જયહનુમાન જ્ઞાન ગુણસાગર જય કપિશ તિહું લોક ઉજાગર, રામદૂત અતુલિત બલધામા અંજનિપુત્ર પવન સૂતનામા

કાલે હનુમાન જયંતી: અંજની પુત્રના જન્મ વધામણાનો સૌરાષ્ટ્ર-કચ્છમાં અનેરો થનગનાટ

Saurashtra | Rajkot | 22 April, 2024 | 12:47 PM
રાજકોટમાં બડાબજરંગ સંસ્થા દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન: બાલાજી હનુમાનજી મંદિરે વિવિધ અનુષ્ઠાનો: અમરેલીના ભુરખિયા હનુમાનજી મંદિર, સાવરકુંડલા, બોટાદ સહિતના ગામો-શહેરોમાં ગુંજશે મારૂતિનંદનનો નાદ
સાંજ સમાચાર

રાજકોટ,તા.22
જયહનુમાન જ્ઞાન ગુણસાગર જય કપિશ તિહું લોક ઉજાગર, રામદૂત અતુલિત બલધામા અંજનિપુત્ર પવન સૂતનામા....પવનપુત્ર શ્રી હનુમાનજી મહારાજની કાલે જન્મજયંતી છે યોગાનુયોગ કાલે મંગળવાર હોવાથી ભકતોમાં બેવડો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આવતીકાલે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છમાં હનુમાન જયંતીની અનેરા ઉમંગ સાથે ઉજવણી થશે. કાલે ઠેર-ઠેર હનુમાન ચાલીસાના પાઠ, બટુક ભોજન, મહાઆરતી, સહિતના ધાર્મિક અનુષ્ઠાનો યોજવામાં આવેલ છે.

રાજકોટ:-
રાજકોટમાં બાલાજી હનુમાનજી મંદિર ખાતે આવતીકાલે મહા મારૂતિ યજ્ઞ, શ્રૃંગાર સહિતના અનુષ્ઠાનો યોજાશે. મંદિરને સુશોભન અને રોશનીના ફાણગાર કરવામાં આવેલ છે. તેમજ અન્ય હનુમાનજી મંદિરો તથા દેરીઓમાં કાલે ભકિતથી હનુમાન જયંતી ઉજવાશે ઠેર ઠેર પ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે. આવતીકાલે બડા બજરંગ સંસ્થા દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે.

અમરેલી:-
આવતી કાલે ભગવાન રામના પરમ ભક્ત હનુમાનજી મહારાજનો પ્રાગટ્ય દિન હોય, આ હનુમાન જયંતિની ઉજવણીના પ્રસંગે અમરેલી જિલ્લામાં આવેલ આસ્થાના પ્રતીકસમા એવા લાઠી તાલુકાના ભુરખીયા ગામે આવેલ ભૂરખિયાં હનુમાનજી મંદિર ખાતે દર વર્ષે હજારો શ્રદ્ધાળુઓ ઉમટે છે. ખાસ કરીને આ હનુમાનજી મહારાજનો પ્રાગટ્ય દિન નિમિતે મોટી સંખ્યામાં લોકો પદયાત્રા કરીને ભુરખીયા હનુમાનજી મંદિરે પહોંચે છે.

ત્યારે આજ સાંજથી જ અમરેલીથી ભુરખીયા તરફ હજારો પદયાત્રીઓનો પ્રવાહ શરૂ થઈ જશે. આવતીકાલ મંગળવારે ભુરખીયા મંદિર નજીક ભવ્ય લોકમેળો પણ યોજાશે. જેને પગલે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્તની વ્યવસ્થા કરાઈ છે.

સુપ્રસિદ્ધ યાત્રાધામ ભુરખીયા હનુમાનજી મંદિર  શ્રદ્ધાળુઓને આવકારવા સજજ છે. દર વર્ષે અહીં હનુમાન જયંતી પર હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુ દર્શન માટે ઉમટી પડે છે. સૌથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં પગપાળા પહોંચે છે. અમરેલી તથા આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં પદયાત્રીઓ આગલા દિવસે ભુરખીયા તરફ રવાના થઈ જાય છે. જ્યારે નજીકના વિસ્તારના લોકો હનુમાન જયંતીના દિવસે પદયાત્રા થકી અહીં પહોંચે છે. અમરેલીથી 43 કિ.મી દૂર આવેલા ભૂરખીયા ખાતે દર્શને જવા અમરેલી પંથકના પદયાત્રીઓ આજ સાંજથી જ પોતાની પદયાત્રા શરૂ કરી દેશે.

પોલીસ તંત્ર દ્વારા પણ અમરેલીથી ભુરખીયા સુધીના માર્ગ પર પદયાત્રીઓની સુરક્ષાને ધ્યાને લઈ કડક પોલીસ બંદોબસ્તની પણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પદયાત્રીનાઓના માર્ગ ઉપર દર વર્ષે વિવિધ સેવાભાવી સંસ્થાઓ અને મંડળો દ્વારા પદયાત્રા કરતા લોકોની સેવા માટે ઠેકઠેકાણે સેવા કેન્દ્રો ઊભા કરવામાં આવે છે. જેમાં વિનામુલ્યે ચા, પાણી, નાસ્તા, શરબત, જ્યુસ, ફ્રુટ તથા ભોજનપ્રસાદની પણ વિનામૂલ્યે વ્યવસ્થા કરવામાં આવે છે. આજે સાંજથી આવા જુદા જુદા સેવા કાર્યના સ્ટોલ કાર્યરત થઈ જશે. જે આવતીકાલ સુધી શરૂ રહેશે. આજે સોમવારે સાંજ પડતા જ પદયાત્રીઓનો પ્રવાહ અમરેલીથી ભુરખીયા તરફ નજરે પડશે.

સુપ્રસિદ્ધ એવા ભુરખીયા ગામે હનુમાન જયંતિ પર ભવ્ય લોકમેળો પણ યોજાય છે. અને અહીં મહા આરતી મહાપ્રસાદ જેવા કાર્યક્રમોનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. હનુમાન જયંતિ પર અમરેલીમાં પણ વિવિધ હનુમાન મંદિરોમાં બજરંગબલીની આરાધના કરવામાં આવશે. ઠેક ઠેકાણે બટૂક ભોજન, સુંદરકાંડના પાઠ, મહા આરતી જેવા કાર્યક્રમોનું આયોજન કરાયું છે.

સાવરકુંડલા:-
શ્રી તાત્કાલિક હનુમાનજી આશ્રમ, કે કે હાઇસ્કુલ પાછળ સાવરકુંડલા ખાતે આગામી તા.23/04/2024 (મંગળવાર) ના રોજ ચૈત્રીપૂર્ણિમાના શુભ પ્રસંગે ભારતીય સંસ્કૃતિનો મહત્વપૂર્ણ અને પાવન પર્વ એટલે કે શ્રી રામ ભક્ત મહાબલી હનુમાનજી મહારાજનો જન્મોત્સવ ભવ્ય રીતે ઉજવવામાં આવશે. આ પ્રસંગે ધાર્મિક, સામાજિક અને સેવાના કાર્યોનું આયોજન કરવામાં આવ્યું છે. પક્ષીઓ માટે માટીના કુંડા અને ચકલી ઘરનું વિના મૂલ્યે વિતરણ 4 કલાક: આયુર્વેદિક કેમ્પ જેમાં આ મુજબના ડોક્ટરશ્રીઓ સેવા આપશે, ડો કે.બી.ગોંડલીયાસાહેબ મેડિકલ ઓફિસર અને ડો. દેવેન્દ્ર ચૌહાણ સાહેબ મેડિકલ ઓફિસર દ્વારા દરેક દર્દીનું તમામ પ્રકારના રોગ નુ નિદાન કરી જરૂર મુજબ દવાઓ વિનામૂલ્યે આપવામાં આવશે.સાંજે 4:30 કલાકેથી શ્રી હનુમાનજી મહારાજની પરમ મંગલકારી દિવ્ય આરતી સાંજે 7 કલાકે નેવેધ્ય થાળ બાદ તમામ દર્શનાર્થીઓને સંતો ભક્તો ભાઈઓ બહેનો મંગળકરતા દેવ નો મહાપ્રસાદ સૌએક પંગતમાં બેસી મહાપ્રસાદ લેશે.

બોટાદ:-
બોટાદ શહેરના શ્રીનવ હથ્થા મંદિરે ચૈત્રસુદ પુનમ કાલે તા.23ના મંગળવારે સવારે 9 કલાકે નવકુંડી મારૂતિ યજ્ઞ તથા 11 કલાકે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે. આ પ્રસંગે ભાવનગર સ્ટેટના નેક નામદાર યુવરાજશ્રી જયવીર રાજસિંહજી ગોહીલ પધારશે તેમ નવહથ્થા હનુમાનજી મંદિરના મહંતશ્રી નિર્મણાનંદ સરસ્વતીની યાદીમાં જણાવેલ છે. આ પ્રસંગ લોકમેળાનું આયોજન કરવામાં આવેલ છે. શ્રીનવહત્થા હનુમાનજી મંદિર હરણકુઈ બોટાદ પધારવા અનુરોધ કરાયા છે.

કષ્ટભંજન હનુમાનજીને ઓર્કિડ ફુલોનો શણગાર
શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી તારીખ 21-04-2024ને સોમવારના રોજ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને રંગબેરંગી ઓર્કિડ ફુલોનો દિવ્ય શણગાર કરાયો છે. આજે સવારે શણગાર આરતી શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)દ્વારા કરવામાં આવી હતી.  મંદિરના પટાંગણમાં આવેલ યજ્ઞશાળામાં મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે.   જેના દર્શન આરતીનો લાભ હજારો હરિભક્તો લઇ ધન્યતા અનુભવી હતી.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj