વડાપ્રધાન પ્રત્યે રાજકોટનો પ્રેમ- આદર ફરી જોવા મળ્યો

રોડ શોમાં રાજકોટીયન્સ ઉમટી પડયા: મોદી-મોદીના નારા

Saurashtra | Rajkot | 26 February, 2024 | 03:24 PM
જૂના એરપોર્ટથી રેસકોર્ષ મેદાન સુધીમાં મોદી પર ગુલાબની પાંદડીઓ વૃષ્ટિ થઈ: કળશ સાથે બહેનોએ વધાવ્યા: ગુરૂકુળના વિદ્યાર્થીઓએ મંત્રોચ્ચાર કરી શુભકામનાઓ આપી
સાંજ સમાચાર

રાજકોટ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાજકોટનો સંબંધ અનોખો છે અને જયારે જયારે વડાપ્રધાન રાજકોટ આવે છે તો તેઓને અપાવવા રાજકોટીયન્સ ઉમટી પડે છે અને નાનો પણ રોડ-શો શાનદાર બની જાય છે. ગઈકાલે પણ એઈમ્સ સહિતના લોકાર્પણ માટે વડાપ્રધાન શ્રી મોદી હીરાસરથી જુના એરપોર્ટ પહોંચ્યા તો તેમને વધાવવા માટે માર્ગની બન્ને બાજુ હજારો લોકો ઉપસ્થિત હતા.

ખુલ્લા વાહનમાં વડાપ્રધાન શ્રી મોદી ઉપરાંત મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ જોડાયા હતા. મોદી એરપોર્ટની બહાર નિકળતા જ મોદી-મોદીની કિકીયારી સમગ્ર વિસ્તાર ગાજી ઉઠયો હતો અને કળશધારી નાની બાળાઓ તથા બહેનોએ શ્રી મોદીને કુમકુમ તિલક કરી વળ્યા હતા તથા તેમનું સ્વાગત કર્યુ હતું.

માર્ગમાં ઠેર-ઠેર શહેરની વિવિધ સંસ્થાઓ, વિવિધ સમાજના અગ્રણીઓ દ્વારા વડાપ્રધાનનું ઉષ્માભર્યું સ્વાગત-અભિવાદન કરવામાં આવ્યું હતું. રોડ શોમાં સમગ્ર રૂટ પર ‘મોદીજી આપકા સ્વાગત હૈ...’ ના હર્ષનાદો સાંભળવા મળ્યા હતા. પ્રયાસ પેરેન્ટસ સંસ્થાના મનોદિવ્યાંગ બાળકોએ પણ પ્રધાનમંત્રીની પ્રતિકૃતિ બનાવી હર્ષ વ્યક્ત કર્યો હતો. આ તકે સમગ્ર રૂટ પર થયેલી નૃત્ય સહિતની પ્રસ્તુતીઓએ ઉપસ્થિતજનોમાં અનેરું આકર્ષણ જન્માવ્યું હતું. સ્વામીનારાયણ ગુરુકુળના શિષ્યો દ્વારા વેદોચ્ચાર થકી વડાપ્રધાનને અનોખો આવકાર આપવામાં આવ્યો હતો.

રાજકોટની જનતા દ્વારા દર્શાવાયેલા આ પ્રેમનો પ્રધાનમંત્રીએ પણ ઉષ્માસભર પ્રતિસાદ આપતા જનતાના અભિવાદનનો સહર્ષ સ્વીકાર કર્યો હતો અને આબાલ-વૃદ્ધ સૌ રંગીલા રાજકોટીયનોએ વ્યક્ત કરેલા આ પ્રેમ બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

પ્રધાનમંત્રીના રોડ શોમાં રાજકોટની ભૂષણ સ્કુલના વિદ્યાર્થીઓએ ચંદ્રયાન અને દેશભક્તિની થીમ આધારીત ગીત પર નૃત્ય રજુ કરતા તે સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. પ્રધાનમંત્રીએ પણ તેમના અનોખા અભિવાદનને સહર્ષ સ્વીકાર્યું હતું. ઉપસ્થિતજનોએ આ તકે રાજકોટને વિવિધ વિકાસ પ્રકલ્પોની ભેટ બદલ પ્રધાનમંત્રીનો આભાર વ્યકત કર્યો હતો.

અબ કી બાર... 400 કે પાર...
 મોદીનું આહવાન સભા સ્થળે ગુંજી ઉઠયું
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ તેમના પ્રવચનમાં રાજકીય છાંટ ઓછી રાખી હતી પણ ભાજપના 2024ના થીમ-સ્લોગન અબકી બાર ફીર મોદી સરકાર એવું ત્રણ વખત બોલાયુ પણ ચોથી વખત અબકી બાર ચારસો કે પાર બોલાવતા જે તેમની સાથે સભાસ્થળ પણ અબકી બાર 400 કે પારના નારા સાથે ગુંજી ઉઠયો હતો.

 

8 મિનિટનો રોડ શો, 31 મિનિટનું સંબોધન

 

પીએમ મોદીએ રાજકોટમાં રોડ શો યોજયો હતો. જેમાં તબક્કાવાર તેમના તમામ કાર્યક્રમની સમય રેખા ખૂબ જ ઝડપી ચાલી હતી. માત્ર 8 મિનિટનો રોડ શો રહ્યો હતો. જે પછી તેઓ સભા સ્થળે પહોંચ્યા હતા. અહીં પણ અભિવાદન સ્વાગતની રૂપરેખા ખૂબ ઝડપથી પૂર્ણ કરાઈ હતી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સાંજે 5.22 મિનિટે સંબોધન શરૂ કરી 31 મિનિટમાં એટલે કે 5.53 મિનિટે પૂર્ણ કર્યું હતું. જોકે તેમણે આ સ્પીચમાં તમામ વાતોને વણી લીધી હતી.

 

વ્હોરા સમાજની સાલ સ્વીકારતા વડાપ્રધાન

 

રોડ શો દરમિયાન પીએમ નરેન્દ્રભાઈ મોદીએ હજારો લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. આ દરમિયાન વ્હોરા સમાજના આગેવાનો દ્વારા ખાસ સ્ટોલ રાખવામાં આવેલો. વડાપ્રધાનનો કાફલો નીકળતા વ્હોરા સમાજ દ્વારા સાલ અર્પણ કરાઈ હતી. વ્હોરા સમાજના લોકોનો આગ્રહ જોઈ વડાપ્રધાને પોતાના કમાન્ડો મારફત સાલ સ્વીકારી હતી.  

વડાપ્રધાન સ્ટેજ પર સી.આર. પાટીલ સાથે સતત ચર્ચા કરતા રહ્યાં

 

ગઈકાલે આશરે પાંચેક વાગ્યા આસપાસ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સભામાં સ્ટેજ પર મહાનુભાવોએ સ્થાન લઈ લીધું હતું. વડાપ્રધાનની ડાબી બાજુ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવિયા, કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ અને ભાજપના પીઢ નેતા વજુભાઈ વાળા, રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ, કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, રાજ્યસભા સાંસદ રામભાઈ મોકરીયા, જૂનાગઢ સાંસદ રાજેશભાઈ ચુડાસમા, અમરેલી સાંસદ નારણભાઈ કાછડીયા, વડાપ્રધાનની જમણી બાજુએ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ, કેન્દ્રીય આયુષ રાજ્યમંત્રી ડો. મહેન્દ્ર મુંજપરા, ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, રાજ્યના મંત્રી કુંવરજીભાઈ બાવળિયા, કચ્છ મોરબી સાંસદ વિનોદ ચાવડા, રાજકોટ સાંસદ મોહનભાઈ કુંડારિયા,  રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલા, ભાવનગરના સાંસદ ભારતીબહેન શિયાળ, અને પાછળની હરોળમાં મેયર નયનાબહેન પેઢડિયા,  જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવિણાબેન રંગાણી, ધારાસભ્યો સર્વ ઉદયભાઈ કાનગડ, ડો.દર્શિતાબહેન શાહ, રમેશભાઈ ટીલાળા, ગીતાબા જાડેજા, જયેશભાઈ રાદડિયા, ડો.મહેન્દ્રભાઈ પાડલિયા, દુર્લભજીભાઈ દેથરિયા, જિતેન્દ્રભાઈ સોમાણીને સ્થાન અપાયું હતું. લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે સમગ્ર કાર્યક્રમ દરમિયાન સ્ટેજ પર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ સાથે સતત ચર્ચા કરતા જોવા મળ્યા હતા.

 

સંતોની હાજરી, જય જય શ્રીરામના નારા ગુંજતા રહ્યા

 

રેસકોર્ષ સ્થિત સભા સ્થળે રાજકીય, સામાજિક આગેવાનોની હાજરી હતી. સાથે સંત સમુદાય પણ મોટી સંખ્યામાં આશીર્વાદ આપવા ઉપસ્થિત રહેલ. સંતો-મહંતોની હાજરીમાં સભા સ્થળ પર જય જય શ્રીરામના નારા ગુંજતા રહ્યા હતા.

 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj