લાડાણી-ઓરબીટ-ટવીનટાવર ગ્રુપ પર ઈન્કમટેકસ ઓપરેશન

રાજકોટમાં બિલ્ડરોનાં તમામ 30 સ્થળોએ સતત બીજા દિવસે દરોડા ચાલુ: જંગી માત્રામાં દસ્તાવેજો મળ્યા

Saurashtra | Rajkot | 28 February, 2024 | 11:53 AM
રોકડ-ઝવેરાતની કાયદેસરતાની ચકાસણી: કરચોરીનો આંકડો ઘણો મોટો રહેવાની આશંકા
સાંજ સમાચાર

રાજકોટ,તા.28
રાજકોટમાં આવકવેરા વિભાગે મોટાગજાના બિલ્ડર ગ્રુપો પર હાથ ધરેલુ દરોડા ઓપરેશન આજે સતત બીજા દિવસે ચાલૂ રહ્યું છે. તમામ 30 સ્થળોએ તપાસ ચાલૂ રાખવામાં આવી છે અને કરોડો રૂપિયાના નાણાંકીય વ્યવહારો દર્શાવતાં દસ્તાવેજો જંગી માત્રામાં કબ્જે લેવાયા છે.

રાજકોટ ઈન્કમટેકસ ઈન્વેસ્ટીગેશન વિંગ દ્વારા ગગનચુંબી રેસીડેન્સીયલ ટાવરનાં મોટા પ્રોજેકટોમાં નામના ધરાવતા જાણીતા બીલ્ડર દિલીપ લાડાણી, ઉપરાંત ઓરબીટ ગ્રુપના વિનેશ પટેલ, ટવીન ટાવર ગ્રુપનાં મયુર રાદડીયા, દાનુભા જાડેજા, ઉપરાંત ગેલેકસી ગ્રુપનાં નિલેશ જાગાણી તથા રીયલ એસ્ટેટ ક્ષેત્રે મોટા વ્યવહારો ધરાવતાં મહિપતસિંહ જાડેજા વગેરેને નિશાન બનાવીને દરોડા ઓપરેશન હાથ ધર્યુ હતું. 30 જેટલા સ્થળોએ દરોડા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આવકવેરા વિભાગના સુત્રોએ કહ્યું કે આખીરાત તપાસનો ધમધમાટ જારી જ રહ્યો હતો.

આજે બીજા દિવસે કાર્યવાહી ચાલુ છે અને હજુ એકાદ બે દિવસ ચાલુ રહેવાની શકયતા છે. દરોડા કાર્યવાહીમાં અત્યાર સુધી મળેલા દલ્લા વિશે આવકવેરા વિભાગ દ્વારા ચુપકીદી રાખવામાં આવી રહી છે. છતા નોંધપાત્ર પ્રમાણમાં રોકડ તથા સોના-હીરાના ઝવેરાત મળ્યાના નિર્દેશ છે. બેંક લોકરો પણ સીલ કરાયા છે. સુત્રોએ એવો નિર્દેશ કર્યો છે કે જંગી માત્રામાં શંકાસ્પદ વ્યવહારો દર્શાવતા દસ્તાવેજો કબ્જે લેવામાં આવ્યા છે અને તેની ચકાસણીમાં મોટા પ્રમાણમાં રોકડ અને બિનહીસાબી વ્યવહારોનો ખુલાસો થવાની સંભાવના છે.

આવકવેરાનાં એક સીનીયર અધિકારીએ નામ નહિં દેવાની શરતે એમ કહ્યું કે જપ્ત થયેલા દસ્તાવેજોની સંખ્યા ઘણી મોટી છે અને તેના આધારે જંગી બિનહીસાબી વ્યવહારોનો ભાંડો ફૂટી શકે છે. તંત્ર દ્વારા હાલ તો હજુ તમામ સ્થળો-જગ્યાઓ ચકાસવામાં આવી રહી છે. તેમાંથી મળતી રોકડ-ઝવેરાત-સાહીત્ય એકત્રિત કરાયા બાદ તે કાયદેસર છે કે કાળા નાણા આધારીત? તેની ચકાસણી કરાશે અને ત્યારબાદ સંભવીત કરચોરીનો અંદાલજ નીકળી શકશે. જોકે શંકાસ્પદ વ્યવહારો તથા કરચોરીનો આંક ઘણો ઉંચો જ રહેવાની આશંકા છે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj