UAE માં મંદિર બન્ને દેશોના સાંસ્કૃતિક સંબંધોનું પ્રતીક: મોદી

India, World, Dharmik | 14 February, 2024 | 09:50 AM
બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના ઉદઘાટન પ્રસંગે યુએઈ પહોંચેલા વડાપ્રધાન મોદીએ યુએઈમાં મંદિર માટે જમીન આપવા બદલ રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહયાનનો આભાર માન્યો અને દ્વિપક્ષીય મંત્રણા કરી: બન્ને નેતાઓએ યુએઈમાં યુપીઆઈ રૂપે કાર્ડ સેવા પણ શરૂ કરી: યુએઈમાં મંદિરમાં દરેક ખૂણામાં ભારતના અંશ, પાયામાં લાગ્યા 100થી વધુ સેન્સર
સાંજ સમાચાર

અબુધાબી (યુએઈ) તા.14

પીએમ મોદી પોતાના બે દિવસીય યુએઈ પ્રવાસના પહેલા દિવસે રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહ્યાનની સાથે દ્વિપક્ષીય વાતચીત કરી હતી. તેમણે અબુધાબીમાં બીએપીએસ (બોચાસણવાસી અક્ષર પુરુષોતમ સ્વામીનારાયણ) મંદિર બનાવવા જમીન આપવા અને પોતાનું ભવ્ય સ્વાગત કરવા બદલ રાષ્ટ્રપતિ અલ નાહ્યાનનો આભાર માન્યો હતો.બન્ને દેશોએ મંદિરને પોતાના ગાઢ સાંસ્કૃતિક સંબંધોનું પ્રતીક બનાવ્યું હતું.

બન્ને પક્ષો વચ્ચે બંદરગાહ નિર્માણથી લઈને એનર્જી ક્ષેત્રમાં અનેક કરાર પણ થયા. ફાયનાન્સીયલ ઈન્ફ્રાસ્ટ્રકચર પર વધુ ફોકસ રહ્યું હતું. બન્ને નેતાઓએ અબુધાબીમાં યુપીઆઈ રૂપે કાર્ડ સેવા પણ શરૂ કરી હતી. પીએમ મોદીએ કહ્યું હતું કે રૂપે અને યુએઈના જેએવાયડબલ્યુએન કાર્ડ પર સમજૂતી થવાની સાથે એક નવા ફિનટેક યુગની શરૂઆત થઈ રહી છે. મોદીની આ 7મી યુએઈ યાત્રા છે. 14મી ફેબ્રુઆરીએ આ પ્રવાસ પુરો કરીને તે કતર પણ જશે અને અનેક દ્વિપક્ષીય સંવાદમાં ભાગ લેશે.

યુએઈએ દાનમાં આપી જમીન: વડાપ્રધાન મોદી 2015માં યુએઈ ગયા ત્યારે અબુધાબીના શેખ ક્રાઉન પ્રિન્સ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નહાયને મંદિર માટે 13.5 એકર ભૂમિ દાનમાં આપી હતી. વડાપ્રધાન મોદીએ વર્ષ 2017માં મંદિરનું ભૂમિપૂજન કર્યું હતું.

મંદિરમાં અદભૂત કોતરણી: મંદિરમાં રાજસ્થાનના લાલ પથ્થર અને ઈટાલિયન માર્બલ પર ભારતીય કારીગરોની કલાકૃતિઓ બની છે. મંદિરમાં આ કલાકૃતિઓ વાળા પથ્થરોને લગાવવાનું કામ યુએઈના શ્રમિકોએ કર્યું છે.

દરેક ખૂણામાં ભારતના એશ: બીએપીએસ માટે આંતરરાષ્ટ્રીય સંબંધના પ્રમુખ સ્વામી બ્રહ્મ વિહારીદાસે જણાવ્યું હતું કે મંદિરમાં પ્રાર્થના સભાગાર, કાફેટેરિયા ફર્નીચર પથ્થરોને લાવવામાં ઉપયોગ થયેલ બોકસ અને ક્ધટેનર લાકડામાંથી બનેલ છે. મંદિરના ખૂણે ખૂણામાં ભારતના અંશ છે.

પાયામાં લાગ્યા સેન્સર: મંદિરના પાયામાં 100થી વધુ સેન્સર લાગ્યા છે. આ સિવાય અલગ અલગ ભાગોની દીવાલોમાં પણ સેન્સર લગાવાયા છે. સેન્સરનો મુખ્ય ઉદેશ આપતિ અને ભૂકંપ સાથે જોડાયેલ ગતિવિધિનો પતો મેળવવાનો છે.

ભારત અને યુએઈ રોકાણ-વ્યાપાર પર ભાગીદારી મજબૂત કરવા સહમત

અબુધાબી: ભારત અને સંયુક્ત અરબ અમીરાત (યુએઈ) એ દ્વિપક્ષીય રોકાણ સંધી પર હસ્તાક્ષર કર્યા છે. ભારતીય વિદેશ મંત્રાલય અનુસાર બન્ને દેશોના રાષ્ટ્રાધ્યક્ષોએ બેઠકમાં વેપાર, રોકાણ, ફિનટેક, ડિઝીટલ ઈન્ફ્રાસ્ટ્રકચર, ઉર્જા અને સાંસ્કૃતિક ક્ષેત્ર ભાગીદારીને મજબૂત બનાવવા સહમતી સાધી છે.

દ્વિપક્ષીય રોકાણ સંધી અંતર્ગત બન્ને દેશોના રોકાણકાર અને કંપનીઓ એકબીજાના દેશમાં રોકાણ કરી શકે છે. આ નિર્ણયથી અર્થવ્યવસ્થાને ગતિ મળવાની સાથે રોજગારને પ્રોત્સાહન મળશે.

મોદીએ વર્ણવી પ્રિન્સ નાહયાનની દિલદારીની દાસ્તાન
મને ક્રાઉન પ્રિન્સ નાહયાને કહેલુ:જે જમીન પર રેખા ખેંચી દેશો, હું આપી દઈશ:મોદી

અબુધાબી: અબુધાબીમાં ભારતીય મૂળના લોકોને સંબોધનમાં યુએઈનાં ક્રાઉન પ્રિન્સ નાહયાન સાથેનો રસપ્રદ કિસ્સો વર્ણવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે જયારે વર્ષ 2015 માં મેં યુએઈનાં ક્રાઉન પ્રિન્સ નાહયાન સમક્ષ આપ સૌના તરફથી અહી અબુધાબીમાં મંદિરનો પ્રસ્તાવ રાખ્યો તો તેમણે એક પળનો પણ વિલંબ કર્યા વિના હા કહી દીધી હતી. તેમણે તો ત્યાં સુધી કહી દીધુ હતું કે જે જમીન પર આપ રેખા દોરી દેશો, હું આપને આપી દઈશ. હવે આ ભવ્ય મંદિરનો લોકાર્પણનો સમય આવી ગયો છે. બન્ને દેશો વચ્ચે પ્રાચીન સમુદાય અને સાંસ્કૃતિક સંબંધોને રેખાંકિત કરીને મોદી કેટલી અરબી ભાષામાં પંકિત બોલ્યા હતા.

વડાપ્રધાન મોદીનું અબુધાબીમાં ભવ્ય સ્વાગત: મોદી મોદીના નારા લાગ્યા

 

વડાપ્રધાન મોદી યુએઈ ખાતે હિન્દૂ મંદિરના ઉદઘાટન માટે આવી પહોંચ્યા ત્યારે અબુધાબીમાં ભવ્ય સ્વાગત-ગ્રાન્ડ વેલકમ થયુ હતું. મોદી અને યુએઈનાં રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહયાન એકબીજાને ભેટી પડયા હતા. અબુધાબીમાં ભારતીય સમુદાય તરફથી મોદીને જબરો આવકાર મળ્યો હતો અને મોદી મોદીના નારા લાગ્યા હતા. દુબઈના બૂર્જ ખલીફા પર ગેસ્ટ ઓફ ઓનર ઈન્ડિયા, ત્રિરંગાની થીમ પર ટાવર ઝળહળી ઉઠયો હતો.

 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj