ભાવનગરમાં નિષ્પક્ષપાતી ત્રિમંદિરનો ઉજવાતો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

આજે આત્મજ્ઞાની પૂ.દીપકભાઇના સાંનિધ્યમાં યોજાશે જ્ઞાનવિધિ: આત્માનો અનુભવ કરાય તો જ્ઞાન પ્રયોગ

Dharmik | Bhavnagar | 17 February, 2024 | 11:44 AM
સાંજ સમાચાર

(વિપુલ હિરાણી) ભાવનગર, તા.17
 

ભાવનગર ધર્મમાં મતમતાંતર ટળે એવી પરમ પૂજ્ય દાદા ભગવાનની ભાવનાને સાકાર કરતા નિષ્પક્ષપાતી ત્રિમંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય ઉજવણી ભાવનગર ખાતે શરુ થઇ ગઈ છે. ત્રણ દિવસ ચાલનારા આ મહોત્સવ અંતર્ગત શુક્રવાર 16 ફેબ્રુઆરીના રાત્રે 7 થી 10 દરમ્યાન બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ અધ્યાત્મ અને વ્યવહાર સંબંધી પ્રશ્ર્નોના સમાધાન માટે પરમ પૂજ્ય દાદા ભગવાન દીક્ષિત અને આત્મજ્ઞાની ડો. નીરુમાના સહાધ્યાયી આત્મજ્ઞાની પૂજ્ય દીપકભાઈના સાનિધ્યમાં પ્રશ્નોત્તરી સત્સંગનું આયોજન થયું હતું.

ભાવનગર અને આસપાસના વિસ્તારોના મુમુક્ષુઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને પૂજ્યશ્રીના સત્સંગનો લાભ લીધો હતો.

શનિવાર,17 ફેબ્રુઆરીના સાંજે 6:30 વાગે આત્મસાક્ષાત્કાર પામવાના અદ્ભુત ભેદજ્ઞાન પ્રયોગ જ્ઞાનવિધિનું આયોજન કરવામાં આવ્યું છે. આ અલૌકિક પ્રયોગ રાજકોટ-ભાવનગર હાઈવે સ્થિત રંગોલી પાર્ક નજીક નિર્માણ થયેલા નિષ્પક્ષપાતી ત્રિમંદિરના મહોત્સવ સ્થળે યોજાશે.

જે જ્ઞાન ઋષભદેવ ભગવાને ભરત ચક્રવતી રાજાને આપ્યું હતું, જેના વડે વિશાળ રાજપાટ હોવા છતાં ભરત રાજા આત્માના ધ્યાનમાં રહી મોક્ષે જઈ શક્યા. જે જ્ઞાન શ્રીકૃષ્ણ ભગવાને અર્જુનને કુરુક્ષેત્રની રણભૂમિ ઉપર આપ્યું હતું, જેના કારણે ભીષણ યુદ્ધ કરવા છતાં અર્જુન તે જ ભવમાં મોક્ષના અધિકારી બન્યા. તેવું આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું આ કાળમાં પણ શક્ય બન્યું છે, ફક્ત 2 કલાકમાં આત્માનો અનુભવ સ્પર્શી શકે તેવા જ્ઞાનવિધિના અદ્ભૂત વૈજ્ઞાનિક પ્રયોગ દ્વારા. સાકર ગળી છે શબ્દો બોલવાથી તેની મીઠાશ અનુભવાતી નથી. પણ જયારે સાકરનો ટુકડો કોઈ મોઢામાં મૂકી આપે પછી સાકર કેવી ગળી છે? તેનું વર્ણન કરવાની જરૂર રહેતી નથી. તેવી જ રીતે જ્ઞાનવિધિ બાદ આત્માનો એક વખત અનુભવ થયા પછી તેની પ્રતીતિ જતી નથી. અને તેથી જ આધિ, વ્યાધિ અને ઉપાધિમાં પણ સમાધિ રહી શકે છે. 

જ્ઞાનવિધિમાં પ્રથમ અડતાલીસ મિનિટ પૂજ્ય દીપકભાઈ દ્વારા આત્મા-અનાત્માના ભેદ પાડનારા વાક્યો બોલાવવામાં આવે છે. ત્યાર બાદ તેઓ વ્યવહારિક ઉદાહરણ સાથે પાંચ આજ્ઞાઓની વિગતવાર સમજણ આપે છે. પાંચ આજ્ઞામાં નવા કર્મો બંધાય નહીં અને જૂના કર્મો સંપૂર્ણ પૂરા થાય તેવી રીતે જીવન પસાર કરવાની ચાવીઓ મળે છે જેનાથી સંસાર વ્યવહારની ફરજો બજાવવા છતાં એક પણ ચિંતા કે દુ:ખ સ્પર્શે નહીં તે રીતે જીવન જીવવાની ઉમદા સમજણ પ્રાપ્ત થાય છે.

મહોત્સવના છેલ્લા દિવસે ત્રિમંદિરમાં સ્થાપિત કરવામાં આવેલ તમામ ભગવંતો અને દેવી-દેવતાઓની ભાવ પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવશે. રવિવાર,18 ફેબ્રુઆરીએ સવારે 10 થી 12.30 દરમ્યાન પૂજય દીપકભાઈ દ્વારા કરવામાં આવશે. આખો દિવસ ચાલનારા કાર્યક્રમમાં સાંજે 4.30 થી 7.30 દરમ્યાન બધા ભગવંતોના પ્રક્ષાલ-પૂજન-આરતી થશે. ત્યારબાદ ત્રિમંદિર દર્શનાર્થીઓ માટે ખુલ્લુ મુકાશે. રાત્રે 9 થી 10.30 મંદિર પરિસરમાં ભક્તિનું આયોજન પણ કરવામાં આવ્યું છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj