♦ કોર્ટ સામે આંગળી ચિંધીને વાત કરવા સામે ચીફ જસ્ટીસે વકીલને ટકોર કરી: ત્રિવેદી કોર્ટમાંથી નીકળી ગયા
એક જવલ્લે જ બનતી ઘટનામાં ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટીસ સુનિતા અગ્રવાલ અને ગુજરાત હાઇકોર્ટ બાર એસોસિએશનના પ્રમુખ બ્રિજેશ ત્રિવેદી વચ્ચે ચાલુ કોર્ટમાં શબ્દોની તડાફડી થઇ ગઇ હતી અને ત્રિવેદીએ ચીફ જસ્ટીસને લોર્ડ ફ્રાન્સિસ બેકનનું એક કથન યાદ અપાવ્યું હતું જે ’ઓવરસ્પીકીંગ જજ’ વિશે હતું.
વર્ષ 2011માં દાખલ થયેલી એક જાહેર હિતની અરજીની સુનાવણી દરમિયાન શુક્રવારે ચાલુ કોર્ટમાં આવા દૃશ્યો સર્જાયા હતા અને અંતે બ્રિજેશ ત્રિવેદી કોર્ટ છોડીને ચાલ્યા ગયા હતા.
પ્રખ્યાત લો વેબલાઇટ બાર એન્ડ બેન્ચમાં પ્રકાશિત અહેવાલ મુજબ ત્રિવેદીએ એ વાત ઉપર નારાજગી વ્યક્ત કરી હતી કે, ચીફ જસ્ટીસ તેમની તથા અન્ય સિનિયર વકીલોની દલીલો પૂરી કરવાની તક આપતા નથી.
આ બાબત અવાર નવાર બને છે. દરેક સિનિયર એડવોકેટ અને એડવોકેટ આ બાબત સહન કરે છે. "મેં વર્ષ 2023માં લોર્ડ ફ્રાન્સીસ બેકનનાં એક કથનનો ઉપયોગ કર્યો હતો પરંતુ હવે તેનું પુનરોચ્ચાર કરવા માંગતો નથી.
આશા રાખું છું કે, લેડીશીપ (ચીફ જસ્ટીસ) તે યાદ છે. હું ન્યાયાધીશ નથી. તે એક ઓવર સ્પીંકીંગ જજ બાબતનું (કથન) હતું," એમ ત્રિવેદીએ કોર્ટ કાર્યવાહી દરમિયાન નિવેદન કર્યુ હતું. આ સમગ્ર વિડીયો હાઇકોર્ટની યુ ટ્યુબ ચેનલ ઉપર ઉપબલ્ધ છે.
કેસની સુનાવણી દરમિયાન એકબીજાની વાત અધવચ્ચે રોકવા બદલ આવી શાબ્દિક ટપાટપી થઇ હતી. ત્રિવેદીને સંબોધન કરતા ચીફ જસ્ટીસ બોલ્યા હતા કે, "મને મારી વાત પૂરી કરવા દો. હું કોઇક બાબતે બોલી રહી છું. તમે મને પ્રશ્ન પૂરો કરવા દેતા નથી." ચીફ જસ્ટીસ સુનિતા અગ્રવાલ એવું કહેવા માગતા હતા કે, જો વકીલ પૂરો પ્રશ્ન સાંભળશે તો જ જવાબ આપી શકશે.
આથી ત્રિવેદીએ જણાવ્યું હતું કે, "સારું લેડીશીપ પ્રશ્ન પુછી શકે છે. આ જ રીતે હું પણ કહી શકું છું પરંતુ હું કોઇ મુદ્દો બનાવવા માગતો નથી. મને પણ વાક્ય પૂર્ણ કરવાની તક આપવી જોઇએ." તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આ રીતે કોર્ટ દ્વારા પેન્ડીંગ મેટર નક્કી ના થવી જોઇએ. મને મારુ વાક્ય પુરુ કરવાની તક આપવી જોઇએ.
હું પ્રશ્ન સમજી ગયો છે. પરંતુ મારી એ ભૂલ છે અને તેના માટે હું માફી માંગુ છું કે, મને પ્રશ્ન પૂરો થતા પહેલા જ સમજાઇ ગયો હતો. ત્યારબાદ ત્રિવેદીએ આ પીઆઇએલ અન્ય કોર્ટ સમક્ષ મુકવાની માગણી કરી હતી. તેઓ બોલ્યા હતા કે, આ રીતે ચીફ જસ્ટીસ દ્વારા પીઆઇએલ સાંભળી શકાય નહી. ત્યારબાદ ત્રિવેદીએ આ મેટર બે સપ્તાહ પછી સુનાવણી અર્થે રાખવા માટે માગણી કરી હતી.
આ દરમિયાન ચીફ જસ્ટીસે સીલીંગ ઉપર તરફ નજર ફેરવતા તેનો પણ ત્રિવેદીએ વાંધો ઉઠાવ્યો હતો કે, લેડીશીપ આકાશ તરફ ક્યાંક જોઇ રહ્યા છે. આ રીતે મેટર સાંભળવી જોઇએ નહી. છેલ્લા 65 વર્ષમાં આ કોર્ટમાં આવું ક્યારેય બન્યુ નથી. મારી વિનંતી છે કે આ મેટર બે સપ્તાહ માટે મુલતવી રાખે.
દરમિયાન પાછળ બેઠેલા એક વકીલે ત્રિવેદીને શાંત કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેઓ અટક્યા નહોતા. છેવટે ચીફ જસ્ટીસ બોલ્યા હતા કે, "આ રીતે કોર્ટમાં આવા દૃશ્યો સર્જવાની વાત ચલાવી લેવાશે નહી. બીજી બાજુ એવું પણ કર્યું હતું કે કોર્ટ સામે આંગળી ચિંધીને સંબોધન ના કરો. આ રીતે કોર્ટ સાથે વર્તણૂ્ક કરવી જોઇએ નહી."
આથી ત્રિવેદી બોલ્યા હતા કે, વિડીયો (યુ ટ્યુબમાં સેવ) રહેવાનો છે પરંતુ કોર્ટ પાસે આવી અપેક્ષા રાખી શકાય નહી. ત્યારબાદ ત્રિવેદી કોર્ટમાંથી ચાલ્યા ગયા હતા.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy