વૃધ્ધો, બાળકો, દર્દીઓ વધુ સતર્ક રહે : બપોરે 12 થી 3 બહાર ન નીકળો : ચા-કોફી પણ ટાળો..

રાજકોટમાં રેડ એલર્ટ જાહેર : મનપાએ હિટવેવમાં લોકો માટે નવી માર્ગદર્શિકા જાહેર કરી

Saurashtra | Rajkot | 20 May, 2024 | 03:44 PM
આજથી પાંચ દિવસ તાપમાન 45 ડિગ્રી રહેવાની અમદાવાદ મૌસમ વિજ્ઞાન કેન્દ્રની ચેતવણી
સાંજ સમાચાર

રાજકોટ, તા. 20
પૂરા રાજયમાં હિટવેવ જેવી સ્થિતિ છે અને ત્રણ દિવસથી રાજકોટમાં તાપમાનનો પારો 44 ડિગ્રી ઉપર ચાલે છે  ત્યારે અમદાવાદના મૌેસમ વિજ્ઞાન કેન્દ્રએ રાજકોટ માટે હજુ પાંચ દિવસ ખુબ ભારે અને ગરમ રહેવાની આગાહી કરી છે. રાજકોટ મ્યુનિ. કોર્પોરેશને આ પૂર્વાનુમાન પરથી આજથી તા. 24 એટલે કે પાંચ દિવસ સુધી શહેરમાં મહતમ તાપમાન 45 ડિગ્રીએ પહોંચવાની સંભાવનાથી રેડ એલર્ટ જાહેર કરેલ છે. 

રાજકોટ હવામાન વિભાગને અમદાવાદ મૌસમ વિજ્ઞાન કેન્દ્રની આ આગાહીનો અહેવાલ મળ્યો છે તે બાદ આજે મનપા આરોગ્ય શાખાએ લોકો માટે એડવાઈઝરી જાહેર કરી છે. આજથી તા. 24 સુધી 45 ડિગ્રી કે તેથી વધુ તાપમાન રહી શકે છે. આથી રેડ એલર્ટની સ્થિતિમાં અતિશય ગરમીમાં રાજકોટ શહેરની જાહેર જનતાને પૂરેપૂરી કાળજી રાખવા અનુરોધ કરવામાં આવ્યો છે. આજે અને કાલે ખુબ તાપ રહેવાનો છે. તો તા.22, 23 અને 24ના રોજ 45 ડિગ્રી આસપાસ તાપમાન રહે તેવો હવામાન વિભાગનો રીપોર્ટ છે. 

કાળઝાળ ગરમીની સ્થિતિમાં આરોગ્ય વિભાગે તકેદારી અંગે જણાવ્યું છે કે, જ્યારે પણ શક્ય હોય ત્યારે પૂરતું પાણી પીઓ, મુસાફરી કરતી વખતે પીવાનું પાણી સાથે રાખો, ઓઆરએસનો ઉપયોગ અને લીંબુ પાણી, છાસ-લસ્સી જેવા ઘરે બનાવેલા પીણાઓનું સેવન, મોસમી ફળો અને શાકભાજી ખાઓ જેમાં પાણીનું પ્રમાણ વધુ હોય જેમ કે તરબૂચ, ટેટી, નારંગી, દ્રાક્ષ, અનાનસ, કાકડી, અથવા અન્ય સ્થાનિક રીતે ઉપલબ્ધ ફળો અને શાકભાજીનો ઉપયોગ કરવો જોઇએ.

ઘરની અંદર રહો
લોકો હવાની અવરજવર વાળી સારી વેન્ટિલેટેડ અને ઠંડી જગ્યાએ રહે, સીધો સૂર્યપ્રકાશ અને ગરમીના તરંગોને અવરોધિત કરવો, દિવસ દરમિયાન બારીઓ અને પડદા બંધ રાખવા, ઘરની સૂર્ય તરફની બાજુ ઠંડી હવા આવવા દેવા માટે રાત્રે બારી ખોલો. જો બહાર જવાનું હોય, તો આઉટડોર એક્ટિવિટીને દિવસના ઠંડા સમય એટલે કે સવાર અને સાંજ સુધી મર્યાદિત કરવા અનુરોધ કરાયો છે.

કોના માટે વધુ જોખમકારક?
નાના બાળકો, સગર્ભા સ્ત્રીઓ, બહાર કામ કરતા લોકો, વૃદ્ધ લોકો, અન્ય બીમારી જેવી કે હૃદય રોગ, હાઈ બ્લડ પ્રેશરહોય તેવા લોકોની ખાસ કાળજી લેવી જોઈએ.

અન્ય સાવચેતીઓ
એકલા રહેતા વૃદ્ધ અથવા બીમાર લોકોની દેખરેખ રાખવી જોઇએ અને તેમના સ્વાસ્થ્યનું દૈનિક ધોરણે નિરીક્ષણ કરવું જોઈએ, ઘરને ઠંડુ રાખો, પડદા, શટર અથવા સનશેડનો ઉપયોગ કરો અને રાત્રે સુતી વખતે બારીઓ ખુલ્લી રાખો તથા શરીરને ઠંડુ કરવા માટે પંખા, ભીના કપડાનો ઉપયોગ કરવા આરોગ્ય વિભાગે અપીલ કરી છે. 

શરીરને ઢાંકેલું રાખો
લોકોએ મહત્તમ શરીર ઢંકાય તેવા પાતળા,ઢીલા,વજનમાં હલકાં, સુતરાઉ વસ્ત્રો ખાસ કરીને હળવા રંગના કપડાં પહેરવા, માથું ઢાંકેલું રાખો, સૂર્યપ્રકાશનાં સીધા સંપર્કમાં આવવા દરમિયાન છત્રી, ટોપી, ટુવાલનો ઉપયોગ, તડકામાં બહાર જતી વખતે પગમાં ચંપલ અથવા બુટ પહેરવા જરૂરી છે. 

રેડિયો, ટીવી, સ્થાનિક હવામાન સમાચાર માટે અખબારમાંથી લેવા હવામાનની નવીનતમ અપડેટ ભારતીય હવામાન વિભાગની વેબસાઇટ https://mausam.imd.gov.in  પરથી વિગતો મેળવતા રહેવી જોઇએ.

આટલું ના કરો

- તડકામાં બહાર નીકળવાનું ટાળો. ખાસ કરીને બપોરે 12:00 થી 03:00 વાગ્યાની વચ્ચે.

- બપોરે બહાર હોય ત્યારે વધુ મહેનતવાળી પ્રવૃત્તિઓ ટાળો.

- ખુલ્લા પગે બહાર ન જાવ.

- ઉનાળાના સૌથી ગરમ સમય દરમ્યાન રસોઈ કરવાનું ટાળો. રસોઈ વિસ્તારમાં હવાની પર્યાપ્ત રીતે અવરજવર થાય તે માટે દરવાજા અને બારીઓ ખોલો.

- આલ્કોહોલ, ચા, કોફી અને કાર્બોનેટેડ સોફટ ડ્રિંકસ અથવા મોટી માત્રામાં ખાંડવાળા પીણાં ટાળોજે વાસ્તવમાં, શરીરને વધુ પ્રવાહીની ખોટ તરફ દોરી જાય છે અથવા પેટમાં ખેંચાણ થઈ શકે છે.

- વધુ પ્રોટીનવાળો ખોરાક ટાળો અને વાસી ખોરાક ન ખાઓ.

- પાર્ક કરેલા વાહનમાં બાળકો અથવા પાલતુ પ્રાણીઓને છોડશો નહીં. વાહનની અંદરનું તાપમાન જોખમી બની શકે છે.

હિટ સ્ટ્રોકનાં લક્ષણો

- શરીરનાં તાપમાનમાં વધારો

- ગભરામણ થવી

- ઉલટી-ઉબકા થવા

- પરસેવો બંધ થવો

- અમુક સંજોગોમાં બેભાન થવું

જો કોઈ વ્યક્તિને હીટસ્ટ્રોકની અસરથાય ત્યારે નીચે દર્શાવ્યા મુજબના પગલા ત્વરીત લેવામાં આવે તો ખુબ જ અસરકારક છે.

- જો શક્ય હોય તો દર્દીને ઠંડી જગ્યાએ ખસેડો.

- ત્વચાના મોટા ભાગોમાં અથવા કપડાં પર ઠંડુ પાણી લગાવવું.

- વ્યક્તિને શક્ય તેટલો પવન નાખો.

- શક્ય હોય તો ઓ.આર.એસ.નું દ્રાવણ અથવા લીંબુ પાણી આપવું.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj