રાજકોટ, તા.20
સૌરાષ્ટ્ર યુનિ. દ્વારા ગત વર્ષની પરિક્ષાનું પેપર મૂલ્યાંકનના મહેનતાણાની મસમોટી રકમ અધ્યાપકોને હજુ સુધી નહીં ચૂકવાતા ડિસેમ્બર-2024માં લેવાયેલ બીકોમ સેમે-3ની પેપર તપાસણીની કામગીરી અભેરાઇ પર ચડી જવા પામી છે. જેની સાથે અનેક પ્રશ્ર્નો ઉપસ્થિત થવા પામેલ છે.
સૌરાષ્ટ્ર યુનિ. દ્વારા ડિસેમ્બર-2024માં બીકોમ સેમે-3ની પરીક્ષા લેવાયા બાદ તેના પેપરોને તપાસણી માટે અધ્યાપકોના ઓર્ડરો ચાલુ જાન્યુઆરી માસમાં યુનિ.ના પરીક્ષા વિભાગ દ્વારા કાઢવામાં આવેલ છે.
પરંતુ અધ્યાપકોને ગત વર્ષના પેપર તપાસણીની મહેનતાણાની રકમ મળી ન હોય અધ્યાપકો પેપર તપાસણી માટે હજુ સુધી હાજર થયા નથી. યુનિ. દ્વારા ગત વર્ષની મહેનતાણાની રકમ ચૂકવાયા બાદ જ પેપર તપાસણીનું કાર્ય શરુ થશે તેવું બીકોમના અધ્યાપકો જણાવી રહ્યા છે.
અહીં ઉલ્લેખનીય છે કે સતત સૌરાષ્ટ્ર યુનિ. અત્યાર સુધી સતત વિવાદોમાં ઢસડાતી રહી છે. યુનિ.ના ગંદા રાજકારણ અને ટાંટીયાખેંચના કારણે યુનિ.માં લાંબા સમય સુધી કુલપતિની જગ્યા ખાલી રહેવા પામી હતી. હવે યુનિ.માં કાયમી કુલપતિ તરીકે ઉત્પલ જોષીની નિમણુંક રાજ્ય સરકાર દ્વારા કરાતા તેઓએ ચાર્જ સંભાળી કામગીરી શરુ કરી દીધી છે.
પરંતુ યુનિ.માં હજુ કાયમી રજીસ્ટ્રાર, પરીક્ષા નિયામક સહિતની જગ્યાઓ ખાલી પડી છે. ઇન્ચાર્જથી યુનિ.ના કેટલાક મહત્વના વિભાગોનો વહીવટ ચલાવવામાં આવી રહ્યો છે. તેની સાથોસાથ વિદ્યાર્થી લક્ષી કેટલાક મહત્વના પ્રશ્ર્નો લાંબા સમયથી અધ્ધરતાલ લટકી રહ્યા છે.
યુનિ. દ્વારા ગત વર્ષે લેવાયેલ પરીક્ષાના પેપરોનું મૂલ્યાંકનનું મહેનતાણું અધ્યાપકોને હજુ સુધી નહીં ચુકવાતા અધ્યાપકોમાં કચવાટની લાગણી ફેલાયેલ છે. જેમાં બીકોમ સેમે-3ના પેપરોની તપાસણી માટે અધ્યાપકોએ મહેનતાણું ચુકવ્યા બાદ જ શરુ કરાશે. તેવું જણાવી દીધું છે. જેના પગલેે ગત ડીસેમ્બરમાં આ પરીક્ષા પૂર્ણ થયેલ હોવા છતાં તેના પેપરોની તપાસણી હજુ સુધી શરુ થવા પામી નથી. યુનિ.માં વિવાદો સમવાનું નામ લેતું નથી તેની સાથે જ યુનિ.નો વહીવટ સુધારવા માટે નવાકુલપતિ સામે પણ અનેક પડકારો છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy