► પ્રદેશ પ્રમુખ માટે ચૂંટણી ઇન્ચાર્જ નીમી દીધા બાદ હજુ મહાનગર અને જિલ્લા પ્રમુખોની યાદી બહાર પડી નથી: આંતરીક વિવાદ કારણ?
►મંત્રી મંડળની પુન: રચના તો ધારાસભ્યો ભૂલી જ ગયા હોવાનો ગણગણાટ: દિલ્હીથી નેતાઓ આવે છે અને જાય છે: જેમના શેડ્યુલ છે તે આવતા નથી: જબરી ચર્ચા
રાજકોટ, તા.20
ગુજરાતમાં ભાજપના સંગઠન નવરચનાની પ્રક્રિયામાં સતત સર્જાઇ રહેલા વિલંબ અને પ્રદેશ પ્રમુખની પસંદગી પ્રક્રિયા માટે કેન્દ્રીય નિરીક્ષકની નિયુક્તિ પછી પણ હજુ જિલ્લા અને મહાનગરોના પ્રમુખોના નામની જાહેરાત ન થતાં હવે અનેક શેડ્યુલો એક બીજા સાથે મિક્સ અપ થઇ જાય તેવા સંકેત છે અને મોવડી મંડળના મનમાં શું ચાલી રહ્યું છે તે અંગે કાર્યકર્તાઓમાં ચર્ચા સતત વધી રહી છે તો નેતાઓ પણ ઉંચા-નીચા થઇ રહ્યા છે.
ફકત બે કે ત્રણ વ્યકિતઓ સુધી જ આખરી નિર્ણય અટવાયો હોવાનું માનવામાં આવે છે. પક્ષના જિલ્લા અને મહાનગરોના પ્રમુખોની નિયુક્તિ માટે છેક દિલ્હી સુધી કવાયત થઇ ગઇ છે. ખાસ કરીને ગુજરાતમાં હવે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીના પડઘમ પણ વાગવા લાગ્યા છે અને આગામી મહિનાના મધ્યમાં ચૂંટણી યોજાશે તેવું મનાય છે તે સમયે જિલ્લાનું નવું સંગઠન મહત્વનું બની જાય છે. પરંતુ ભાજપમાં અનેક જિલ્લાઓમાં પણ આંતરીક અસંતોષ છે અને મોવડી મંડળ સુધી તેની રજુઆત ગઇ છે.
આ ઉપરાંત હવે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને વાવ-થરાદને પણ નવો જિલ્લો બનાવવામાં આવી રહ્યો છે. બનાસકાંઠામાં જિલ્લા પંચાયતની ચૂંટણી ડ્યુ છે અને જિલ્લાનું વિભાજન પણ નિશ્ર્ચિત છે તેથી મોવડી મંડળ શું બનાસકાંઠાની ચૂંટણી મુલત્વી રાખશે કે કેમ તે પણ પ્રશ્ર્ન છે. જિલ્લા અને મહાનગરોના પ્રમુખોમાં 50 ટકાથી વધુની નિયુક્તિ સાથે પ્રદેશ પ્રમુખ અને 50 ટકા પ્રમુખની નિયુક્તિ બાદ રાષ્ટ્રીય પ્રમુખની નિયુક્તિ થઇ શકે છે. તેમ ભાજપ તે માર્ગ અપનાવશે તે પણ પ્રશ્ર્ન છે.
એક ચર્ચા મુજબ દિલ્હીની ચૂંટણી પછી ભાજપને નવા રાષ્ટ્રીય પ્રમુખ મળવાના છે અને આ ચૂંટણી તા.8 ફેબ્રુઆરીના પુરી થશે તેથી રાષ્ટ્રીય પ્રમુખની પ્રક્રિયા તા.8 થી 10 ફેબ્રુઆરી બાદ શરુ થાય અને 15 ફેબ્રુઆરી આસપાસ નવા રાષ્ટ્રીય પ્રમુખ મળી જાય તેવી શક્યતા હાલ પક્ષના અનેક નેતાઓ દર્શાવી રહ્યા છે. જો કે ગુજરાતમાં ભાજપને પ્રદેશ પ્રમુખ માટે સાવધાનીપૂર્વક આગળ વધવું પડશે. કારણ કે જે રીતે જિલ્લા અને મહાનગરોના પ્રમુખોમાં આતંરીક વિખવાદ બહાર આવ્યો છે તેથી તેમાં કોઇ નો-નોનસેન્સ પ્રમુખ જ સંગઠન ચલાવી શકશે. આમ ગમે તે ઘડીએ નામ જાહેર થશે તેવા ભાજપના અનેક મોવડીઓના મંતવ્ય પછી આ ઘડી ક્યારે આવશે તે પ્રશ્ર્ન છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાલ 14 દિવસ ગુજરાત રહી ગયા છે અને મંત્રી મંડળની પુન: રચનાની પણ ચર્ચા છે. સ્થાનિક ચૂંટણીઓ આવી રહી છે. વિધાનસભાનું સત્ર ફેબ્રુઆરીના અંતથી શરુ થશે આમ અનેક પ્રશ્ર્નો વચ્ચે પણ પહેલો જવાબ શોધવા માટે પક્ષના કાર્યકર્તાઓ અને નેતાઓ સતત ગાંધીનગર ભણી આંખ અને કાન માંડીને બેઠા છે.
► રાષ્ટ્રીય પ્રમુખ તો દિલ્હી ચૂંટણી પછી જ મળશે
ગુજરાતમાં તો હાલ પાટિલ વિદેશ પ્રવાસે: જો કે હવે તેમની હાજરી જરૂરી હોવા અંગે પણ પ્રશ્ર્ન
ભાજપમાં વાસ્તવમાં રાષ્ટ્રીય પ્રમુખની ટર્મ આપોઆપ આગળ વધી રહી છે. ગુજરાતમાં સી.આર. પાટિલ પણ અનેક વખત કહી ચૂક્યા છે કે મને હવે જવાબદારીમાંથી મુક્ત કરાવો તેવું મેં મોવડી મંડળને જણાવ્યું છે પણ હજુ સુધી તેમાં કોઇ નવા સંકેત નથી. પાટિલ ખુદ પોતાની રાષ્ટ્રીય ફરજ બજાવી રહ્યા છે અને હાલ તેઓ દાઓસમાં વર્લ્ડ ઇકોનોમીક ફોરમની બેઠકમાં હાજરી આપવા પાંચ દિવસ સ્વીર્ટ્ઝલેન્ડના પ્રવાસે છે.
જો કે હવે પ્રદેશ પ્રમુખની નિયુક્તિ કરવા તેમની કેટલી આવશ્યકતા છે તે પ્રશ્ર્ન છે. પણ ગુજરાતમાં ભૂપેન્દ્ર યાદવની આગમનની તારીખ જાહેર થયા પછી પણ તેઓ પહોંચ્યા નથી. તેથી મોવડી મંડળને ઉતાવળ નહીં હોવાનો મત બની રહ્યો છે. માની શકાય છે કે 50 ટકા રાજ્યોમાં પ્રમુખો નિયુક્તિ રાજ્યમાં ભાજપ પ્રમુખની નિયુક્તિ કરીેને રાષ્ટ્રીય પ્રમુખ નિમી શકે છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy