દ્વારકામાં સમગ્ર સરકારી તંત્ર સજ્જ: રવિવારે વડાપ્રધાનના આગમનનો સૌને ઇંતેજાર

Saurashtra, Dharmik | Jamnagar | 23 February, 2024 | 12:50 PM
બેટદ્વારકા, ઓખા, જગત મંદિર, સીગ્નેચર બ્રીજ સહિતના સ્થળોએ અને સભા સ્થળે ધમધમાટ: અગ્ર સચિવની સતત બેઠકો: 9 એસપી, 25 ડીવાયએસપી સહિતનો કાફલો ખડકાયો
સાંજ સમાચાર

(કુંજન રાડીયા)
જામ ખંભાળિયા, તા.23
આગામી રવિવાર તારીખ 25 મીના રોજ દેવભૂમિ દ્વારકામાં બેટ દ્વારકા ખાતે નિર્માણ પામેલા સિગ્નેચર બ્રિજના લોકાર્પણ પ્રસંગે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું આગમન થઈ રહ્યું છે. જેને અનુલક્ષીને યોજાયેલા વિવિધ કાર્યક્રમો તેમજ સુરક્ષા  વ્યવસ્થા સુદ્રઢ બની રહે તે માટે જિલ્લાનું વહીવટી તંત્ર સંપૂર્ણપણે સજ્જ થઈ ગયું છે. પોલીસ તંત્ર દ્વારા તમામ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા સુચારૂ બની રહે તે માટે એક્શન પ્લાન ઘડવામાં આવ્યો છે.

દેવભૂમિ દ્વારકામાં વહીવટી તંત્ર દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી નિયમિત રીતે અધિકારીઓ, આગેવાનો સાથે બેઠકનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. અહીં અગ્ર સચિવ હારીત શુક્લા તથા પ્રભારી એમ.એ. પંડ્યા દ્વારા ખાસ બેઠક યોજાઇ હતી. દ્વારકામાં વડાપ્રધાનની મુલાકાતના તમામ સ્થળો સિગ્નેચર બ્રિજ, એન.ડી.એચ. ગ્રાઉન્ડનું સભા સ્થળ, દ્વારકાધીશ મંદિર, બેટ દ્વારકા મંદિર, સહિતના સ્થળોએ મજબૂત પોલીસ બંદોબસ્ત સહિતની વ્યવસ્થાઓ તેમજ સાથે સાથે આયોજનના ડેમો પણ કરવામાં આવ્યા છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેક્ટર જી.ટી. પંડ્યા અધિક નિવાસી કલેકટર ભુપેશ જોટાણિયા, જિલ્લા વિકાસ અધિકારી એસ.ડી. ધાનાણી, દ્વારકાના પ્રાંત અધિકારી એચ.ડી. ભગોરા, અહીંના પ્રાંત અધિકારી કે.કે. કરમટા તથા અન્ય જિલ્લાઓમાંથી અત્રે મુકાયેલા પાંચ જેટલા અધિક નિવાસી કલેકટરો, પાંચ ડેપ્યુટી કલેક્ટર તથા પાંચ મામલતદાર દ્વારા સઘન કામગીરી કરવામાં આવી રહી છે.

જુદી જુદી ટુકડીઓ ફરજ પર
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઘણા લાંબા સમય બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આગમન થઈ રહ્યું છે. ત્યારે તેમના આગમનના સંદર્ભમાં ચુસ્ત બંદોબસ્ત અને સુરક્ષા વ્યવસ્થા સાથેનું આયોજન કરવામાં આવી રહ્યું છે. રાજકોટ રેન્જ આઈ.જી. અશોકકુમાર યાદવના માર્ગદર્શન હેઠળ દ્વારકા, બેટ દ્વારકા, ઓખા, જગત મંદિર, બેટ દ્વારકાનું મંદિર, સિગ્નેચર બ્રિજ, વિગેરે તમામ સ્થળોની નિયમિત મુલાકાત સાથે સભાના સ્થળની સુરક્ષા અંગે પણ આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

રાજ્યના અન્ય જિલ્લાઓમાંથી નવ જેટલા એસ.પી, તેમજ 25 ડી.વાય.એસ.પી., 60 પી.આઈ., 70 પી.એસ.આઈ. તેમજ 1500 જેટલા પોલીસ કોન્સ્ટેબલ અને જી.આર.ડી. હોમગાર્ડઝના જવાનોનો મજબૂત બંદોબસ્ત ગોઠવાયો છે. જે આવતીકાલે શનિવારથી જ અહીં આવી જશે.

બેટ દ્વારકામાં ખાસ વ્યવસ્થા
જે સ્થળે સિગ્નેચર બ્રિજનું નિર્માણ થયું છે, તે બેટ દ્વારકાના સમગ્ર વિસ્તારમાં શરૂઆતથી અંત સુધી પુલના ઉદ્ઘાટન વખતે તથા આખા દિવસમાં વડાપ્રધાનની મુલાકાત સંદર્ભે સધન બોટ પેટ્રોલિંગ સાથે આ તમામ સ્થળોએ પોલીસ સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સાથે સાથે બેટ દ્વારકા ખાતે વડાપ્રધાન મંદિરના દર્શનાર્થે પણ જનાર હોય, બેટના જુદા જુદા સ્થળોએ ઘરની અગાસીઓ પર દૂરબીન સાથે પોલીસની ચાંપતી નજર રહેશે.

આ દિવસોમાં લોકોને તેમના ઘરની અગાસી પર ન આવવા તથા બેટ દ્વારકામાં લોકોના ઘરે દરરોજ આવતા મહેમાનોની યાદી પણ પોલીસ દ્વારા દરરોજ મંગાવીને ચેક કરવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

આ સમગ્ર આયોજન દરમિયાન રાજ્ય પોલીસ વડા શ્રી વિકાસ સહાય પણ અહીં આવનાર હોવાનું જાણવા મળ્યું છે. અહીંની સુરક્ષા વ્યવસ્થા માટે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય, એ.એસ.પી. રાઘવ જૈન, ડી.વાય.એસ.પી. હાર્દિક પ્રજાપતિ, સમીર સારડા, દ્વારકાના પી.આઈ. ટી.સી. પટેલ સહિતના અધિકારીઓ, સ્થાનિક પોલીસ કર્મીઓ દ્વારા આ વ્યવસ્થા હાથ ધરવામાં આવી છે.

વડાપ્રધાનના આગમન પૂર્વે દ્વારકામાં ગોમતી ઘાટ ખાતે વોટર પ્રોજેકશન લાઈટ એન્ડ સાઉન્ડ શો યોજાયો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી રવિવારે દેવભૂમિ દ્વારકામાં આવનાર છે. ત્યારે દ્વારકા નગરીમાં વડાપ્રધાને આવકારવા અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. આજરોજ ગોમતી ઘાટ ખાતે વોટર પ્રોજેકશન લાઈટ એન્ડ સાઉન્ડ શો યોજવામાં આવ્યો હતો. ગોમતી ઘાટ ખાતે સમગ્ર વાતાવરણ કૃષ્ણમય બની ગયું હતું. રાજ્ય સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર હસ્તકની યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર દ્વારા આયોજિત તથા જિલ્લા યુવા અને દેવભૂમિ દ્વારકા સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, તેમજ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા દ્વારકાના ગોમતી ઘાટ ખાતે વોટર પ્રોજેકશન લાઈટ એન્ડ સાઉન્ડ શો યોજવામાં આવ્યો હતો. જેને પ્રવાસીઓ, શ્રદ્ધાળુઓ નિહાળી અભિભૂત થયા હતા. 

દ્વારકાનો સિગ્નેચર બ્રિજ ‘સુદર્શન સેતુ’ તરીકે પણ ઓળખાશે
વિદેશી નામના બદલે હવે જગ્યાને અનુરૂપ નામ મળ્યું
જામ ખંભાળિયા, તા. 23

દેવભૂમિ દ્વારકાના બેટ દ્વારકા ખાતે આગામી રવિવારે આશરે રૂપિયા 965 કરોડના ખર્ચે નિર્માણ પામેલા ઐતિહાસિક એવા સિગ્નેચર બ્રિજનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ થનાર છે. ત્યારે આ સિગ્નેચર નામ એ એક સુવિખ્યાત વિદેશી દારૂની બ્રાન્ડ હોય અને આ ઐતિહાસિક પુલ ભગવાન શ્રી કૃષ્ણની સ્મૃતિમાં બનાવવામાં આવ્યો હોવાથી આ પુલનું નામ બદલવા માટે તેમજ કોઈ ઐતિહાસિક નામ રાખવા માટે વારંવાર રજૂઆતો અને માંગણીઓ પણ થઈ હતી.

જેના અનુસંધાને આ પુલનું નામ ‘સુદર્શન સેતુ’ રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે. સિગ્નેચર બ્રિજનું નામ સુદર્શન સેતુ કરાયું છે. ભગવાન વિષ્ણુ એટલે કે શ્રીકૃષ્ણના જે હાથમાં રાખવાના જુદા જુદા વસ્તુઓ છે, તેમાં શંખ, ચક્ર, ગદા અને પદ્મા પ્રખ્યાત છે અને શ્રીકૃષ્ણનું સુદર્શન ચક્ર એ ખૂબ જ પ્રસિદ્ધ હોય અને આ શ્રીકૃષ્ણની યાદ તાજી થાય, તે યાદ સાથે સંકળાયેલો આ પુલ હોવા સાથે આ બ્રિજ પર શ્રી કૃષ્ણની સ્મૃતિઓ, મોરપીંછ અને શ્રીકૃષ્ણના ચિત્રો પણ આકારવામાં આવ્યા છે.

ત્યારે શ્રીકૃષ્ણનો નજીકની ચિન્હ, જેમની આસપાસ સદાય બિરાજમાન છે, એવા સુદર્શન નામ ઉપરથી સુદર્શન સેતુ નામ નક્કી થયું છે. જેને ખૂબ જ સાર્થક ગણવામાં આવે છે. કૃષ્ણ ભક્તો સહિતના લોકોએ આ નવા નામને સોશિયલ મીડિયામાં આવકાર્યું છે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj