રાજકોટ લોકસભા બેઠકની ચાર ઓબ્ઝર્વરની હાજરીમાં થશે મતગણતરી: 12 વાગ્યા સુધીમાં પરિણામ

Lok Sabha Election 2024 | Rajkot | 20 May, 2024 | 04:44 PM
તા.4ના રોજ થનારા કાઉન્ટીંગ માટે ચૂંટણી પંચ દ્વારા સૌ પ્રથમવાર વધુ ત્રણ ઓબ્ઝર્વર ફાળવાયા: રાજકીય પક્ષોના 98 એજન્ટો નિમવા પ્રક્રિયા શરૂ: મતગણતરી માટે 1000નો સ્ટાફ નિયુકત કરવા દરેક વિધાનસભામાંથી લિસ્ટ મંગાવાયું: આગામી સપ્તાહે પ્રથમ રેન્ડમાઈઝેશન
સાંજ સમાચાર

રાજકોટ,તા.20
રાજકોટ લોકસભા બેઠકની ચૂંટણીની મતગણતરી આગામી તા.4 જુનના રોજ કણકોટ ખાતેની સરકારી ઈજનેરી કોલેજ ખાતે કરવામાં આવનાર છે. આ અંગે જીલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર પ્રભવ જોશીના માર્ગદર્શન હેઠળ તડામાર તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. આ વખતે સૌ પ્રથમવાર ચાર ઓબ્ઝર્વરની હાજરીમાં મતગણતરી કરવામાં આવનાર છે.

રાજકોટ લોકસભા બેઠકની મત ગણતરી માટે ચૂંટણીપંચ દ્વારા વધુ ત્રણ જનરલ ઓબ્ઝર્વર ફાળવી દેવામાં આવેલ છે. જેઓ આગામી તા.2ના રોજ રાજકોટ ખાતે આવી પહોંચનાર છે. અહીં એ ઉલ્લેખનીય છે કે રાજકોટ લોકસભાની બેઠક ઉપર જનરલ ઓબ્ઝર્વર તરીકે રાજસ્થાનના સીનીયર આઈએસ અને સચિવ કક્ષાના અધિકારી ડો. પૃથ્વીરાજે કમાન સંભાળી છે.

જેઓની સાથે અન્ય ત્રણ ઓબ્ઝર્વરની ઉપસ્થિતિમાં રાજકોટ લોકસભા બેઠકની મત ગણતરી કરવામાં આવનાર છે. કણકોટની સરકારી ઈજનેરી કોલેજમાં બે બિલ્ડીંગના ચાર ફલોર ઉપર મતગણતરી માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે જેમાં દરેક ફલોર પર જનરલ ઓબ્ઝર્વરની ઉપસ્થિતિમાં મત ગણતરી કરવામાં આવશે.

વિધાનસભા વિસ્તાર મુજબ 14-14 ટેબલ પર આ મત ગણતરી કરવામાં આવનાર હોય રાજકીય પક્ષોના એજન્ટોની નિયુકિત માટેની પ્રક્રિયા ચૂંટણી તંત્ર દ્વારા આરંભી દેવામાં આવી છે. દરેક વિધાનસભામાં 14-14 એજન્ટ મળી કુલ 98 એજન્ટો નિયુકત કરવામાં આવેલ છે. રાજકીય પક્ષોના આ એજન્ટોની નિયુકતી માટેની ફોર્મ સ્વીકારવા સહિતની પ્રક્રિયા હાલ ચાલી રહી છે.

તેની સાથોસાથ મત ગણતરી માટે 1000 જેટલા કર્મચારીઓ ફરજ પર લેવામાં આવનાર હોય આ માટે દરેક વિધાનસભા વિસ્તારોમાંથી કર્મચારીઓના સ્ટાફનું લીસ્ટ મગાવવામાં આવેલ છે. મત ગણતરી માટે ફરજમાં લેવામાં આવનાર સ્ટાફનું પ્રથમ રેન્ડમાઈઝેશન આગામી સપ્તાહે કરવામાં આવનાર છે.

મત ગણતરી માટેની તૈયારીઓ માઈક્રોપ્લાનીંગ સાથે આગળ ધપાવવામાં આવી રહી છે. જેમાં મત ગણતરી કેન્દ્ર પર સૌ પ્રથમ બેલેટ પેપરની મત ગણતરી હાથ ધરવામાં આવશે. તા.4ના 12 વાગ્યા સુધીમાં મતગણતરી પૂર્ણ કરી પરિણામ જાહેર થાય તે રીતની તૈયારીઓનો તખ્તો ઘડી કાઢવામાં આવેલ છે.

અહીં એ ઉલ્લેખનીય છે કે રાજકોટ લોકસભા બેઠકની ચૂંટણીમાં આ વખતે ભાજપ-કોંગ્રેસ વચ્ચે રસાકસી ભર્યો ચૂંટણી જંગ ખેલાયો હતો. જેમાં ક્ષત્રિય આંદોલનનું ફેકટર પણ ભાગ ભજવી ગયું હતું. 

રાજકોટ બેઠકની ચૂંટણીના પરિણામો અંગે હાલ સસ્પેન્સ રહેલું છે. તા.4ના મત પેટીઓ ખુલતા જ આ સસ્પેન્શન પરથી પડદો ઉચકાશે. મત ગણતરી માટે પણ સજજડ સુરક્ષા વ્યવસ્થા સરકારી ઈજનેરી કોલેજ કણકોટ ખાતે ગોઠવવામાં આવનાર છે.

 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj