(જીગ્નેશ ભટ્ટ) મોરબી, તા.19
મોરબી આસપાસના વિસ્તારમાં અગાઉ પણ ગેસના ટેન્કરોમાંથી ગેસની ચોરી કરીને ગેસના સિલિન્ડરમાં ગેસ ભરવામાં આવતો હોય તેવું સામે આવ્યું છે અને જોખમી રીતે ગેસની ચોરી કરવામાં આવતી હોવાનો પર્દાફાશ કરીને પોલીસે ગુના નોંધીને આરોપીઓની ધરપકડ કરીને કાર્યવાહી પણ કરેલ છે.
મોરબી જિલ્લા એલસીબીની ટીમના રામભાઈ મંઢ તથા ભગીરથસિંહ ઝાલાને સંયુક્ત રીતે બાતમી મળી હતી કે, મોરબીના જેતપર રોડ ઉપર આવેલ સાપર ગામ પાસે ભાગ્યલક્ષ્મી રાજસ્થાની હોટલના ગ્રાઉન્ડમાં હોટલમાં સંચાલક ભગીરથ મંગારામ બિશનોઈ રહે. બાગલી તાલુકો સાચોર જીલ્લો જાલોર રાજસ્થાન વાળા અમુક ઈસમોને સાથે રાખીને ગેસ ભરેલા ટેન્કરમાંથી ગેસની ગેરકાયદે અને જોખમી રીતે ચોરી કરીને ગેસના સિલિન્ડર ભરે છે જેથી એલસીબીની ટીમ દ્વારા ત્યાં રેડ કરવામાં આવી હતી.
ત્યારે રાત્રિના સમયગાળા દરમિયાન ગેસનું ટેન્કર ઉભું રાખીને તેમાંથી ગેસની ચોરી કરવામાં આવતી હતી અને પોલીસની રેડ પડતાની સાથે સ્થળ ઉપર હાજર રહેલા ચાર શખ્સોમાં નાશભાગ મચી ગઈ હતી.
જોકે પોલીસની ટીમ દ્વારા સ્થળ ઉપરથી બે શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા જેમાં હોટલના સંચાલક રાહુલ જેતારામ કુરાડા (29) તથા મજૂર બુધારામ વાગતારામ ખીચડ (44) રહે. બંને હાલ ભાગ્યલક્ષ્મી રાજસ્થાની હોટલ મૂળ રહે. રાજસ્થાન વાળાને ઝડપી લેવામાં આવ્યા હતા જોકે તકનો લાભ લઈને હોટલના સંચાલક ભગીરથ મંગારામ બિશનોઈ રહે. હાલ મોરબી મૂળ રાજસ્થાન તથા ટેન્કર નંબર જીજે 6 એઝેડ 0432 ના ચાલક નાસી ગયેલ છે.
મોરબી નજીક હોટલના ગ્રાઉન્ડમાં ગેસના ટેન્કરમાંથી ગેસનું કટીંગ ચાલુ હતું ત્યારે લોકોની જિંદગી જોખમમાં મુકાય તે પ્રકારે ગેસની ચોરી કરવામાં આવતી હોવાના આ કૌભાંડનો એલસીબીની ટીમ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે અને ટેન્કર ચાલકે તેના શેઠ તથા કારખાનેદાર સાથે વિશ્વાસઘાત કરીને પોતાની તથા અન્ય લોકોની જિંદગી જોખમમાં મુકાય તેવું કૃત્ય કર્યું હોવાથી હાલમાં પોલીસે સ્થળ ઉપરથી ટેન્કરમાં ભરેલ એલપીજી ગેસ 17,630 કિલોગ્રામ જેની કિંમત 10,10,589 તથા 40 લાખ રૂપિયાની કિંમતનું ટેન્કર અને જુદી જુદી કંપનીના ગેસ ભરેલા 26 સીલીન્ડર, 21 ખાલી સિલિન્ડર, વજન કાંટો, રબરની વાલ્વ વાળી નળી સહિત કુલ મળીને 50,66,079 ની કિંમતનો મુદ્દામાલ સ્થળ ઉપરથી કબજે કરવામાં આવેલ છે અને હાલમાં પકડાયેલ હોટલના એક સંચાલક સહિત કુલ ચાર વ્યક્તિઓની સામે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે અને રેડ દરમિયાન તકનો લાભ લઈને નાસી છૂટેલા હોટલના એક સંચાલક સહિતના બે વ્યક્તિઓને પકડવા માટે તજવીજ ચાલી રહી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy