ડીસીપી ઝોન-2 સજજનસિંહ પરમારની રાહબરીમાં કુવાડવા રોડ પોલીસ, એલસીબી ઝોન-2 અને ક્રાઈમ બ્રાંચની ટીમે તપાસનો ધમધમાટ આદર્યો: કુવાડવાના બે શકમંદોને ઉઠાવી પુછતાછ હાથ ધરી

કુવાડવા નજીક થયેલ યુવકની હત્યાના બનાવમાં દારૂની મહેફિલ કારણભૂત હોવાની પ્રબળ આશંકા

Crime | Rajkot | 02 April, 2024 | 03:42 PM
ગઈકાલે 38 વર્ષીય પરપ્રાંતિય યુવકની માથામાં ધોકો ફટકારી હત્યા થયેલ લાશ મળી આવી’તી: મૃતક યુવકના ભાઈએ ફરીયાદ નોંધાવતા કુવાડવા રોડ પોલીસે હત્યાની કલમ હેઠળ ગુનો નોંધ્યો
સાંજ સમાચાર

રાજકોટ તા.2
 

અમદાવાદ હાઈવે પર આવેલ કુવાડવા ગામ નજીક માધવ હોટલ પાસેથી 38 વર્ષીય પરપ્રાંતિય યુવકની ઈજાગ્રસ્ત હાલતમાં લાશ મળી આવી હતી. બનાવ અંગે જાણ થતા કુવાડવા રોડ પોલીસ સહિત ડીસીપી સહિતના પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી ગયા હતા અને તપાસ કરતા યુવકને માથાના ભાગે ધોકાના ઘા ઝીંકી હત્યા કરાયાનું સામે આવતા મૃતકના ભાઈની ફરીયાદ પરથી કુવાડવા રોડ પોલીસે હત્યાની કલમ હેઠળ ગુનો નોંધી પોલીસે કુવાડવાના બે શકમંદોને ઉઠાવી પુછતાછ હાથ ધરી હતી.

 બનાવ અંગે હાલ જોડીયાના આણંદા ગામના ખેડૂત કાનજીભાઈની વાડીમાં રહેતા મુળ મધ્યપ્રદેશના વતની ધુલજીભાઈ પાડવીભાઈ ગેદરીયા (ઉ.36)એ કુવાડવા રોડ પોલીસ મથકમાં નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે અજાણ્યા શખ્સોના નામ આપતા કુવાડવા રોડ પોલીસે આરોપીઓ વિરૂધ્ધ હત્યાની કલમ હેઠળ ગુનો નોંધી તપાસનો ધમધમાટ આદર્યો હતો.

 વધુમાં વિગત મુજબ શહેરની ભાગોળે આવેલ મઘરવાડામાં આવેલ સીમ વિસ્તારમાં મિત્રની વાડીએ રહેતા પાકટીયા પાડવીભાઈ ગેદરીયા (ઉ.38) ગઈકાલે સવારે કુવાડવા પાસે આવેલ માધવ હોટલ નજીકથી ઈજાગ્રસ્ત હાલતમાં બેભાન પડેલો હોય ત્યારે ત્યાંથી પસાર થતા રાહદારીઓએ પોલીસને જાણ કરતા કુવાડવા રોડ પોલીસ મથકના પીઆઈ વી.આર. રાઠોડ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો તેમજ ડીસીપી ઝોન-2 સજજનસિંહ પરમાર, એસીપી સહિતના પોલીસ અધિકારીઓ પણ બનાવ સ્થળે દોડી આવ્યા હતા. અને તપાસ કરતા મૃતક યુવકને માથાના ભાગે ધોકાથી હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યો હોવાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું હતું તેમજ ત્યાંથી હુમલો કરાયેલ ધોકો પણ મળી આવ્યો હતો. 

 બાદમાં પોલીસે જરૂરી કાર્યવાહી કરી બનાવ અકસ્માતનો છે કે હત્યાનો તે અંગેનું કારણ જાણવા મૃતદેહને ફોરેન્સીક પીએમ અર્થે સીવીલ હોસ્પીટલે ખસેડવામાં આવ્યો હતો. બનાવની જાણ થતા ડીસીપી ક્રાઈમ પાર્થરાજસિંહ ગોહિલ સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ સીવીલ હોસ્પીટલે દોડી ગયા હતા અને તપાસનો ધમધમાટ આદર્યો હતો.
 

વધુમાં પોલીસના સુત્રોએ જણાવ્યા અનુસાર મૃતક મુળ મધ્યપ્રદેશનો વતની છે અને તે એક વર્ષથી મઘરવાડામાં રહી ખેતમજુરી કામ કરતો હતો. એક મહિના પહેલા તે વતનમાં ગયા બાદ 15 દિવસ પહેલા મઘરવાડા પરત ફર્યો હતો. બાદમાં બે દિવસ પહેલા તેના મિત્રને હું કામ અર્થે બહાર જઉં છું કહી વાડીએથી નીકળી ગયો હતો. બાદમાં બે દિવસ પહેલા તે છેલ્લે માધવ હોટલ પાસે જોવા મળ્યા બાદ આજે તેમની લાશ મળી હતી. યુવકના માથામાં ગંભીર ઈજા પહોંચી હોવાના નિશાન મળતા બનાવ હત્યાનો હોવાની પ્રબળ આશંકા સેવાઈ રહી છે.

 બનાવ અંગે પોલીસે જામનગર રહેતા મૃતકના ભાઈને જાણ કરતા તે રાજકોટ દોડી આવ્યો હતો અને બનાવ અંગે ફરીયાદ નોંધાવી હતી.
 બનાવ અંગે કુવાડવા રોડ પોલીસ મથકના પીઆઈ વી.આર. રાઠોડ, એલસીબી ઝોન-1 પીએસઆઈ બોરીસાગર, તેમજ ક્રાઈમ બ્રાંચની ટીમે તપાસનો ધમધમાટ આદરી કુવાડવા ગામમાં રહેતા અને દારૂની ટેવ ધરાવતા બે શકમંદોને ઉઠાવી સઘન પુછતાછ હાથ ધરી હતી. વધુમાં પોલીસ સુત્રોએ જણાવ્યું હતું કે મૃતક યુવાન સાથે દારૂની મહેફીલમાં ડખ્ખો થયા બાદ હત્યા થયાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. ટુંક સમયમાં હત્યાના બનાવનો ભેદ ઉકેલાઈ જશે તેવું પોલીસે જણાવ્યું હતું.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj