BCA સેમે-4ના ત્રણ પેપર લીક થવાના મામલે સૌરાષ્ટ્ર યુનિ.માં વિદ્યાર્થી આગેવાનોની ધમાલ

Local | Rajkot | 20 April, 2024 | 04:22 PM
પોલીસ ફરિયાદ દાખલ કરવાની માંગણી સાથે કોંગ્રેસ-એબીવીપી તેમજ યુવા અધિકાર ન્યાય ચળવળ સંસ્થા દ્વારા કુલપતિ નીલામ્બરીબેન દવેને ઉગ્ર રજુઆત: ફરી પરીક્ષા લેવા માંગણી-સુત્રોચ્ચાર
સાંજ સમાચાર

રાજકોટ, તા.20

સૌરાષ્ટ્ર યુનિ.ની બીસીએ સેમે-4ની પરીક્ષાના ત્રણ પેપર લીક થયાનો આક્ષેપ થતાં ઉચ્ચ શિક્ષણ જગતમાં ખળભળાટ સાથે સનસનાટી મચી જવા પામી છે. આ મામલે તત્કાલ પોલીસ ફરિયાદ દાખલ કરવાની માંગણી સાથે કોંગ્રેસ, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (એબીવીપી) તેમજ યુવા ન્યાય અધિકાર ચળવળ સંસ્થાના આગેવાનો આજે યુનિ. ખાતે દોડી જઇ કાર્યકારી કુલપતિ નીલામ્બરીબેન દવેને ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી.

વિદ્યાર્થી આગેવાનોની આ રજુઆત દરમ્યાન સુત્રોચ્ચાર કરી યુનિ. બિલ્ડીંગનું પરિસર ગજાવી દેવામાં આવ્યું હતું. જો કે આ ઘટનાના પગલે કાર્યકારી કુલપતિ ડો. નીલામ્બરીબેન દવે દ્વારા તટસ્થ તપાસ કરી પગલા લેવાની ખાત્રી આપવામાં આવી હતી.

આ અંગે યુવા અધિકારી ન્યાય ચળવળના યુવરાજસિંહએ ‘સાંજ સમાચાર’ની લીધેલી મુલાકાત દરમ્યાન જણાવ્યું હતું કે સેમે-4ની પરીક્ષાના તા.16ને લેવાયેલ પોગ્રામીંગ વિથ-સી તેમજ તા.18ના લેવાયેલ વેબ સરચીંગ ટેકનોલોજી એન્ડ ઓપટીંગ્ઝ તેમજ તા.19ના લેવાયેલ ઓપરેટીંગ સીસ્ટમ ક્ધસેપ્ટનું પેપર પરીક્ષા પૂર્વે જ લીક થઇ વોટ્સએપ ઉપર વાયરલ થઇ ગયા હતા.
સોશ્યલ મીડિયામાં આ પેપરના પ્રશ્ર્નો પરીક્ષાના એક કલાક પૂર્વે વાયરલ કરાયા હતા. આ બાબતે ક્રોસ વેરીફીકેશન કરાતા આ ત્રણેય પેપર લીક થયાની ઘટના તેઓના મતે  સાચી ઠરી છે. યુનિ.ની આ પરીક્ષામાં ત્રણ-ત્રણ પેપરો લીક થતાં તેજસ્વી વિદ્યાર્થીઓને અન્યાય થયો છે. 

આ પ્રકરણમાં જે કોલેજમાંથી આ પેપર લીક થયા હોય તેનું જોડાણ તત્કાલીક રદ કરવામાં આવે તેમજ આ મામલે પોલીસ ફરિયાદ દાખલ કરી જે પેપરો લીક થયા છે તેની ફરીથી પરીક્ષા લેવામાં આવે તેવી તેઓએ માંગણી ઉઠાવી હતી. 

જ્યારે કોંગ્રેસના પ્રવકતા રોહિતસિંહ રાજપૂત દ્વારા પણ આ પ્રકરણમાં જવાબદારો સામે તત્કાલ કડક કાર્યવાહી કરી પોલીસ ફરિયાદ દાખલ કરવાની માંગણી કરી છે. તેઓએ આ બાબતે સાયબર ક્રાઇમમાં ફરિયાદ દાખલ કરી પારદર્શકતાથી  તપાસ કરવા રજૂઆત કરી છે.

►તટસ્થ તપાસ કરાશે, જરૂર પડે પોલીસ ફરિયાદ સુધીના પગલા: કુલપતિ

બીસીએ સેમે-4ની પરીક્ષામાં ત્રણ પેપરો લીક થયાની ઉઠેલી  ફરિયાદના મામલે યુનિ.ના કાર્યકારી કુલપતિ નીલામ્બરીબેન દવેએ ‘સાંજ સમાચાર’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ અંગે વિદ્યાર્થી આગેવાનો દ્વારા તેઓને ફરિયાદો મળી છે. 

આ મામલે ગંભીરતા દાખવી તેઓએ તપાસ પણ શરુ કરાવી દીધી છે. તટસ્થ તપાસ દરમ્યાન જો કોઇ કસૂરવાન સાબિત થશે તો તેની સામે કાયદાકીય પગલા લેવામાં આવશે તેમજ પોલીસ ફરિયાદ સુધીની પણ કાર્યવાહી કરાશે. 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj