સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં હાઈટેન્શન વિજલાઈન હવે ભૂગર્ભમાં ઉતારાશે : રૂા.25000 કરોડનો પ્રોજેકટ

Government, Gujarat, Saurashtra, Top News | Kutch | 11 December, 2023 | 10:48 AM
► કુદરતી આપતિઓ વખતે જંગી નુકશાન રોકવા મહત્વકાંક્ષી પ્રોજેકટ
સાંજ સમાચાર

► PGVCLનો રીપોર્ટ કેન્દ્રને સોંપાયો: તબકકાવાર કામગીરી થશે: રસ્તા-માર્ગો પર વાયર-થાંભલા જ નહીં રહે ગાંધીનગર: ગુજરાતના સામાજીક, આર્થિક અને ઔદ્યોગીક વિકાસમાં મહત્વનો ફાળો આપતાં વીજ પુરવઠાને પાવર સ્ટેશનથી નિયત સ્થળે પહોંચાડતી હાઈટેન્શન લાઈનોને હવે આકાશીને બદલે જમીનમાં પાથરવાની તૈયારી રાજયના ઉર્જા વિભાગે કરી છે. ખાસ કરીને કચ્છ-સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારોમાં વારંવાર આવતી કુદરતી આપતિમાં વીજપુરવઠા અને તેની માળખાકીય સુવિધાને થતું સૌથી વધુ નુકસાન હવે નિવારવાની જરૂરિયાતને ધ્યાનમાં રાખી રાજય સરકારે રૂા.25000 કરોડનો મહત્વાકાંક્ષી પ્રોજેકટ તૈયાર કરી કેન્દ્ર સરકારે મોકલ્યો છે. તાજેતરમાં ગુજરાત આવેલા કેન્દ્રીય ઉર્જામંત્રી આર.કે.સિંગે રાજયના ઉર્જામંત્રી કનુભાઈ દેસાઈ અને ઉર્જા અગ્રસચીવ મમતા વર્મા સાથે કેટલીક મહત્વની ચર્ચા કરી હતી. ચાલુ વર્ષે જૂન માસમાં જ કચ્છ ઉપર અત્યાર સુધીના સૌથી વિનાશક વાવાઝોડા બિપરજોયના કારણે પાવર સેકટરને સૌથી વધારે નુકશાન થયું હતું. અંદાજે 33 હજારથી વધારે થાંભલા પડી ગયા હતા અને દસ લાખથી વધુ ઘર, હોસ્પિટલ, ઔદ્યોગીક એકમોને ચારથી પાંચ દિવસ માટે વીજ પુરવઠો મળવામાં મુશ્કેલી પડી હતી. કચ્છ ઉપરાંત અરબી સમુદ્રના સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારોમાં પણ બિપરજોયના કારણે પારાવાર નુકસાન સહન કરવું પડયું હતું. આવું જ ત્રણ વર્ષ અગાઉ તાઉતે વાવાઝોડાથી સૌરાષ્ટ્રમાં પણ પાવર સેકટરને મોટો ફટકો પડયો હતો. બિપરજોય અને તાઉતે વાવાઝોડા પછી પાવર સેકટરને થતાં ગંભીર નુકસાનથી બચવા માટે હાઈ ટેન્શન પાવર લાઈનોને જમીનમાં પાથરવા અંગે વિચારણા ચાલી રહી હતી. ખાસ કરીને કેન્દ્રીય ગૃહમંત્રી અમીતભાઈ શાહે જૂન માસમાં અસરગ્રસ્ત કચ્છની મુલાકાત બાદ ઉચ્ચસ્તરીય બેઠકમાં આ પ્રસ્તાવ અંગે વિચારણા કરવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ઉચ્ચ અધિકારીઓને સૂચના આપી હતી. આને પગલે પશ્ચિમ ગુજરાત વીજ કંપની એ કચ્છ-સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારો માટે એક રિપોર્ટ તૈયાર કર્યો છે. તેમાં કહેવાયું છે કે, આ વિસ્તારમાંથી પસાર થતી 11 કેવીની લાઈનો અને એમાંથી છેક નગરો, ગામડાં સુધી પહોંચતી લાઈનોને આકાશી એટલે કે થાંભલાઓ પરથી લઈ જવાને બદલે જમીનમાં પાથરી દેવી જોઈએ. આ માટે વીજ વિતરણ માટેની લાઈનોને વાવાઝોડા અને વિનાશક પવનના મારથી બચાવવા માટે એક સર્વગ્રાહી માળખું ઉભું કરવું જોઈએ. તેમ કહી રિપોર્ટમાં કહેવાયું છે કે, પીજીવીસીએલની 11 કેવીની ઓવરહેડ લાઈનો તથા લાઈટ ટેન્શન (એલટી) લાઈનોથી સર્વિસ જોડાણ સુધીના નેટવર્કને અન્ડર ગ્રાઉન્ડ કરવાનું આયોજન છે. આ માટેનું પ્રારંભીક કામ શરુ કરી દેવાયું છે, તેમ સૂત્રોએ જણાવ્યું છે. રિપોર્ટમાં કહેવાયું છે કે, ખાસ કરીને અરબી સમુદ્રના કાંઠા વિસ્તારથી વીસ કી.મી.ના વિસ્તારમાં 11 કેવીની ઓવરહેડ લાઈનો તથા લાઈટ ટેન્શન (એલટી) લાઈનોથી સર્વિસ જોડાણ સુધીની લાઈનોને ભુગર્ભમાં પાથરી દેવાથી સાયકલોન અને વિનાશક પવનથી થતાં નુકસાન સામે રક્ષણ મળી શકે એમ છે. આ માટે કેન્દ્ર અને ગુજરાત સરકારની વિવિધ યોજનાઓ હેઠળ તબકકાવાર રીતે કામ કરી શકાય એમ છે. એક અંદાજ પ્રમાણ રૂા.25000 કરોડનો એક સર્વગ્રાહી પ્રોજેકટ રિપોર્ટ કેન્દ્ર સરકારને મોકલી અપાયો છે. ગુજરાતની જેમ ઓરિસ્સાએ પણ આવી જ એક દરખાસ્ત કેન્દ્ર સરકારને મોકલી છે, તેમ કેન્દ્રીય ઉર્જામંત્રી આર.કે.સિંગે જણાવ્યું હતું. પ્રિવાઈબ્રન્ટ સમીટના કાર્યક્રમમાં ગુજરાત આવેલા સિંગ સાથે ગુજરાતના અધિકારીઓએ આ મુદે કેટલીક પ્રાથમીક ચર્ચા કરી હતી. હાલ પીજીવીસીએલ સમગ્ર વીસ કીમી ત્રિજયામાં આવતી લાઈનોને રૂરલ ડીસ્ટ્રીબ્યુશન સીસ્ટમ સ્ટ્રેન્થનિંગ સ્કીમ સહિતની વિવિધ યોજનાઓ થકી તબકકાવાર રીતે અમલમાં મુકશે. આ કામગીરી પુરી થયા બાદ 50 કીમીની ત્રિજીયામાં આવતી લાઈનો માટેનો મહત્વાકાંક્ષી પ્રોજેકટ અમલમાં મુકવાની વિચારણા છે. ઘોરાડ પક્ષી અભ્યારણ્ય માટે સુપ્રીમ કોર્ટે સૂચના આપી છે કચ્છ-સૌરાષ્ટ્રમાં વર્ષ દરમિયાન જુદા જુદા યાયાવર પક્ષી આવતા હોય છે. વર્ષે દહાડે જુદી જુદી પ્રજાતિના લગભગ વીસથી ત્રીસ હજાર પક્ષીઓ જીવંત વીજ લાઈનોને અથડાવાથી મૃત્યુ પામે છે. અલબત, ગુજરાત કંપનીએ હાલ તો આવી લાઈનો પર રિફલેકટર્સ અને અન્ય પ્રોટેકટીવ વ્યવસ્થા ગોઠવી છે. કચ્છના જખૌ અબડાસાની આસપાસમાં ઘોરાડ એટલે કે કચ્છ ગ્રેટ ઈન્ડિયન બસ્ટાર્ડ પક્ષી અભ્યારણ્યની જાળવણી માટે સુપ્રીમ કોર્ટે થોડા સમય પહેલાં જ ગુજરાત સરકારને આદેશ કર્યો છે. થોડા સમય પુર્વે સુપ્રીમે વીજ રેષાઓને અભ્યારણ્ય પરથી દુર કરવા સૂચના આપી હતી.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj