સ્ટેટ બેન્કે લોન નીતિ બદલી: ધિરાણ મોંઘુ થઇ શકે

India | 25 May, 2024 | 11:25 AM
રિઝર્વ બેન્કના નિયમનોથી બેંક પર આર્થિક બોજ વધે તો અધવચ્ચે વ્યાજદર વધારાની જોગવાઈ: વ્યાપક ઉહાપોહ
સાંજ સમાચાર

મુંબઈ,તા.25
ભારતની જાહેર ક્ષેત્રની સૌથી મોટી બેંક એવી સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયાએ ઈન્ફ્રા-પ્રોજેકટ લોન નીતિમાં મોટો ફેરફાર કર્યો છે.બેંકીંગ ક્ષેત્રમાં સંભવીત નવા નિયમનોથી બેંક પર નાણાંકીય બોજ વધે તો ધિરાણ-લોનનાં વ્યાજમાં અધવચ્ચે પણ વધારો કરવાની જોગવાઈ ઉમેરી છે.આ નીતિ સામે ઔદ્યોગીક ક્ષેત્રમાં ઉહાપોહ સર્જાયો છે.

સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયાએ લોન કરારમાં દાખલ કરેલી નવી જોગવાઈઓ મુજબ નવા સંભવીત નિયમનોથી બેંકને વધુ નાણાંકીય જોગવાઈ કરવાની સ્થિતિ સર્જાઈ છે અને બેંક પર આર્થિક બોજ વધી જાય તો અધવચ્ચે લોનનું વ્યાજ વધારી નાખવામાં આવશે. લોન લેતી વખતે વ્યાજદર નિયત કરવામાં આવ્યો હોય તો પણ તેમાં વધારો કરી દેવાશે અને તેનો બેંકને અધિકાર રહેશે.

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયાએ ચાલુ મહિનાની શરૂઆતમાં પ્રોજેકટ લોનનાં હિસાબો તથા ફાઈનાન્સને લગતી વિસ્તૃત ગાઈડલાઈન ઈસ્યુ કરી હતી. ગાઈડલાઈનમાં એવુ સુચવાયુ છે કે ઈન્ફ્રાસ્ટ્રકચર તથા કોમર્સીયલ રીયલ એસ્ટેટ પ્રોજેકટ નિર્માણનાં તબકકે હોય ત્યારે પાંચ ટકાનું પ્રોવિઝન રાખવામાં આવે અને આ પ્રોજેકટો આગળ ધપવા-કાર્યાન્વિત થવા સાથે તબકકાવાર તેમાં ઘટાડો થતાં હાલ બેંક દ્વારા કોમર્સીયલ રીયલ એસ્ટેટ લોનમાં 1 ટકા, રેસીડેન્સીયલ હોમ પ્રોજેકટમાં 0.75 ટકા તથા પ્રોજેકટ ફાઈનાન્સ સહીતની અન્ય તમામ પ્રકારની લોનમાં 0.4 ટકાનુ પ્રોવીઝન રાખે છે.

આ સુચિત નિયમો હળવા બનાવવા માટે સ્ટેટ બેંક સહીતની બેંકો તથા કંપનીઓએ રિઝર્વ બેંક સમક્ષ ઘા નાખી છે. આ કદમથી ઈન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રે બોજ વધવાની દલીલ કરી છે. માર્કેટ કેપીટલાઈઝેશનના ધોરણે ત્રીજા નંબરે આવતી સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયાએ રીઝર્વ બેન્કનાં નવા નિયમોથી 9000 કરોડની વધારાની જોગવાઈ કરવી પડે તેમ છે. જે વર્તમાન જોગવાઈ કરતા, 28 ટકા વધુ થવા જાય છે અને કુલ જોગવાઈ 32000 કરોડ પર પહોંચી શકે તેમ છે.

મોટાભાગની બેંકો લોન કરારમાં ધિરાણની શરતોમાં ફેરફારની જોગવાઈ રાખતી જ હોય છે.જોકે ભાગ્યે જ તે લાગુ કરતી હોય છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયાએ આ કિસ્સામાં એકદમ સ્પષ્ટ અને સચોટ જોગવાઈ ઉમેરવાનો નિર્ણય લીધો છે બેંકીંગ સુત્રોએ કહયું કે આખરી દિશા નિર્દેશમાં રીઝર્વ બેન્ક કોઈ રાહત આપે તેવી શકયતા નથી.

એટલે સ્ટેટ બેંકે વિશેષ જોગવાઈ ઉમેરી છે. બેંકોને 15 મી જુન સુધીમાં અભિપ્રાય આપવા કહેવાયુ છે. બેંકોને 15 મી જુન સુધીમાં અભિપ્રાય આપવા કહેવાયું છે અને ત્યારબાદ નવી ગાઈડલાઈનનો રીઝર્વ બેન્ક અમલમાં મુકનાર છે. રીઝર્વ બેન્કની ગાઈડલાઈન બાદ સ્ટેટ બેંકે નિર્માણનાં તબકકે રહેલા કોઈપણ પ્રોજેકટની લોન મંજુર કરી નથી.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj