બે તબક્કે બહાર પડેલી યાદીમાં 22 ઉમેદવારો જાહેર કરાયા: 10 સીટીંગ સાંસદોને કાપ્યા

ભાજપની 12 કલાકની નોટીસથી લેવાયેલી ઇન્સ્ટન્ટ સેન્સ સમયે જ કચવાટ વ્યકત થયો હતો

Gujarat, Politics, Lok Sabha Election 2024 | Vadodara | 23 March, 2024 | 05:02 PM
વડાપ્રધાનની ગુજરાત મુલાકાત પુરી થતાં રાત્રે નીરીક્ષકોને ફોન કરીને મત વિસ્તારમાં પહોંચી જવા જણાવાયું: સ્થાનિક સ્તરે પણ મર્યાદિત અપેક્ષીતોની સેન્સ લેવાઇ: પાર્લીયામેન્ટ્રી બોર્ડને કલાકોમાં જ રીપોર્ટ સોંપી દેવાયો હતો
સાંજ સમાચાર

રાજકોટ, તા.23
ગુજરાતમાં ભારતીય જનતા પક્ષે લોકસભા ચૂંટણી માટે વહેલા ઉમેદવારો જાહેર કરવાની પ્રક્રિયાએ ઇન્સ્ટન્ટ સેન્સ લીધી અનેક બેઠકો ઉપર પક્ષે આશ્ર્ચર્ય સર્જતા નિર્ણયો લીધા તેમાં હવે વડોદરા અને સાબરકાંઠામાં ઉમેદવારોએ ખુદે ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી તેનાથી પ્રથમ વખત ભાજપને તેના સત્તાવાર ઉમેદવાર જાહેર કર્યા બાદ નવા ચહેરાને પસંદ કરવાની ફરજ પડે તેવા સંકેત છે.

વડોદરામાં રંજનબેન ભટ્ટ સામે પ્રારંભિકથી જ વિરોધ થયો હતો અને પૂર્વ મેયર ડો. જયોતિબેન પંડ્યાએ ખુલ્લો વિરોધ કર્યો હતો અને બાદમાં સાવલીના ધારાસભ્ય કેતનભાઇ ઇનામદારે પણ આડકતરી રીતે રંજનબેનની પસંદગી સામે વિરોધ કરીને મોવડી મંડળને ચોંકાવ્યું હતું.

તો તેમના વિરોધના પોસ્ટર પણ લાગ્યા હતા. જો કે બાદમાં ભાજપે આ પોસ્ટર કાંડ માટે કોંગ્રેસના નેતાઓને જવાબદાર ગણાવીને ભાજપમાં ઓલ-વેલ હોવાનો સંકેત આપવા પ્રયત્ન કર્યો પણ જે રીતે વડોદરામાં વાતાવરણ બનતું જતું હતું તેથી રંજનબેન ભટ્ટ માટે ફરી ચૂટાવવાનું પણ મુશ્કેલ લાગતા જ તેઓને ખસી જવા માટે જણાવાયું હોય તેવું માનવામાં આવે છે.

આ જ રીતે સાબરકાંઠામાં પણ પક્ષે પસંદ કરેલા ભીખાજી ઠાકોરની સરનેમ અંગે વિવાદ થયો હતો. તેઓ ડામોર સમુદાયના છે અને એફીડેવી કરી ઠાકોર અટક અપનાવી હોવાનું બહાર આવ્યું હતું. જો કે ભીખાજી ઠાકોરે પોતે 2018માં એફીડેવી કરીને અટક બદલી હોવાનું જણાવ્યું હતું. પરંતુ મહત્વની બાબત એ છે કે અહીંના ડામોર સમુદાયમાં તેઓ કેટલા સ્વીકાર્ય બનશે તે પ્રશ્ર્ન છે. અને તેથી તેઓને પણ ઉમેદવારી નહીં કરવા માટે સલાહ અપાઇ હોય તેવી જાહેરાત કરવામાં આવી હોવાનું માનવામાં આવે છે.

ગુજરાતમાં ભાજપે લોકસભા ચૂંટણી માટે સેન્સની પ્રક્રિયાને અત્યંત ટૂંકી કરી દીધી હતી ખાસ કરીને 12 કલાકમાં જ સેન્સ લેવાનુ નક્કી કરીને રાતોરાત નિરીક્ષકોને મોકલીને મર્યાદીત લોકો જ સેન્સ આપે તેવી ગોઠવણ કરી હતી અને 24 કલાકમાં જ તેનો રીપોર્ટ પાર્લીયામેન્ટ્રીને સુપ્રત કરી દેવામાં આવ્યો હતો અને તેના પગલે દિલ્હીમાં પ્રથમ 15 ઉમેદવારોની જાહેરાત કરાઇ બાદમાં વધુ 7 ઉમેદવારો પસંદ થયા આમ 22માં ભાજપે 10 સીટીંગ સાંસદોને કાપ્યા હતા અને તેમાં પક્ષ દ્વારા જે રીતે ઉમેદવારો પસંદ કરાયા તેમાં સ્થાનિક સ્તરે ભાગ્યે જ કોઇ અવાજ હતો તેવું પક્ષના સુત્રોએ જણાવ્યું હતું અને તેના કારણે ગુજરાત ભાજપમાં આ પ્રકારનો વિવાદ સર્જાયો છે.

        વડોદરાના વિકાસ અંગે ખુદ સીએમ અને પાટીલે પણ ટકોર કરી હતી
► રંજનબેન ભટ્ટે પોતાના મતવિસ્તારનો નહીપણ પોતાનો વિકાસ કર્યો હોવાના આક્ષેપો થયા હતા
ઓસ્ટ્રેલિયામાં મોલ બનાવી રહ્યાની હોવાની પણ ચર્ચા હતા: કેતનભાઇ ઇનામદારે પણ ‘વિકાસ’ અંગે ફરિયાદ કરી હતી

વડોદરા લોકસભા બેઠક માટે પસંદ થયેલા ભાજપના સીટીંગ સાંસદ રંજનબેન ભટ્ટે પોતે ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી તેમાં મોવડી મંડળનું કોઇ દબાણ હોવાનું ઇન્કાર કરતા કહ્યું કે મેં જ આ નિર્ણય લીધો છે. જે રીતે વડોદરાની બદનામી થઇ રહી હતી તેના કારણે મેં ખસી જવા નિર્ણય લીધો છે.

પક્ષ દ્વારા હવે જે કોઇ ઉમેદવાર પસંદ કરાશે તેને વિજેતા બનાવવા માટે હું તમામ તાકાતથી કામ કરીશ. સુત્રોના જણાવ્યા મુજબ રંજનબેન ભટ્ટ સામે પક્ષમાં આંતરીક વિખવાદ બહાર આવ્યો તેમાં એક સમયે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે જે વિધાનો કર્યા હતા તેને પણ રંજબેનના વિરોધીઓ ચગાવી રહ્યા હતા. વડોદરાની મુલાકાત દરમ્યાન આ બંને મહાનુભાવોએ સુરત અને અમદાવાદની તુલનામાં વડોદરા વિકાસની બાબતમાં પાછળ રહી ગયું હોવાની ટકોર કરી હતી.

તો બીજી તરફ રંજનબેન સામે અંગત આક્ષેપો પણ થયા હતા. તેઓએ વડોદરા નહીં પોતાનો વિકાસ કર્યો હોવાની ચર્ચા જાગી હતી. ખાસ કરીને તેઓ ઓસ્ટ્રેલિયામાં પણ મોલ બનાવી રહ્યા હોવાના આક્ષેપો થયા હતા અને તેમની સામે પોસ્ટર પણ મુકાયા હતાં. વડોદરા શહેર ભાજપે તેમા બચાવનો પણ પ્રયત્ન કર્યો પણ જે રીતે સાવલીના ધારાસભ્ય કેતનભાઇ ઇનામદારે પણ પોતાનો આક્રોશ  વ્યકત કર્યો પણ તેમાં પણ ‘વિકાસ’ની ફરિયાદ કરી હતી અને અંતે પાઘડીનો વળ છેડે આવ્યો હતો.

     મારા દિકરાને ઓસ્ટ્રેલિયામાં મોલ તો શું એક દુકાન પણ નથી: આક્ષેપ નકાર્યા
► વડોદરાની બદનામી મને સ્વીકાર્ય ન હતી: મોવડીઓનું દબાણ નથી: રંજનબેન
છેલ્લા દસ દિવસથી જે બની રહ્યું હતું તેનાથી દુ:ખ થયું: સવારે પૂજા કર્યા બાદ નિર્ણય લીધો: સાંસદ

રંજનબેન ભટ્ટે એક મુલાકાતમાં કહ્યું કે તેમના પર ઉમેદવારી પાછી ખેંચવા મોવડી મંડળનું દબાણ ન હતું પણ વડોદરાની જે રીતે બદનામી થઇ હતી તે મારા માટે સ્વીકાર્ય ન હતી અને તેથી જ મેં ચૂંટણી નહીં લડવા નિર્ણય લીધો છે. સુત્રોના જણાવ્યા મુજબ છેલ્લા બે ત્રણ દિવસમાં તેમના પ્રચારમાં ઓછી સંખ્યા એ ચર્ચાનું કારણ બન્યું હતું.

રંજનબેને તેમનો ઓસ્ટ્રેલિયામાં મોલ હોવાની થઇ રહેલી ચર્ચા પર કહ્યું કે મારો દિકરો ઓસ્ટ્રેલિયામાં રહે છે પણ મોલ તો શું પણ એક દુકાન પણ નથી. છેલ્લા દસ દિવસથી બની રહ્યું હતું તેનાથી મને અત્યંત દુ:ખ લાગ્યું છે આજે ભગવાનની પૂજા કર્યા બાદ મને લાગ્યું કે મારે ચૂંટણી લડવી જોઇએ નહીં. તેમણે કહ્યું કે મારા વિશે બોલનાર કોણ છે તેની મને ખબર છે.

હું 30 વર્ષથી રાજકારણમાં છું અને અનુભવી નેતા છું. મેં કદી પીછેહટ કરી નથી પરંતુ મને લાગે છે કે પક્ષ અને વડોદરાની બદનામી થવી જોઇએ નહી અને તેથી જ હું સાંસદ બન્યા વગર જ કામ કરી શકું છું. હજુ ગઇકાલ સુધી ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત હતા પરંતુ તેમની સાથે જોડાનાર નેતાઓમાં અનેક ચહેરાઓ ગાયબ થયા હતા તેથી તેઓને અંદાજ આવી ગયો હોવાનું ભાજપના સુત્રોએ કહ્યું હતું. 

 

 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj