ શિહોરાનો વિરોધ તળપદા સમુદાય કરે છે. તો ભાવનગરમાં તેની સામે ચુંવાળીયા સમુદાયએ બાંયો ચડાવી છે અને તેથી જ આ આંતરીક અસંતોષે ભાજપને તેની પ્રચાર કામગીરી પડતી મુકીને ડેમેજ ક્ધટ્રોલમાં લાગી જવું પડ્યું છે. 

► સબ દર્દ કી એક દવા મોદી....
ગુજરાતમાં ભાજપનું જે રીતે વાતાવરણ વીખાઇ ગયું છે તેમાં હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે જેઓ ચૂંટણીની જાહેરાત અગાઉ રાજ્યનો વ્યાપક પ્રવાસ કરી ગયા હતા અને ભાજપ માટે જબરુ વાતાવરણ બનાવી દીધું હતું તેઓને ફરી એક વખત ગુજરાતમાં અનેક બેઠકો કવર થઇ શકે તે રીતે પ્રચારમાં આવવું પડશે તેવા સંકેત છે. મોદી સિવાય હવે ભાજપના કાર્યકર્તાઓને મોટીવેટ કરી શકે તેવો બીજો કોઇ ચહેરો ભાજપ પાસે નથી અને જે રીતે ગુજરાત ભાજપમાં પણ અનેક ખેરખાઓ ટીકીટ વગર રહી ગયા તેઓ પણ પ્રચારમાં જોડાયા છે. પણ પુરી તાકાતથી કામ કરતાં નથી તે ચિત્ર બનવા લાગ્યું છે.

► ભાજપે બધુ વહેલું...વહેલું કર્યું તે હવે નડે છે
ગુજરાતમાં ભાજપે ચૂંટણી કાર્યક્રમ થાય તે પૂર્વે જ મોટાભાગના ઉમેદવારોની જાહેરાત કરી દીધી એટલું જ નહીં ચૂંટણી જાહેરાત પછી પણ ઉમેદવારી નોંધાવવાનો વાસ્તવિક સમય લગભગ એક મહિના જેવો ગેપ રહી ગયો ને તેમાં પક્ષે કાર્યાલયના ઉદ્ઘાટનથી લઇ પ્રચારની કામગીરી કરી અને પ્રદેશથી લઇ સ્થાનિક કક્ષાએ જે રીતે બેઠકોનો દોર કર્યો તેમાં કાર્યકર્તાઓ હવે આ વિવાદના કારણે જુસ્સો ગુમાવી રહ્યા હોય તેવું ભાજપના જ એક વરિષ્ઠ નેતાએ સ્વીકાર્યું હતું કે ચૂંટણીનો જે ટેમ્પો હોય તે દેખાતો નથી. 

 

 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj