શિવરાજપુર બીચ+બેટ દ્વારકા+પ્રાચીન દ્વારકા=હવે વિકાસની નવી ઉડાનની તૈયારી:આધુનિક સુદર્શન સેતુથી લઇને પ્રાચીન નગરી

દુનિયાએ નિહાળી નરેન્દ્રભાઈની ધાર્મિક દ્રઢતા અને દરિયાઈ ટુરિઝમની દીર્ઘદ્રષ્ટિની ઝાંખી

Gujarat, Saurashtra, Dharmik | Jamnagar | 26 February, 2024 | 12:30 PM
આધુનિક સુદર્શન સેતુથી લઇ પ્રાચીન નગરીનો સંગમ: દરિયાની ઊંડે રહેલ નગરીનો વિશ્ર્વને પરિચય કરાવતા નરેન્દ્રભાઇ: સૌથી લાંબા કેબલ બ્રીજથી દ્વારકા સમગ્ર દેશમાં ચર્ચાના કેન્દ્ર સ્થાનમાં
સાંજ સમાચાર

દ્વારકા, તા.26
દ્વારકા : ગરવી ગુજરાતના પશ્ર્ચિમ તટે આવેલી હિંદુ ગ્રંથો અને પુરાણોમાં ઉલ્લેખિત 7 પવિત્ર નગરીઓ અને 4 ધામોમાં સ્થાન પામેલી એકમાત્ર નગરી દ્વારકા આજે દેશભરમાં ચર્ચામાં છે. કારણ છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની કૃષ્ણ નગરીની મુલાકાત અને સાથે તેમની આગવી દીર્ઘદ્રષ્ટિનો સંયોગ. શનિવારે તેઓ જામનગર આવ્યા અને રવિવારે વહેલી સવારે દ્વારકા પહોંચ્યા, જ્યાં પ્રથમ બેટ દ્વારકામાં પ્રભુની આરાધના કરી અને ત્યારબાદ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ ‘સુદર્શન સેતુ’નું લોકાર્પણ કર્યું. 

આ લોકાર્પણ બાદ વડાપ્રધાન પહોંચ્યા પ્રાચીન અને ભવ્ય દ્વારકા નગરીના દર્શનાર્થે. સ્કૂબા ડાઈવિંગ થકી તેઓ દરિયામાં કેટલાય ફૂટ ઊંડે ગયા, જ્યાં પ્રાચીન દ્વારકા નગરી સ્થિત છે. તેમણે ત્યાં પૂજા કરી અને ભગવાન શ્રીકૃષ્ણને પ્રિય મોરપીંછ અર્પણ કર્યાં. સાથોસાથ સમગ્ર ભારતવર્ષના કલ્યાણની પ્રાર્થના પણ કરી. 74 વર્ષની વયે તેમની સ્ફૂર્તિ એક 24 વર્ષના યુવાનને પણ શરમાવે તેવી હતી.

પ્રાચીન દ્વારકા નગરી વિશે જાણો : 
હાલ આપણે જેને દ્વારકા કહીએ છીએ તે અર્વાચીન નગરી છે. પ્રાચીન નગરી આનાથી પણ અનેકગણી ભવ્ય અને દિવ્ય હતી. તેનું નિર્માણ સ્વયં જગતના નાથ ભગવાન શ્રીકૃષ્ણએ કર્યું હતું. મામા કંસનો વધ કર્યા બાદ કંસના સસરા મગધનરેશ જરાસંધ શ્રીકૃષ્ણ સાથે વેરભાવ રાખીને યાદવો પર વારંવાર આક્રમણ કરવા લાગ્યા. 

વારંવારનાં આક્રમણોથી વ્રજભૂમિની રક્ષા કરવા માટે ભગવાન શ્રીકૃષ્ણે નવા સ્થળે વસવાટ કરવાનો નિર્ણય લીધો. આ માટે તેમણે સુરાષ્ટ્ર (તાજેતરના સૌરાષ્ટ્ર)માં આવેલા કુશસ્થળી વિસ્તારની પસંદગી કરી. અહીં જ પછીથી તેમણે દ્વારકા નગરી વિકસાવી.

ભગવાન શ્રીકૃષ્ણના સમયમાં દ્વારકાની ભૌતિક સમૃદ્ધિ સફળતાનાં ઉચ્ચ શિખરો સુધી પહોંચી હતી. પ્રાચીન ભારતની સૌથી ઉન્નત નગરી દ્વારકા બની હતી. વિદેશી વ્યાપારથી લઈને વિજ્ઞાનના ક્ષેત્રે પણ પ્રાચીન દ્વારકા અગ્રેસર હતું. ભગવાન શ્રીકૃષ્ણના નેતૃત્વમાં યદુવંશ પણ ખૂબ વિકાસ કરી રહ્યો હતો.

સમુદ્રની મધ્યમાં આખું સામ્રાજ્ય ઊભું કરવું અને એ પણ આધુનિક મશીનરી વગર. વિશાળ મહેલો અને મકાનો, ઉત્તમ રોડ વ્યવસ્થા અને પ્રકાશ માટેની પણ વ્યવસ્થા. તે સમયના વિશ્વ કરતાં પ્રાચીન ભારત ઘણું આગળ નીકળી ગયું હતું અને તેમાં પણ દ્વારકા નગરી ઉન્નતિનાં તમામ શિખરો સર કરી રહી હતી.

કહેવાય છે કે, આ નગરી જળમગ્ન થઈ ગઈ હતી. જે સમયગાળો ભગવાનના દેહત્યાગ પછીનો હોવાનું માનવામાં આવે છે. ભગવાન પ્રભાસ ક્ષેત્રમાં વિચરણ કરી રહ્યા હતા ત્યારે એક પારધીએ ગેરસમજ કરીને તીર છોડ્યું, એ તેમને પગમાં વાગ્યું હતું અને ત્યારબાદ તેમણે દેહ છોડ્યો. ત્યારબાદ આ નગરી જળમગ્ન થઈ ગઈ હોવાનું દંતકથાઓ અનુસાર માનવામાં આવે છે. 

આવી ભવ્ય અને પ્રાચીન નગરીનો ઇતિહાસ ક્યારેય સામે લાવવાના પ્રયાસો સત્તામાં બેઠેલાઓ દ્વારા કરવામાં આવ્યા નહીં. પરંતુ બીજી તરફ આજના શાસકો અને સરકાર છે, જેઓ સતત સાંસ્કૃતિક અને ધાર્મિક વારસાને મહત્વ આપીને તેનો પ્રચાર-પ્રસાર કરવાનું કાર્ય કરી રહ્યા છે અને તેમાં મોખરે હોય તો વડાપ્રધાન મોદી છે.

વડાપ્રધાને પોતે મુલાકાત લઈને આ શુભકર્મ કર્યું છે. અને હવેથી દ્વારકા નગરીના દેશ વિદેશના મહેમાનો તથા ભાવિકો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. ભગવાન દ્વારકાધીશના જગતમંદિરમાં આશીર્વાદ લેવા અને સાથોસાથ પ્રાચીન નગરીમા જઈને દર્શન કરવાનો અવસર પ્રાપ્ત થશે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj