રાજકોટ, તા. 9
ઉનાળામાં ઠંડા પીણાની બોટલો અને લોકલ બનાવટના પીણાનું ધુમ ઉત્પાદન તથા વેચાણ થઇ રહ્યું છે. તેમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ લોકલ બનાવટની ફ્રુટ પેપ્સીનો બિનઆરોગ્યપ્રદ જથ્થો ફરી મહાપાલિકાની આરોગ્ય અને ફૂડ શાખાએ પકડીને તેનો નાશ કર્યો છે. નવા થોરાળા અને જુના યાર્ડ ખાતેની પેઢીમાં આ દરોડા પાડવામાં આવ્યા હતા.
માર્કેટીંગ યાર્ડ અને થોરાળામાં આવી પ્લાસ્ટિક પેકીંગમાં ફ્રુટ પેપ્સી બનાવતા ધંધાર્થીઓએ ફૂડ લાયસન્સ લીધુ ન હોય તે માટે નોટીસ અપાઇ હતી. તો ખાસ કરીને પછાત વિસ્તારમાં સસ્તી પેપ્સી વેંચીને લોકો અને ખાસ કરીને બાળકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવતા હોવાનું બહાર આવ્યું છે.
ફૂડ વિભાગે જાહેર કરેલી માહિતી મુજબ સર્વેલન્સ ચેકિંગ દરમિયાન રામનગર શેરી નં.2, નવા થોરાળા ખાતે આવેલ ‘અરમાન પેપ્સી’ પેઢીમાં તપાસ કરતા સ્થળ પર સંગ્રહ કરેલ ફ્રુટ પેપ્સી (પેક્ડ) પર એફએસએસએઆઇ-2006 અન્વયે લેબલિંગ કરાયું ન હતું.
ઉપરાંત સ્થળ પર અનહાઈજેનિક કન્ડિશનમાં ઉત્પાદન થતું જોવા મળતા અંદાજીત 9500 નંગ (650 લિટર) જથ્થોનો સોલીડ વેસ્ટ વિભાગના વાહનમાં સ્થળ પર નાશ કરાયો હતો. ઉપરાંત પેઢીને સ્થળ પર હાઈજેનિક કન્ડિશન જાળવવા, લેબલિંગ કરવા તથા ફૂડ લાયસન્સ મેળવવા બાબતે નોટીસ અપાઇ હતી.
આ ઉપરાંત જૂના માર્કેટિંગ યાર્ડમાં આરટીઓની બાજુમાં આવેલ ‘જતીપુરા ટ્રેડિંગ’ પેઢીમાં પણ દરોડો પાડી સંગ્રહ કરેલ ફ્ુટ પેપ્સી (પેક્ડ) પર લેબલિંગ વગરનો જથ્થો પકડી પાડયો હતો. આ પેઢીમાંથી 5400 નંગ (400 લિટર) જથ્થોનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો. જયારે પેઢીને સ્થળ પર હાઈજેનિક કન્ડિશન જાળવવા લેબલિંગ કરેલ ખાદ્યચીજોનું વેચાણ કરવા તથા ફૂડ લાયસન્સ મેળવવા બાબતે નોટીસ આપવામાં આવી હતી.
ચેકીંગ ડ્રાઇવ
ફૂડ વિભાગની ટીમે જીવરાજ પાર્ક મોદી સ્કૂલવાળો રોડ વિસ્તારમાં ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ 21 ધંધાર્થીને ત્યાં 21 નમુનાની ચકાસણી કરી છ વેપારીને લાયસન્સ માટે નોટીસ આપી હતી.
તેમાં (1)ક્રિષ્ના પ્રોવિઝન સ્ટોર (2)પ્રમુખ હેવમોર આઇસ્ક્રીમ (3)પ્રમુખ માહી દૂધ (4)ભોલે ખમણ ખીરૂં (5) શ્રી ખોડિયાર ડેરી ફાર્મ (6)પટેલ આઇસ્ક્રીમનો સમાવેશ થાય છે. ઉપરાંત (7) અન્નપૂર્ણા બેકરી (8) નીલકંઠ પ્રોવિઝન સ્ટોર (9) ગાયત્રી સ્ટોર (10)શ્રીજી સુપર સ્ટોર (11)પંજૂરી ફરસાણ (12)ગિરિરાજ ગૃહ ઉદ્યોગ (13)ઉમિયાજી ફરસાણ (14)રીતેશ એન્ટરપ્રાઇઝ (15)પટેલ ફરસાણ (16)ગણેશ પ્રોવિઝન સ્ટોર (17)પટેલ ચીલ પોઈન્ટ (18)ભારત ટી સપ્લાયર્સ (19)માધવ ડેરી ફાર્મ (20)પટેલ પ્રોવિઝન સ્ટોર (21)વૈભવ કોલ્ડ્રિંક્સમાં પણ ચકાસણી કરવામાં આવી હતી.
♦ માધાપર ચોકડીના ભગવતી કેન્ટીનમાંથી ઓરેન્જ-માઝા પીણાના નમુના લેવાયા
કિસાનપરા પાસેથી મીનરલ વોટરનું પણ સેમ્પલીંગ કરાયું:-
રાજકોટ, તા. 9
ફૂડ વિભાગ દ્વારા માધાપર ચોકડીએ એસ.ટી.ના કંટ્રોલ પોઇન્ટ પર આવેલી કેન્ટીનમાંથી માઝા અને ઓરેન્જ પીણાના નમુના લેવાયા છે. તો વધુ ત્રણ સ્થળેથી મીનરલ વોટરના સેમ્પલ પણ લીધા છે.
માધાપર ચોકડી પાસે એસ.ટી.નો માધાપર કંટ્રોલ પોઇન્ટ આવેલો છે. ત્યાંની ભગવતી કેન્ટીનમાંથી જય બાલાજી મેજીક માઝા અને જય બાલાજી ઓરેન્જ ફલેવર કાર્બોનેટેડ વોટરની બોટલના નમુના લીધા હતા.
ઉપરાંત કિસાનપરા ચોકના એસએસડીએન ગ્લોબલ ટ્રેડીંગ કંપનીમાંથી નેચર ફીના, લંડન આઇવાળી શેરીમાં 2-શકિત કોલોનીમાં આવેલ મહાવીર એજન્સીમાંથી બિસ્લેરી વેદિકા હિમાલયન સ્પ્રીંગ મીનરલ વોટર તથા બિસ્લેરી પેકેજડ ડ્રિંકીંગ વોટરના નમુના લઇ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યાનું વિભાગે જણાવ્યું હતું.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy