સગીરના કેસમાં સુપ્રીમકોર્ટનું અપવાદરૂપ આકરૂ વલણ: જામીન નકાર્યા

India | 22 May, 2024 | 02:44 PM
14 વર્ષીય સાથી વિદ્યાર્થીનીના વાંધાજનક વિડીયો વાયરલ કરી દેતા 14 વર્ષીય સગીરાએ આપઘાત કર્યો હતો: ખરાબ સંગતમાં રહેલા સગીરને કડક શિસ્તમાં રાખવાની જરૂર દર્શાવીને હાઈકોર્ટે જામીન આપવાનો ઈન્કાર કર્યો હતો: સર્વોચ્ચ અદાલતે પણ દરમ્યાનગીરી કરવાનું નકાર્યુ
સાંજ સમાચાર

નવી દિલ્હી,તા.22
કાયદાનો ભંગ કરતા સગીર બાળકના ગુન્હા ગમે તેવા ગંભીર હોય તો પણ જામીન આપવાની પરંપરા છતા સર્વોચ્ચ અદાલતે એક અપવાદરૂપ કિસ્સામાં ઉતરાખંડના સગીર વિદ્યાર્થીની જામીન અરજી નકારી દીધી હતી અને ગંભીર ટિપ્પણી કરી હતી. ઉતરાખંડમાં 14 વર્ષીય સાથી વિદ્યાર્થીનીના વાંધાજનક-અભદ્ર ફોટા વાયરલ થતા વિદ્યાર્થીનીએ આપઘાત કરી લીધો હતો. આ કિસ્સામાં પકડાયેલા સગીરની જામીન અરજી સુપ્રીમકોર્ટે ફગાવી દીધી હતી.

આ સમગ્ર ચોંકાવનારો કિસ્સો ગત વર્ષનો ઓકટોબરનો છે. 22 ઓકટોબરે 14 વર્ષીય વિદ્યાર્થીની લાપતા બની હતી અને બાદમાં તેનો મૃતદેહ મળી આવેલ હતો. સગીરાના પિતાએ એવી ફરિયાદ નોંધાવી હતી કે સાથી વિદ્યાર્થીએ તેના વાંધાજનક ફોટા અને વિડીયો ઉતારીને અન્ય વિદ્યાર્થીઓમાં વાયરલ કરી દીધા હતા. આબરૂ જવાની બીકે પોતાની પુત્રીએ આપઘાત કરી લીધો હતો.

આ કેસમાં ગત 10મી જાન્યુ.એ જુવેનાઈલ જસ્ટીસ બોર્ડે સગીર વિદ્યાર્થીની જામીન અરજી ફગાવી દીધી હતી. આ સગીર સામે પોલીસે કલમ 305 અને 509 હેઠળ કેસ દાખલ કર્યો હતો. ઉપરાંત પોકસો ધારાની કલમ 13 અને 14 હેઠળ પણ ગુન્હો દાખલ કર્યો હતો. જુવેનાઈલ બોર્ડે જામીન ફગાવતા વિદ્યાર્થીના પરિવારે ઉતરાખંડમાં જામીન અરજી કરી હતી.

પરંતુ હાઈકોર્ટે પણ જામીન અરજી નકારી કાઢી હતી અને ચુકાદામાં એમ જણાવ્યું હતું કે કાયદો ભંગ કરતા બાળકે ગમે તેવો ગંભીર ગુન્હો કર્યો હોય તો પણ તે જામીનપાત્ર હોય છે. પરંતુ નામચીન ગુન્હાખોરો સાથે મળીને ફરી વખત કાયદો ભંગ કરી શકે અથવા નૈતિક, શારીરિક કે માનસીક જોખમ સર્જી શકે કે પછી ન્યાયનો પરાજય થવાનો હોય તેવી સ્થિતિમાં જામીન નકારી શકાતા હોય છે.

હાઈકોર્ટે એવું પણ નોંધ્યું હતું કે. ખરાબ સંગતે ચડી ગયેલા સગીર વિદ્યાર્થીને કડક શિસ્તમાં રાખવાની જરૂર છે તેને છોડવામાં આવે તો વધુ અનિચ્છનીય બનાવનું જોખમ ઉભુ થઈ શકે છે. સામાજીક તપાસ રિપોર્ટ તબીબી રિપોર્ટ, સ્કુલના રિપોર્ટ તપાસ્યા બાદ તેવું ફલિત થાય છે કે સગીરને જામીન ન આપવાનું જ તેના હિતમાં છે તેને જામીન પર છોડવામાં આવે તો ન્યાયનો પરાજય થઈ શકે છે.

હાઈકોર્ટે પણ જામીન નકારતા સગીરના પરિવારે સર્વોચ્ચ અદાલતના દ્વાર ખખડાવ્યા હતા અને તેવી બાંહેધરી આપી હતી કે બાળકની અસરકારક સંભાળ રાખવામાં આવશે જેને બાળસુધાર ગૃહમાં રાખવામાં ન આવે અને માતાને સોંપવામાં આવે પરંતુ સુપ્રીમકોર્ટે પણ અરજી ફગાવી દીધી હતી.

જસ્ટીસ બેલા ત્રિવેદી અને પંકજ મિતલે ચુકાદામાં કહ્યું કે, હાઈકોર્ટના ચુકાદાનો પુરતો અભ્યાસ કરવામાં આવ્યો છે અને સગીરને જામીન ન આપવાનો નિર્ણય એકદમ યોગ્ય છે. હાઈકોર્ટના ચુકાદામાં દરમ્યાનગીરી કરવાની જરૂર નથી.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj