રાજકોટ, તા.13
રાજકોટના ગૌતમ વ્યાસનું અપહરણ કરી ઢોર માર માર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં ટંકારા પંથકના બાબુ ઝાપડા સહિત ચાર સામે ફરિયાદ નોંધાઈ છે. બનાવ અંગે રાજકોટમાં કોઠારીયા રોડ પર કૈલાશ પાર્ક શેરી નં.4 રણુંજા મંદિર પાછળ ગૌતમભાઈ મનુભાઈ વ્યાસ (ઉં.વ.29) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે બાબુ વીરા ઝાપડા, મેહુલ ઉર્ફે લાલો, હકા ઝાપડા અને સાહિલ શાહમદારનું નામ આપતાં આજીડેમ પોલીસે અપહરણ સહિતનો કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ફરીયાદીએ જણાવ્યું હતું કે, તે પ્લમ્બર કામ કરે છે.
દોઢેક વર્ષ પહેલાં જબલપુર ગામ તાલુકો ટંકારા જીલ્લો મોરબી ખાતે બાબુભાઈ વીરાભાઈ ઝાપડાનું બંગલાનું પ્લમ્બર કામ રાખેલ હતું. બાદમાં મેં મારા મિત્ર પ્રશાંતને આ બંગલામાં ફર્નિચર કામ અપાવેલ હતું અને ગઈકાલે સવારના અગ્યારેક વાગ્યાની આસપાસ હું રાજકોટ અમદાવાદ નેશનલ હાઇવે પર કોઠારીયા ચોકડીથી આજીડેમ ચોકડી તરફ જતા રસ્તે આજી વસાહત તરફ જવાના રસ્તા પાસે મારી હોન્ડા સિટી ફોરવીલ કાર નં. જીજે 01 આર જી 3767 સર્વિસ કરાવતો હતો. તેવામાં બાબો તથા હકાભાઈ મારી પાસે આવેલ અને કહેલ કે, તને બાબુભાઈ ઝાપડા બોલાવેલ છે.
જેથી હું ત્યાં રોડ ઉપર ગયેલ તો આ બાબુ ઝાપડા સ્વીફ્ટ કાર લઈને ત્યાં ઉભો હતો. મને કહેલ કે, પ્રશાંતનો હિસાબ કરવો છે. તો ગાડીમાં બેસી જા. જેથી મેં ગાડીમાં બેસવાની ના પાડતા. હકા તથા લાલાએ મને ધક્કો મારી ગાડીમાં બેસાડી દીધેલ. મારી કાર લાલા તથા હકાએ ચલાવી લીધેલ અને મને બાબુની સ્વીફટ કારમાં બેસાડી રેલનગરમાં લઈ ગયેલ.
મારો મિત્ર પ્રશાંત પણ ગાડીમાં હોય જેથી મારા તથા પ્રશાંતના ફોનમાંથી ફોન કરી મારી મારા બનેવી વિપુલભાઈ ખીમજીભાઈ પાંભર તથા ભગીરથભાઈ શાંતિભાઈ વ્યાસને ફોન કરી રેલનગરમાં બોલાવેલ અને તેઓ બંને આવી જતા મને તથા વિપુલભાઈને બાબુ ઝાપડાની સ્વીફ્ટ કારમાં બેસાડી દીધેલ અને ભગીરથભાઈ તથા પ્રશાંતને મારી કારમાં બેસાડી ટંકારા તાલુકાના જબલપુર ગામે રામવાડી પાસે લઈ ગયેલ અને ત્યાં રામવાડી પાસે ગાડી ઉભી રાખી મને તથા વિપુલભાઈને નીચે ઉતારી આ બાબુ ઝાપડા તથા હકા ઝાપડા તથા મેહુલ ઉર્ફે લાલો તથા સાહિલ શાહમદાર તેમની કારમાંથી લોખંડનો પાઇપ કાઢી મારાં બંને પગે તથા વિપુલભાઈને હાથે પગે મારવા લાગેલ. જેથી લોહી નીકળવા લાગતા ચારેય આરોપી અપશબ્દો બોલતા ત્યાંથી જતા રહેલ અને ભગીરથભાઈ તથા પ્રશાંતને મારી ગાડીમાંથી નીચે ઉતારી કહેલ કે બંનેના પગ ભાંગી નાખ્યા છે તેમને દવાખાને લઈ જાવ. અમને બંનેને 108 મારફતે પ્રથમ ટંકારા સરકારી હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે અહીં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવારમાં લાવેલ હતા.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy