ગુજરાત ભાજપના ગઢમાં જ સર્જાયેલુ ફેકટર સમગ્ર રાજયમાં અસર કરે તેવા સંકેત

રાજકોટ લોકસભા બેઠક હોટ ટોપીક બની: લેઉવા-કડવા ફેકટર પણ ચર્ચામાં

Gujarat, Politics, Lok Sabha Election 2024 | Rajkot | 15 April, 2024 | 05:53 PM
ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલાએ કરેલા વિધાનો બાદ ક્ષત્રિયોનો વિરોધ જે રીતે વિશાળ સંમેલનમાં જોવા મળ્યો તે પછી રાજકીય નિરીક્ષકો માટે ગુજરાતમાં રાજકોટ લોકસભા બેઠકના તરંગો અન્ય કેટલી બેઠક સુધી પહોંચે છે તે જ ચર્ચા
સાંજ સમાચાર

► કોંગ્રેસે સૌરાષ્ટ્રમાં સાતમાંથી ચાર બેઠક પર લેઉવા પટેલને ટિકીટ આપીને રાજકોટમાં પણ સંદેશો આપ્યો! ભાજપે ફકત બે જ લેઉવાને ટિકીટ આપી છે: ક્ષત્રિય સમુદાયનો વિરોધ એક-બે જિલ્લામાં મોટુ ફેકટર બને તેવા પણ સંકેત

રાજકોટ તા.15
રાજકોટ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે કરેલા વિધાનોનો જે ભડકો સર્જાયો હતો તેમાં રાજકોટના રતનપર ખાતે મળેલા ક્ષત્રિય સંમેલને હવે આ બેઠકને હોટ ટોપીક બનાવી દીધી છે અને તેમાં પણ કોંગ્રેસે ભાજપ માટે સરળ ગણાતી બેઠક પર વિપક્ષના પુર્વ નેતા પરેશ ધાનાણીને ઉમેદવાર બનાવીને હવે આ બેઠક પર ફકત ક્ષત્રિય સમુદાય જ નહી પાટીદાર સમુદાયમાંથી પણ ધાનાણી તરફી એક હળવો પ્રવાહ સર્જાય તેવી શકયતા પણ નકારાતી નથી.

સૌરાષ્ટ્રમાં પાટીદાર સમુદાયમાં લેઉવા અને કડવા પાટીદારનું જબરુ રાજકારણ છે અને ભાજપ કે જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામે અને કમળના નિશાન પર જ મત પડે છે તેવો જે દાવો કર્યો હતો તેની સાથે પણ સૌરાષ્ટ્રમાં ટિકીટ વહેંચણીમાં લેઉવા અને કડવા સમુદાયને સાચવવા માટે પ્રયાસ કર્યો છે. ખાસ કરીને બે કેન્દ્રીય મંત્રીઓ કે જે પાટીદાર સમાજમાં કડવા અને લેઉવા બંનેનું પ્રતિનિધિત્વ કરે છે તેઓને તેમના પરંપરાગત મતવિસ્તાર કરતા અન્ય મતવિસ્તારમાં ટિકીટ આપી તે સમયે ભાગ્યે જ કોઈ મુદો હતો પરંતુ હવે ક્ષત્રિય આંદોલને સૌરાષ્ટ્રની અનેક બેઠકો પર રસપ્રદ સ્થિતિ સર્જી છે.

સૌરાષ્ટ્રની સાતમાંથી ચાર બેઠકોમાં કોંગ્રેસે લેઉવા સમુદાયને ટિકીટ આપી છે જેમાં રાજકોટમા પરેશ ધાનાણી, જામનગરમાં જે.પી.મારવીયા, પોરબંદરમાં લલીત વસોયા અને અમરેલીમાં જેનીબેન ઠુમરને ટિકીટ આપી છે. જયારે ભાજપે અમરેલી ભરત સુતરીયા ઉપરાંત પોરબંદર બેઠક પર મનસુખભાઈ માંડવીયા એમ કુલ બે લેઉવા પટેલને ટિકીટ આપી છે. આમ હવે ક્ષત્રિય સમુદાયનો મુદો બન્યો તો તેમાં લેઉવા-કડવા ફેકટર પણ ચર્ચામાં આવી ગયું છે. જયારે રાજકોટની બેઠક પર અમરેલીના રાજનેતાઓની ટકકર થશે. જયારે રાજકોટની બેઠક પર લેઉવા અને કડવા પાટીદારની ટકકર છે.

રાજકોટ સંસદીય બેઠકમાં 25 ટકાથી વધુ લેઉવા સમુદાયના મતો છે અને પરેશ ધાનાણી તેનો લાભ ઉઠાવવાનો પ્રયત્ન કરશે. જયારે કડવા પાટીદાર મતદારોની સંખ્યા લેઉવા પાટીદાર કરતા 50 ટકા હોવાનું મનાય છે. સૌરાષ્ટ્રમાં વધુ બેઠકો પર લેઉવા પાટીદારને ટિકીટ અપાય તે મુદો કોંગ્રેસ ચગાવશે અને તેનો રાજકોટમાં લાભ મેળવવા પ્રયત્ન કરશે તે પણ શકયતા નકારાતી નથી અને બંને ઉમેદવાર રાજકોટ બહારના હોવાથી તે ફેકટર ચુંટણીમાં કોઈ મહત્વનું રહેશે નહી. સૂત્રોના જણાવ્યા મુજબ હવે આગામી દિવસોમાં રાજકોટની ચુંટણી પર સૌની નજર રહેશે અને તેનો પ્રભાવ આસપાસની બેઠક પર પડશે.

જયારે ક્ષત્રિય સમુદાયે હવે રાજકોટની બહાર રૂપાલા વિવાદ લઈ જવા નિર્ણય કરતા અને જે રીતે નાના નાના ગામમાં પણ રૂપાલા સામે વિરોધ થઈ રહ્યો છે તે ફેકટર પણ કામ કરશે તેવા સંકેત છે અને તેના કારણે હવે ભાજપને કેટલું ડેમેજ થાય છે તે પણ સૌના માટે વિશ્ર્લેષણનો મુદો બની ગયો છે. જયારે તા.19ના રોજ અમદાવાદમાં ક્ષત્રિય સંમેલનનું જે વિશાળ સંમેલન યોજાવાનુ છે તે રાજકોટની લડાઈ ગુજરાતમાં લઈ જવાશે તે નિશ્ર્ચિત છે.

► ધારાસભા પેટા ચૂંટણી પછી મોઢવાડીયા અને સી.જે. ચાવડા મંત્રી બનશે?: ભાજપના ‘ઓરીજનલ’ ધારાસભ્યોની નજર 
હાલમાં ભાજપમાં જોડાયેલા અને પેટા ચૂંટણીમાં લડી રહેલા પૂર્વ ધારાસભ્યો અગાઉ કેસરીયા કરનાર અલ્પેશ ઠાકોર પણ લીલીશાહીથી સહી કરવાની રાહ જોવે છે: ભરતી મેળો મંત્રી મંડળ સુધી અસંતોષ સર્જે તેવા સંકેત

લોકસભા ચૂંટણીનો પ્રારંભ થતાં જ ગુજરાતમાં ચૂંટણી લડી રહેલા લોકસભા તેમજ ધારાસભાની પાંચ બેઠકોના ભાજપના ઉમેદવારમાં હવે કોને કોને મંત્રીપદ મળશે તે ચર્ચા શરુ થઇ ગઇ છે.

એક તરફ રાજકોટ લોકસભા બેઠક લડી રહેલા પરસોતમ રુપાલા અને પોરબંદર લોકસભા બેઠક લડી રહેલા મનસુખભાઇ માંડવીયા હાલ કેન્દ્રીય મંત્રી છે જ જ્યારે સૌરાષ્ટ્રમાંથી આ બંને સિવાય અન્ય કોઇનો ચાન્સ લાગે છે કે કેમ તે ચર્ચા છે. ભાજપે સુરેન્દ્રનગર બેઠકના સીટીંગ સાંસદ મહેન્દ્ર મુંજપરાની ટીકીટ કાપી છે પરંતુ તેના સ્થાને નવોદિત ચૂંટણી લડી રહ્યા છે. તે સમયે ગઇકાલે જુનાગઢ બેઠકની ચૂંટણી લડી રહેલા ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમાના પ્રચારમાં એક લોકસાહિત્યકાર બ્રીજરાજદાન ગઢવીનો એક વીડીયો વાઇરલ થયો છે જેમાં તેઓ ચૂંટણી જીતીને રાજેશ ચૂડાસમા મંત્રી બનશે તેવું જણાવાયું છે.

જો કે સૌથી વધુ તો ધારાસભાની પાંચ બેઠકો પર હાલ કોંગ્રેસમાંથી આવેલા જે પૂર્વ ધારાસભ્યો ચૂંટણી લડી રહ્યા છે તેમાંથી કોને કોને મંત્રી મંડળમાં લોટરી લાગશે તે ચર્ચા છે. જેમાં બે નામ પોરબંદર બેઠકના ઉમેદવાર અર્જુન મોઢવાડીયા અને વીજાપુર બેઠક લડી રહેલા સી.જે. ચાવડાના નામ મોખરે છે. તો ચર્ચા એવી છે કે આ બંને હાલ ભાજપમાં જોડાયા છે જ્યારે અલ્પેશ ઠાકોર કે જે લાંબા સમયથી લીલીશાહીથી સહી કરવાની રાહ જુએ છે તેઓ પણ તેમની પછી આવેલા મોઢવાડીયા કે ચાવડા મંત્રી પદ મેળવી જાય તો વિરોધ કરશે તેવા સંકેત છે. આ ઉપરાંત મુળ ભાજપના ધારાસભ્યોને તો કદાચ રાહ જોવી પડે અને તેઓને હાલ કોંગ્રેસમાંથી આવેલા પૂર્વ ધારાસભ્યોને ચૂંટણી પછી મંત્રી બનતા જોવાનો સમય આવે તેવી શક્યતા ભાજપના જ વર્તુળો ચર્ચી રહ્યા છે.

► અમે ક્ષત્રિય સમાજ સાથે સંપર્કમાં: સી.આર. પાટીલનું મોટુ નિવેદન
ભાજપ પ્રદેશ પ્રમુખને હજુ પણ સમાધાનની આશા: શું ઓફર કરશે તે પણ પ્રશ્ર્ન

રાજકોટ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલાએ કરેલા વિધાનો હવે સમગ્ર ગુજરાતમાં ફેલાવા લાગ્યા છે તે સમયે ભાજપે ફરી એક વખત ડેમેજ ક્ધટ્રોલ શરૂ કર્યું છે. જો કે ક્ષત્રિય સમુદાયએ એક જ માંગ રૂપાલા હટાવમાં અડગ જ રહ્યા છે અને ગઇકાલના સંમેલનમાં પણ આજ રીતે ટંકાર થયો હતો જે વખતે આજે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલએ એક વાતચીતમાં જણાવ્યું કે ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે અમે સંપર્કમાં છીએ, મારા ઉપરાંત ઉપેન્દ્રભાઇ પટેલ, ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને અમારા ક્ષત્રિય સમાજના અગ્રણીઓ સાથે વાતચીત ચલાવી રહ્યા છીએ અને આ મામલે સુખદ સમાધાન થઇ જશે તેવી અમને આશા છે. જ્યારે ક્ષત્રિય સમાજ રૂપાલાને બેઠક પરથી ખસેડવા સિવાય બીજી કોઇ ઓફર સ્વીકારવા તૈયાર નથી તે સમયે સી.આર. પાટીલ અને ભાજપ પાસે શું સમાધાન છે તેની ચર્ચા પણ શરુ થઇ છે અને જો તે ઓફર હોય તો શું ક્ષત્રિય સમાજ તે સ્વીકારશે? તે અંગે પણ સૌની નજર છે. આવતીકાલે રુપાલાએ જ્યારે ઉમેદવાર નોંધાવી રહ્યા છે તે સમયે સી.આર.ના વિધાનો સુચક છે.

 

 

 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj