વડોદરા-જામનગર બાદ સુરતમાં પણ પ્રિ-પેઇડ વિજ મીટરો મામલે હોબાળો

સ્માર્ટ મીટર લગાવવાનું કામચલાઉ ધોરણે બંધ: વિજ અધિકારીઓ ગાંધીનગરમાં

Gujarat, Saurashtra | Rajkot | 20 May, 2024 | 04:05 PM
► તમામ સરકારી વિજ કંપનીઓના ઉચ્ચ અધિકારીઓ સાથે તાકિદની ઉચ્ચ સ્તરીય બેઠક
સાંજ સમાચાર

► ગ્રાહકોની ફરિયાદોનું વિશ્લેષણ કરવા આદેશ: પ્રશ્નોનો ઉકેલ-શંકાના સમાધાન બાદ જ પ્રક્રિયા ફરી શરૂ કરાશે

રાજકોટ, તા.20
રાજકોટ સહિત ગુજરાતના અનેક શહેરોમાં શરૂ કરાયેલા સ્માર્ટ-પ્રિપેઇડ વીજ મીટર સામેનો વિરોધ નવા-નવા શહેરો સુધી પહોંચવા લાગ્યો છે. વડોદરા, જામનગર બાદ સુરતમાં પણ વિજ ગ્રાહકોએ હંગામો મચાવ્યો હતો તેને પગલે રાજ્યભરમાં હાલ તૂર્ત-કામચલાઉ ધોરણે રહેણાંક ગ્રાહકોમાં સ્માર્ટ મીટર લગાવવાનું સ્થગીત કરી દેવાયું છે તેના બદલે સરકારી કચેરીઓમાં લગાવવા નિર્ણય લેવાયો છે. રાજ્ય સરકાર પણ એલર્ટ બની હોય તેમ ચારેય વિજ કંપનીઓના વડાઓ સહિતના અધિકારીઓને ગાંધીનગર બોલાવીને મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી છે.

વિજતંત્રના સૂત્રોએ કહ્યું કે, અનેક શહેરોમાં સ્માર્ટ મીટરથી તોતીંગ નાણાં કપાતા હોવાના દાવા સાથે પ્રચંડ વિરોધ થતાં કામચલાઉ ધોરણે સ્માર્ટ મીટર લગાવવાની પ્રક્રિયા સ્થગીત કરી દેવાનો નિર્ણય લેવાયો છે. સરકારી કચેરીઓ તથા વિજગ્રાહકો સ્વેચ્છાએ ડીમાંડ કરે ત્યાં લગાવવાનું નક્કી થયું છે. રાજ્ય સરકારે પણ હોબાળાની ગંભીરતા પારખીને પીજીવીસીએલ સહિત તમામ સરકારી વિજ વિતરણ કંપનીઓના અધિકારીઓને ગાંધીનગર તેડાવ્યા છે. સવારથી ઉચ્ચ સ્તરીય બેઠક થઇ રહી છે.

સૂત્રોએ કહ્યું કે, ભારે વિરોધ-હોબાળા બાદ હવે ગ્રાહકો દ્વારા ફરિયાદો કરવામાં આવી રહી છે. તેનું વિશ્લેષણ કરીને નિરાકરણ લાવવાનું નક્કી થયું છે. ફરિયાદોનો યોગ્ય ઉકેલ આવવા સાથે ગ્રાહકોની શંકાનું સમાધાન થયા બાદ ફરી વખત રહેણાંક વિસ્તારોમાં મીટર લગાવવાનું શરુ કરાશે.

રાજ્ય સરકારની આજની બેઠકમાં શું પરિણામ આવે છે તેના પર મીટ માંડવામાં આવી રહી છે.  બીજી તરફ સુરતમાં પણ વડોદરાની જેમ લોકોએ સ્માર્ટ મીટર સામે હોબાળો શરુ કર્યો છે. લોકોનો એવો દાવો છે કે બે મહિનાના બીલ જેટલા નાણાં 15 દિવસમાં જ ખત્મ થઇ રહ્યા છે. વિજતંત્રનો એવો બચાવ છે કે આકરા ઉનાળાને કારણે વીજળીનો વપરાશ દેખીતી રીતે વધતો જ હોય છે. અત્યાર સુધી બે મહિને બીલ આવતા એટલે લોકોને ધ્યાન રહેતું ન હતું હવે એડવાન્સ પેમેન્ટને કારણે લોકોને તૂર્ત ખબર પડી જાય છે.

જુના નાણાં કપાતા હોવાથી ગેરસમજને કારણે વિરોધ: હવે બાકી બિલ માટે આવી સિસ્ટમ લાગુ થશે
રાજકોટમાં કોઇ વિરોધ ન હોવાનો પીજીવીસીએલના અધિકારીઓનો દાવો
રાજકોટ, તા.20

પ્રિપેઇડ સ્માર્ટ મીટર માટે ગુજરાતના વડોદરા, સુરત સહિતના શહેરોમાં જબરો હોબાળો સર્જાયો છે છતાં રાજકોટમાં હજુ કોઇ ખાસ વિરોધનો સૂર ઉઠ્યો નથી ત્યારે વિજ તંત્રના અધિકારીઓએ એવો નિર્દેશ કર્યો છે કે સમગ્ર વિરોધ પાછળ થોડી ગેરસમજ જવાબદાર છે અને તે દુર કરવા માટે નવા નિર્ણયો લેવામાં આવી રહ્યા છે.

પીજીવીસીએલના એક અધિકારીએ જણાવ્યું હતું કે પ્રિપેઇડ સ્માર્ટ મીટર લગાવવામાં આવે ત્યારે જુના બીલના નાણાં બાકી રહેતા હોય છે. પ્રિપેઇડ મીટર લગાવવામાં આવે તે સાથે જ જુના નાણાં કપાવવા લાગે છે. તેને કારણે બીલ વધુ આવતું હોવાનું લોકો માને છે. વાસ્તવમાં મીટરમાં કોઇ ફોલ્ટ નથી અને નિર્ધારીત રીતે જ બીલીંગ થતું હોય છે. 

તેમણે કહ્યું કે હવે સ્માર્ટ મીટર લગાવતી વખતે ગ્રાહકોને બાકી રહેતા નાણાં વિશે જાણ કરવામાં આવશે અને તેની અનુકુળતા મુજબ કેટલા હપ્તે પૈસાની કપાત કરવી તે પૂછવામાં આવશે અને તે મુજબ જુના નાણાંની વસુલાત હાથ ધરવામાં આવશે.

પીજીવીસીએલના અધિકારીઓએ એવો દાવો કર્યો હતો કે રાજકોટમાં કોઇ મોટી સમસ્યા નથી. અમુક ટેકનીકલ પ્રશ્ર્નો ઉભા થતાં હોય છે તેનું નિરાકરણ કરી દેવામાં આવે છે.  કેટલાક શહેરોમાં હોબાળો થયા બાદ હવે સરકારી ઓફિસોમાં સ્માર્ટ મીટર લગાવવાનું શરૂ કરવા નક્કી કરવામાં આવ્યું છે.

સ્માર્ટ મીટર વિવાદમાં કોંગ્રેસે પણ ઝંપલાવ્યું: લોકોને લૂંટવાનો કારસો હોવાનો શક્તિસિંહનો આક્ષેપ
રાજકોટ, તા.20

વિજ તંત્રના સ્માર્ટ મીટર પ્રોજેકટના વિવાદમાં હવે કોંગ્રેસે પણ ઝુંકાવ્યું છે અને સરકાર દ્વારા ગ્રાહકોને લુંટવાનો કારસો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.  રાજકોટ આવેલા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે સ્માર્ટ મીટર સામે રાજ્ય સરકારનો વિરોધ કરવામાં આવશે. ભાજપમાં અહંકાર આવી ગયો છે અને તેનું આ પરિણામ છે.

અદાણીને ફાયદો આપવા માટે સ્માર્ટ લગાવવામાં આવી રહ્યા છે. અદાણીની કંપની પાસેથી મોંઘા ભાવે વીજળી ખરીદવામાં આવે છે અને હવે સ્માર્ટ મીટરથી લોકોને લૂંટવાનો આ કારસો છે. તેમણે એવો સવાલ ઉઠાવ્યો હતો કે ચૂંટણી પૂર્વે સ્માર્ટ મીટર લગાવવાની સરકારે કેમ હિમત કરી ન હતી. સ્માર્ટ મીટરના નામે પ્રજા પર બોજો નાખવામાં આવ્યો છે.

સરકારે  લોકોને વિકલ્પ આપવો જોઇએ. સ્માર્ટ મીટર લેવાનું ફરજીયાત કરવું ન જોઇએ. શક્તિસિંહ ગોહિલે કહ્યું કે કોઇપણ વસ્તુ ખરીદતા પહેલા જે રીતે જીએસટી વસુલી લેવામાં આવે છે તે જ રીતે હવે પ્રિપેઇડ સ્માર્ટ મીટરથી વીજળી વાપરતા પૂર્વે નાણાં ચુકવી દેવાના રહેશે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj