રાજકોટ, તા. 24
રાજકોટના નિરંજન શાહ સ્ટેડીયમમાં રમાયેલા રણજી ટ્રોફી મેચમાં સૌરાષ્ટ્રની ટીમે દિલ્હીને 10 વિકેટે સજજડ હાર આપી હતી. રવિન્દ્ર જાડેજાના તરખાટ સામે દિલ્હીની ટીમ બીજા દાવમાં ઘુંટણીયે પડી ગઇ હોય તેમ માત્ર 94 રનમાં ફીંડલુ વળી ગયું હતું અને સૌરાષ્ટ્રની ટીમે જીતવા માટેના 12 રન વિના વિકેટે બનાવી લીધા હતા.
સૌરાષ્ટ્ર અને દિલ્હી વચ્ચેનો રણજી ટ્રોફીનો મેચ આજે બીજા દિવસે જ પુરો થઇ ગયો હતો. દિલ્હીના પ્રથમ દાવ સામે સૌરાષ્ટ્રે પ્રથમ દાવમાં ર71 રન બનાવીને 83 રનની મહત્વપૂર્ણ લીડ હાંસલ કરી હતી.
બીજો દાવ લેવા મેદાને પડેલી દિલ્હીની ટીમનો ધબડકો થયો હતો. શરૂઆતથી જ સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ તરખાટ સર્જવાનું શરૂ કરી દીધુ હતું.
સૌરાષ્ટ્રના સ્પીન એટેક સામે દિલ્હીના ખેલાડીઓ ટપોટપ પેવેલીયન ભેગા થવા લાગ્યા હતા. એક માત્ર કપ્તાન આયુષ બદોનીએ 44 રન બનાવીને થોડી ઘણી ઝીક ઝીલી હતી બાકીના એક પણ ખેલાડીના ર0થી વધુ રન ન હતા. 10માંથી 7 ખેલાડીઓ તો સીંગલ ડિજીટમાં આઉટ થયા હતા.
ભારતીય ક્રિકેટ ટીમનો વિકેટ કીપર ઋષભ પંત સતત બીજી ઇનિંગમાં પણ ફલોપ પુરવાર થયો હતો અને માત્ર 17 રન બનાવી શકયો હતો. પંતને પણ રવિન્દ્ર જાડેજાએ આઉટ કર્યો હતો.
દિલ્હીનો બીજો દાવ માત્ર 94 રનમાં આટોપાઇ જતા સૌરાષ્ટ્રને જીતવા માટે 12 રનનો લક્ષ્યાંક મળ્યો હતો. સૌરાષ્ટ્રના ઓપનર હાર્વિક દેસાઇ અને અર્પિત વસાવડાની જોડીએ એક પણ વિકેટ ગુમાવ્યા વિના 15 રન બનાવીને ટીમને જીત અપાવી દીધી હતી.
સૌરાષ્ટ્ર વતી ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડ રવિન્દ્ર જાડેજાએ તરખાટ સર્જયો હતો. બીજી ઇનિંગમાં 7 વિકેટ ખેડવી હતી. 12.2 ઓવરમાં 38 રન આપીને તેણે 7 વિકેટ ઝડપી હતી.
પ્રથમ ઇનિંગમાં પણ જાડેજાએ પાંચ વિકેટ લીધી હતી. આમ આ મેચમાં જાડેજાએ કુલ 12 વિકેટ લીધી હતી. ધર્મેન્દ્ર જાડેજાએ બીજી ઇનિંગમાં બે અને યુવરાજસિંહ ડોડીયાએ એક વિકેટ ઝડપી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy