કાલે આદિનાથ પ્રભુનું દીક્ષા કલ્યાણક: વરસી તપનો પ્રારંભ

Dharmik | Rajkot | 01 April, 2024 | 12:22 PM
સાંજ સમાચાર

રાજકોટ,તા.1
 

સંસ્કૃતિ અને ધર્મના આદિ ઉદ્ગાતા ભગવાન આદિનાથ, સંસ્કૃતિ અને સભ્ય સમાજનો પાયો નાખનારા આદિનાથ ભગવાનની પાવન સ્મૃતિમાં કરાતું વરસીતપ એ ભારતીય અને જૈન સંસ્કૃતિનું જૂનામાં જૂનું તપ છે. આ તપમાં એક દિવસ ઉપવાસ અને એક દિવસ બિયાસણું કરવાનું હોય છે. ઉપવાસમાં દિવસના અમુક કલાકો દરમ્યાન માત્ર ઉકાળેલું પાણી લઈ શકાય. કેટલાક લોકો નિર્જળા એટલે કે જૈન પરિભાષામાં ચોવિહાર ઉપવાસ પણ કરતા હોય છે. બિયાસણું એટલે માત્ર બે ટંકનું ભોજન. આ રીતે એક વરસ અને ચાલીસ દિવસ સુધી સળંગ તપ થાય તેને વરસીતપ કહે છે.

ભગવાન આદિનાથે ફાગણ વદ આઠમના દિવસે દીક્ષા લઈને એક વર્ષ અને ચાલીસ દિવસ સુધી ઉપવાસ કર્યા હતા એ પાવન ઘટનાની પાવન સ્મૃતિમાં જૈનોમાં બહુ મોટી સંખ્યામાં વરસીતપ થતા જોવા મળે છે. જો કે તીર્થંકરો પોતાની દીક્ષાના એક દિવસ પૂર્વેથી જ તપનો આરંભ કરતા હોય છે, એટલે કે ભગવાન આદિનાથે ખરેખર તો ફાગણ વદ સાતમથી જ ઉપવાસ કર્યા હતા. વરસીતપનો આરંભ કરવાની સાચી રીત પણ એ જ છે કે તેને ફાગણ વદ સાતમથી શરૂ કરવામાં આવે, પરંતુ કાળબળ વગેરે પરિબળોની અસર નીચે વર્તમાનકાળમાં આઠમથી વરસીતપ શરૂ કરવાની પરિપાટી જોવાય છે. જો કે આ કાળમાં પણ અનેક પુણ્યવાનો ફાગણ વદ સાતમથી વરસીતપ શરૂ કરતા જોવા મળે છે.

ચિરકાળથી જ માનવસમાજ ઉપર આદિનાથ પ્રભુની અમીટ છાપ રહી છે. તત્કાલીન આરામપ્રેમી સમાજને આદિનાથ પ્રભુએ જ્ઞાનના માર્ગે વાળ્યો. સુખશીલતામાં જ રચ્યા પચ્યા રહેતા લોકોને તેમણે વિદ્યાનું મહત્ત્વ સમજાવ્યું. વાત્સલ્યના મહાસાગર એવા પ્રભુએ બ્રાહ્મી નામની પોતાની પુત્રીના માધ્યમથી લોકોને અક્ષરજ્ઞાન આપ્યું. આથી જ આદિનાથ પ્રભુએ પ્રવર્તાવેલી વર્ણમાળા તેમની પુત્રીના નામ ઉપરથી ‘બ્રાહ્મી લિપિ’ના નામે ઓળખાઈ.
પ્રવૃત્તિમાર્ગના પ્રણેતા એવા ભગવાન આદિનાથને જ્યારે લાગ્યું કે સામાજિક ચેતનાનું તેમનું કર્તવ્ય પૂરૂં થયું છે ત્યારે તેમણે નિવૃત્તિમાર્ગના વિકાસ માટે અને આત્મિક ચેતનાના જાગરણ માટે સંયમજીવનના માર્ગે પગલાં માંડયાં. આમ સંસારી જીવન અને આધ્યાત્મિક જીવન એમ બન્ને ક્ષેત્રમાં એમણે માનવસમાજનું માર્ગદર્શન કર્યું.

આદિનાથ ભગવાને સંયમજીવન સ્વીકાર્યું એ ફાગણ વદ આઠમનો મંગલ દિવસ હતો. આ શુભ દિનની ઉજવણી માટે જ અગણિત વરસોનાં વહાણાં વીતી જવા છતાં આજે પણ ભારતભરમાં વરસીતપની આરાધના કરવામાં આવે છે. આ તપની લોકપ્રિયતા અકબંધ છે એ દર વરસે હજારોની સંખ્યામાં થતા વરસીતપથી પૂરવાર થાય છે.

વરસીતપ એ જૈનોનું એક અતિ પ્રિય અને શ્રદ્ધાપાત્ર તપ છે. જૈન શાસ્ત્રકારો તો ત્યાં સુધી કહે છે કે શુદ્ધ મનથી વરસીતપની આરાધના કરનારા પુણ્યવાનોનું

શરીર દૈવી તત્ત્વોથી અધિષ્ઠિત બને છે અને આ તપના આરાધકોનાં દુ:ખદર્દો નાબૂદ થાય છે.
આ કાળખંડમાં જિનધર્મના પ્રવર્તક આદિનાથ ભગવાને સર્વપ્રથમ આ તપની આરાધના કરી ત્યારથી અત્યાર સુધી કરોડો ભવ્યાત્માઓ આ તપ કરી ચૂક્યા છે. આગામી કાળમાં પણ આ તપની લોકપ્રિયતા આ જ રીતે અકબંધ રહેશે.

આદિનાથ ભગવાન એક એવું નિરાળું વ્યક્તિત્વ છે જેને સભ્ય સમાજ કદી વિસરી શકે તેમ નથી.
જ્યાં સુધી ભગવાન આદિનાથનું નામ રહેશે ત્યાં સુધી વરસીતપની આરાધના પણ રહેશે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj