હનુમાન પ્રાગટયોત્સવમાં શ્રધ્ધા અને ભકિતના રંગે રંગાયુ રાજકોટ : સાંજે શોભાયાત્રા

Saurashtra, Dharmik | Rajkot | 23 April, 2024 | 04:49 PM
બાલાજી હનુમાન મંદિર, પેડક રોડ બાલક હનુમાનજી મંદિરે યોજાયા અનુષ્ઠાનો : વહેલી સવારથી જ હનુમાનજી મંદિરોમાં ભાવિકોની ભીડ : સદ્ગુરૂ આશ્રમ, બાલબટુક હનુમાનજી મંદિર, કોઠારીયા કોલોની-મોજીલા હનુમાન મંદિરમાં ધાર્મિક અનુષ્ઠાનોમાં ભકતો જોડાયા
સાંજ સમાચાર

રાજકોટ, તા. 23
આજે રાજકોટ હનુમાન ભકિતમાં રસતરબોળ બન્યું છે. લાખો ભકતો આજે હનુમાનજીના દર્શન તથા વિવિધ અનુષ્ઠાનો જોડાયા છે. આજે મંગળવારના હનુમાન જયંતી હોવાથી ભકતોમાં બેવડો ઉત્સાહ-ઉમંગ જોવા મળી રહ્યો છે. 
આજે બડા બજરંગ દાદાની ભવ્યાતિભવ્ય શોભાયાત્રા રામનાથપરાના બડા બજરંગ દાદાના મંદિરેથી સાંજે પાંચ વાગે આરંભાશે. શોભાયાત્રામાં 61 ફલોટસ સામેલ થશે. જય હનુમાનજીનો નાદ ગુંજી ઉઠશે. શોભાયાત્રા વિવિધ રાજમાર્ગો પરથી પસાર થશે. જયારે શ્રી ફાઉન્ડેશન તથા શેર વિધ સ્માઇલ એનજીઓ દ્વારા કષ્ટભંજન શોભાયાત્રાનું આયોજન ચૌધરી હાઇસ્કુલના પટાંગણથી સાંજના કરવામાં આવેલ છે. જે વિવિધ માર્ગો પરથી પસાર થઇને સ્પીડવેલ પાર્ટી પ્લોટ ચોક ખાતે સંપન્ન થશે.

બાલાજી હનુમાનજી મંદિર
હજારો ભકતોનું શ્રધ્ધા અને ભકિતના ધામ સમા બાલાજી હનુમાનજી મંદિરે આજ વહેલી સવારથી ભકતોની ભારે ભડ જોવા મળી રહી છે. રાત સુધીના વિવિધ અનુષ્ઠાનો યોજવામાં આવેલ છે. બાલાજી મંદિરને સુશોભન તથા રોશનીના શણગાર કરવામાં આવ્યા છે. મંદિરના મહંત પૂ. શ્રી વિવેકસાગર સ્વામીના માર્ગદર્શન હેઠળ વિવિધ આયોજનો કરવામાં આવ્યા છે. આજે આખો દિવસ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે. આજે રાત્રી સુધીમાં લાખો શ્રધ્ધાળુઓ દાદાના દર્શને આવીને માથુ ટેકવશે. આજે સવારે પૂ. વિવેકસાગર સ્વામી, પૂ. મુનિવત્સલ સ્વામી, પૂ. રાધારમણ સ્વામી સહિતના સંતોની ઉપસ્થિતિમાં પ1 કુંડી મહામારૂતિ યજ્ઞનું આયોજન કરવામાં આવેલ હતું આજે બાલાજી હનુમાનજી મહારાજનો ભવ્યાતિભવ્ય શણગાર કરવામાં આવ્યો છે. 
કમલેશ્વર મહાદેવ
રાજકોટના સોરઠીયાવાડી ચોક નજીક કોઠારીયા મેઇન રોડ પર આવેલ કમલેશ્ર્વર મહાદેવ મંદિરમાં શયન મુદ્રામાં વિરાટ બડે બાલાજીની મૂર્તિ બિરાજમાન છે. કમલેશ્વર મહાદેવ મંદિરે સવારથી જ ભકતોની ભીડ જોવા મળી રહી છે. 
સદગુરૂ આશ્રમ

સદગુરૂ આશ્રમ ખાતે આજે દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી મનોકામના સિધ્ધ હનુમાનજી મંદિરમાં સવારે 9 થી 11 મહાપૂજન, હનુમાન બાહુક પાઠ (શ્રીફળ સાથે, અન્નકૂટની આરતી, અન્નકુટની ભેળરૂપી) પ્રસાદીનું વિતરણ કરવામાં આવેલ હતું. અહીં મોટી સંખ્યામાં ભકતો ઉમટી પડયા હતા.

પુનિત સદગુરૂ ભજન મંડળ
પુનિત સદગુરૂ ભજન મંડળ દ્વારા આજે સાંજે 4 થી 4.30 શ્રી ગણેશ વંદના, બપોરે 4.30 થી પ.30 સંત પુનિત તથા મહાદેવના ભજનો ત્યારબાદ હનુમાન ચાલીસાના પાઠ સાંજે 6 વાગે થાળ, આરતી, પ્રસાદ વગેરે ઉપરોકત કાર્યક્રમ રામેશ્ર્વર મહાદેવ મંદિર, સિવિલ હોસ્પિટલ, ઇમરજન્સી વિભાગ પાસે યોજાશે.
બાલ બટુક હનુમાનજી મંદિર

બાલ બટુક હનુમાનજી મંદિર 1/6 વાણિયાવાડી ખાતે આજે હનુમાનજી મહારાજની જન્મ જયંતિ મહોત્સવ ભવ્ય રીતે ઉજવાઇ રહ્યો છે. સાંજે 7 વાગે મહાઆરતી, મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે. 
 

રંગીલા હનુમાનજી મંદિર
પ્રહલાદ પ્લોટ, કેનાલ રોડ કોર્નરે બિરાજતા રંગીલા હનુમાનજી મંદિરે આજે મહાઆરતી બાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે. 
સંકલ્પ સિધ્ધ હનુમાનજી મંદિર
બીએપીએસ સ્વામિનારાયણ મંદિરની બાજુમાં, કાલાવડ રોડ સ્થિત વિશ્ર્વ વંદનીય પૂ. પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા પ્રતિષ્ઠિત શ્રી સંકલ્પ સિધ્ધ હનુમાનજી મંદિરે હનુમાન જયંતિ નિમિત્તે મહાઆરતી, ભજન, ભકિત તથા સાંજે 7 વાગે હનુમાન પૂજન કરવામાં આવશે. દિવસ દરમ્યાન હનુમાનજીનો પ્રસાદ દરેક દર્શનાર્થીઓને વિતરણ કરાશે.
 

કોઠારીયા કોલોનીના મોજીલા હનુમાન મંદિર
કોઠારીયા કોલોનીના ગરબી ચોકમાં આવેલ મોજીલા હનુમાનજી મંદિરે સવારે ધજારોહણ કરવામાં આવેલ. આખો દિવસ છાસ-સરબતનું વિતરણ કરાશે. મંદિરને પુષ્પ શૃંગાર, ધજા પતાકાથી શણગારવામાં આવેલ છે. સાંજે હનુમાન ચાલીસાના પાઠ તથા બટુક ભોજનનું આયોજન કરવામાં આવેલ છે. 
 

બાલક હનુમાન મંદિર
સામાકાંઠે પેડક રોડ ખાતે આવેલ બાલક હનુમાન મંદિરે આજે સવારે 4 વાગ્યે મંગળા આરતી, સવારે 8 વાગે હોમ હવન તથા 10 થી 1 મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ. જેનો લાભ મોટી સંખ્યામાં ભકતોએ લીધો હતો. આજે સાંજે 8.30 કલાકે મહાઆરતી, સાંજે પાંચ વાગ્યાથી રક્ષા દોરી વિતરણ કરાશે. ઉપરોકત કાર્યક્રમમાં સાધુ-સંતો, ધાર્મિક સંસ્થાના વડાઓ, સામાજિક કાર્યકરો, રાજકીય આગેવાનો અને વિશાળ સંખ્યામાં ભાવિકોની અવર જવર રહી છે. ભવ્યાતિત સુશોભન તથા રોશનીનો શણગાર કરવામાં આવેલ છે. 
રામદૂત હનુમાનજી મહારાજના જન્મ વધામણાનાં અવસરે સમગ્ર રાજકોટ હનુમાન ભકિતમાં ગરકાવ બન્યું છે.

જય હનુમાન જ્ઞાન ગુણસાગર : રામભકત હનુમાનજી મહારાજનો આજે ચૈત્ર સુદ પુનમના પ્રાગટોત્સવ છે. રાજકોટમાં  હનુમાનજી મહારાજના મંદિરો અને દેરીઓની સંખ્યા ચાર હજારથી વધારે છે. આજે દરેક સ્થાનો પર મહાઆરતી, મહાપ્રસાદ તથા બટુક ભોજન સહિતના વિવિધ ધાર્મિક અનુષ્ઠાનો ચાલી રહ્યા છે. આજે બે સંસ્થાઓ દ્વારા શોભાયાત્રાનું આયોજન પણ કરવામાં આવેલ છે.

ઉપરોકત તસ્વીરમાં પ્રથમ ચાર તસ્વીરો ભુપેન્દ્ર રોડ પર આવેલ હજારો શ્રધ્ધાળુઓની ભકિતનું પરમધામ બાલાજી હનુમાનજી મંદિરની છે જેમાં પ્રથમમાં બાલાજી હનુમાનજી જોવા મળે છે. દિવ્ય શણગાર કરવામાં આવ્યો છે, બીજી તસ્વીરમાં બાલાજી મંદિરના મહંત શ્રી વિવેકસાગર સ્વામીના સાંનિધ્યમાં પ1 કુંડી મારૂતિ યજ્ઞ યોજાયો હતો તેની છે, ત્રીજી તસ્વીર યજ્ઞની છે, ચોથી તસ્વીરમાં વિશાળ સંખ્યામાં આવેલા દર્શનાર્થીઓની છે. પાંચમી તસ્વીર સામા કાંઠે પેડક રોડ પર આવેલ બાલક હનુમાનજી મંદિરમાં બિરાજમાન બાલક હનુમાનજી મહારાજની છે, છઠ્ઠી તસ્વીર દર્શનાર્થીઓનો અવિરત પ્રવાહ જોવા મળે છે. સાતમી તસ્વીર કાલાવડ રોડ પર અંડરબ્રીજ પાસે આવેલ સંકલ્પ સિધ્ધ હનુમાન મંદિરમાં બિરાજમાન હનુમાનજીની છે, આઠમી તસ્વીર કુવાડવા રોડ પર આવેલ પ્રાચીન સાત હનુમાનજી મંદિરની છે જેમાં સાત હનુમાનજી મહારાજના દર્શન થાય છે. છેલ્લી તસ્વીરમાં દર્શનાર્થીઓ જોવા મળે છે.     

  (તસ્વીર : દેવેન અમરેલીયા)

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj