માફામાફીનો સમય પુરો; ભાજપે પણ રણનીતિ ફેરવી

રૂપાલા ફોર્મમાં આવી ગયા; વિરોધીઓને સીધો સંદેશ

Gujarat, Saurashtra | Rajkot | 12 April, 2024 | 11:43 AM
♦ રાજકોટની સભામાં કહ્યું વો શમા કયા બુઝે જીસે રોશન ખુદા કરે: નાના-મોટા વિરોધ પ્રદર્શન-બોયકોટ રૂપાલાની માંગ સામે સ્ટ્રેટ-ડ્રાઈવ ફટકારી
સાંજ સમાચાર

♦ લોકસભા-રાજયસભા તો ઘણી જોઈ છે; આ વિધાનોથી તેઓ સતા માટે નહી પણ પક્ષના આદેશથી ચુંટણી લડી રહ્યા હોવાનું પણ સ્પષ્ટ કર્યુ

♦ વિરોધ પ્રદર્શનથી પણ વિચલીત નહી થવા કાર્યકર્તાઓને સંદેશ: કાર્યકર્તા-મતદારો પર મને પુરો ભરોસો છે: સૌને સાથે લઈ લીધા

રાજકોટ: ગુજરાતમાં લોકસભા ચૂંટણીમાં પ્રારંભથી એક તરફી મનાતા ટ્રેન્ડ વચ્ચે અનેક બેઠકો પર ભાજપના ઉમેદવારોની પસંદગી સામે સર્જાયેલા અસંતોષ તથા ખાસ કરીને રાજયના ચુંટણી ઈતિહાસમાં સંભવત પ્રથમ વખત ભાજપે જાહેર કરેલા બે ઉમેદવારોને બદલવા પડયા તેમાં ડેમેજ કંટ્રોલ કર્યા બાદ અચાનક જ રાજકોટ સંસદીય બેઠક પરના પક્ષના ઉમેદવાર તથા કેન્દ્રીયમંત્રી પરસોતમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે કરેલા વિધાનોનો વિરોધનો વંટોળ સમગ્ર ગુજરાત અને ગુજરાત બહાર પણ સર્જાયો હતો.

બોયકોટ રૂપાલાના નારા સાથે ક્ષત્રિય સમાજે રૂપાલાની ટિકીટ રદ કરવા કરેલી માંગણીમાં ભાજપ અને ખાસ કરીને પરસોતમ રૂપાલાએ ડિફેન્સીવ સ્ટેન્ડ અપનાવી આ વિધાનો પર બે વખત માફી માંગી લઈને વિવાદ શાંત કરવા કરેલા પ્રયત્નો બાદ પણ વિરોધ યથાવત રહેતા હવે તેઓ તેમની ઉમેદવારી સામે ઉભા કરાયેલા પડકારની પરવા કર્યા વગર જ છુટ્ટા હાથે ‘વોટીંગ’ કરવા તૈયાર થયા હોવાના સંકેત છે.

ભાજપે લાંબો સમય સુધી ક્ષત્રિય સમાજનો રોષ શાંત પાડવા પ્રયાસ કર્યો હતો અને ખુદ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે પણ બે હાથ જોડી રૂપાલાને માફી આપવા અપીલ કરી હતી તથા પક્ષની સાથે જોડાયેલા પુર્વ મહારાજાઓને પણ આ પ્રકારે અપીલ કરવા માટે આગળ લાવ્યા હતા પણ જે રીતે ફકત રાજકોટ નહી પણ રાજયભરમાં નાના-મોટા પાયે રૂપાલાનો વિરોધ થઈ રહ્યો છે પછી ભાજપે રણનીતિ બદલી હોવાના સંકેત છે.

ગઈકાલે જ રાજકોટમાં અમૃતસાગર પાર્ટી પ્લોટ ખાતે ભાજપના કાર્યકર્તા સંમેલનમાં રૂપાલાએ પ્રથમ વખત આડકતરી રીતે તેઓ પરીસ્થિતિનો મુકાબલો કરવા તૈયાર હોવાનો સંકેત આપી દીધો છે. શ્રી રૂપાલાએ તેમના પ્રવચનના અંતે ઉર્દૂના વિખ્યાત શેર ‘ફાનુસ બનકર જિસકી હિફાજત હવા કરે... વો શમા કયા બૂઝે જિસે રૌશન ખુદા કરે.’ લલકારીને તેઓ હવે આ પ્રકારના વિરોધને ગણકારવા તૈયાર નહી હોવાનો સંકેત આપી દીધો છે.

તે રીતે તેમનો વિરોધ કરી રહેલા વર્ગને પણ સંદેશ આપી દીધો હતો. શ્રી રૂપાલાએ ગઈકાલે રાજકોટમાં વિધાનસભા-69ના કાર્યાલયના ઉદઘાટન સમયે ક્ષત્રિય સમાજની બહેનોએ જે રીતે રૂપાલા- હાયહાયના નારા સાથે વિરોધ પ્રદર્શનનો પ્રયાસ કર્યો તેનો પણ આડકતરો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું કે જે રીતે વાતાવરણને ડહોળવા પ્રયાસ થાય છે. તેમાં તમે (કાર્યકર્તાઓ) ધૈર્ય અને સંયમ રાખજો.

મને તમારા સૌ પર ભરોસો છે અને રાજકોટના મતદારો પર પણ ભરોસો છે. ખાસ કરીને કાર્યકર્તા-મતદારોને તેમની સાથે હોવાનો પણ જવાબ આપવા પ્રયાસ કર્યો હતો. તેઓએ અહીથી જ નહી અટકતા આ ચૂંટણી તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો હાથ મજબૂત કરવા અને પાર્ટીએ મને જે કામ સોંપ્યું છે તેને લઈને એક કાર્યકર્તા તરીકે અમારી સામે આવ્યા છે તેવું કહીને એ પણ ઉમેર્યું કે તેઓએ રાજયસભા જોઈએ લોકસભા પણ જોઈએ.

ખાસ કરીને તેઓએ પોતાને ચુંટણી લડવા કરતા પક્ષ માટે તેઓ લડી રહ્યા છે તે પણ જણાવી દઈને એક તરફ કાર્યકર્તાઓમાં પણ વિશ્ર્વાસ રાખી દીધો હતો અને તેઓ આ ચુંટણી લડવા પુરેપુરા ફોર્મમાં છે અને કોઈ ડિફેન્સીવ નહી ટી-20 સ્ટાઈલથી બેટીંગ કરશે તે પણ સંદેશ આપી દીધો હતો.

ધાનાણીની ‘એન્ટ્રી’ ધમાકેદાર કરવાની ‘તક’ કોંગ્રેસે ગુમાવી?
રાજકોટ: ગુજરાતભરમાં રાજકીય રીતે હોટ ટોપીક બની ગયેલી રાજકોટ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલા સામે એક તરફ ‘ટોકન’ ફાઈટ આપવા પણ કોંગ્રેસને ઉમેદવાર મળતા ન હતા તે સમયે રૂપાલાના ક્ષત્રિય સમાજ અંગે કરેલા વિધાનોથી આ પક્ષને નવી આશા જાગી અને અમરેલીના જ તથા બે દશકાથી વધુ સમય પુર્વે પરસોતમ રૂપાલાને વિધાનસભા ચુંટણીમાં પરાજીત કરનાર પરેશ ધાનાણીને કોંગ્રેસે ઉમેદવાર બનાવ્યા.

તે સમયે જે વાતાવરણ સર્જાયુ હતું તેનો ‘લાભ’ લેવાનું કોંગ્રેસ ચૂકી ગઈ તેવા દ્રશ્યો છે. કોંગ્રેસના જ સૂત્રોએ કહ્યું કે ધાનાણીની ધમાકેદાર એન્ટ્રી થવી જોઈતી હતી હવે જયારે રૂપાલા જ આ બેઠક લડશે તે નિશ્ચિત થયું પછી ધાનાણીએ પણ રાજકોટમાં લડવું ફરજીયાત બની ગયું છે પણ કોંગ્રેસના એક નેતાએ હવે આ લડાઈને હિન્દી ફિલ્મમાં જે રીતે પોલીસ ધ એન્ડ સમયે જ આવે છે તે સમાન ગણાવીને ભાજપે તેનો ભય ફગાવી દીધો છે તે પણ નિશ્ચિત કર્યુ છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj