જળસંચય બાબતે ‘મેઇકીંગ એ વોટર સિકયોર એન્ડ હેલ્ધી સીટી’ વિષય પર સેમીનાર યોજાયો : જળસ્તર ઉંચુ લાવ્યા વગર છુટકો નથી : કમિશ્નર આનંદ પટેલ

20 ફુટે મળતું પાણી હવે 1 હજાર ફુટ ઉંડુ ઉતરી ગયું છે : ડીપીઆર મેપીંગથી થશે બોર રીચાર્જ

Saurashtra | Rajkot | 20 May, 2024 | 04:17 PM
નેશનલ ઈન્સ્ટીટયુટ ઓફ અર્બન અફેર્સ, એસોચેમ, ટ્રીવોકસના ઉપક્રમે સેમિનાર યોજાયો : નર્મદા નીર મળતા લોકો નિશ્ચિંત બની ગયા : મનપા 90:10ની સ્કીમથી કામ આગળ વધારશે : પૂરા વિશ્ર્વમાં ભૂગર્ભ જળનો ઉપયોગ ભારતમાં વધુ
સાંજ સમાચાર

 રાજકોટ, તા. 20

રાજકોટ મહાનગરપાલિકા, નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ અર્બન અફેર્સ, એરિડ કોમ્યુનિટીઝ ટેકનોલોજીસ અને ટ્રીવોક્સ, એસોચેમના સંયુક્ત ઉપક્રમે શ્રી પ્રમુખ સ્વામી ઓડીટોરિયમમાં જળ સંચય બાબતે મેઇકિંગ એ વોટર સિક્યોર એન્ડ હેલ્ધી સિટી વિષય પર સેમિનાર યોજાયો હતો. જેમાં અધ્યક્ષ સ્થાને કમિશનર આનંદ પટેલ, એરિડ કોમ્યુનિટીઝ ટેકનોલોજીસના યોગેશભાઈ જાડેજા, એનઆઇયુએના ઉદયભાઈ ભોંડે અને ટ્રીવોક્સ, એસોચેમના લોકેન્દ્રભાઈ બાલાસરિયા અને ડે.કમિશનર ચેતન નંદાણી ઉપસ્થિત રહ્યા હતા.

જુદીજુદી સામાજિક સેવાકીય સંસ્થાઓ, ઈજનેરો, આર્કિટેક્ટસ, વગેરે મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાયેલ આ સેમિનારમાં સંબોધન કરતા કમિશનર આનંદ પટેલે એમ કહ્યું હતું કે, ગુજરાતમાં વોટર વર્કસ ક્ષેત્રે ખુબ જ સારૂ કામ થયું છે અને હજુ પણ થઈ રહ્યું છે. નર્મદાનાં નીર ઉપલબ્ધ બન્યા બાદ સ્વાભાવિકરીતે લોકો થોડા નિશ્ચિંત બન્યા છે, પરિણામે જળ સંચયક્ની કામગીરીમાં થોડી ઉદાસીનતા પણ દેખાય છે. મહાનગરપાલિકાએ જળ સંચયની પ્રવૃત્તિને વેગ આપવાનાં ઉદ્દેશ સાથે 2024-25નાં બજેટમાં 90:10ની સ્કીમ રજુ કરી જનભાગીદારીને પ્રોત્સાહન આપવાનું નક્કી કર્યું છે. જેમાં કોર્પો. 90 ટકા અને લોકોએ 10 ટકા ખર્ચ ભોગવવાનો રહેશે. જો લોકો નક્કી કરે તો જળ સંચયની કામગીરી અપેક્ષિત પરિણામ આપી શકે છે. 

કમિશનરે એવી ટકોર પણ કરી હતી કે, છેલ્લા એક હજાર વર્ષમાં દુનિયા ના બદલી હોય તેટલી છેલ્લા 50 વર્ષમાં બદલી ચુકી છે. છેલ્લા એક હજાર વર્ષમાં ના વપરાયું હોય તેટલું ભૂગર્ભીય પાણી છેલ્લા 50 વર્ષમાં વપરાયું છે. છેલ્લા પાંચેક વર્ષથી તો એવું પણ અનુભવાયું છે કે, ચોમાસામાં વરસાદનું પ્રમાણ વધ્યું છે. અગાઉ સરેરાશ 500 થી 850 મી.મી. જેવો વરસાદ પૂરી સિઝનમાં નોંધાતો હતો જે હવે સરેરાશ 1100 થી 1500 મી.મી. જેવો વરસાદ નોધાય છે. જોકે અહીં એ પણ નોંધવું રહ્યું કે, સમગ્ર ચોમાસાના ચાર માસ દરમ્યાન સારા વરસાદના દિવસો માત્ર આશરે 8 થી 100 જેટલા જ હોય છે. વરસાદની પેટર્ન પણ બદલાઈ રહી છે. દિવસે ને દિવસે બોરનો ઉપયોગ વધી રહ્યો છે અને જમીનમાં જળસ્તર વધુ ને વધુ નીચું ઉતારી રહ્યું છે ત્યારે ચોમાસા પૂર્વે જ તમામ લોકોએ પોતાના મકાનના ધાબાનું પાણી બોરમાં ઉતારવા માટેની વ્યવસ્થા કરી જાહેર સામાજિક હિતમાં પોતાનું યોગદાન આપવું જોઈએ. 

મહાનગરપાલિકાના તમામ બિલ્ડીંગ, પમ્પિંગ સ્ટેશન, ફિલ્ટર પ્લાન્ટ, સ્વિમિંગ પૂલ કેમ્પસ, વગેરે સ્થળોએ બોર રિચાર્જના આયોજનને આગળ ધપાવી રહી છે. આયોજનમાં ગીર ગાય સંસ્થા, સદભાવના ટ્રસ્ટ, સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલ વગેરે જેવી જુદીજુદી સંસ્થાઓનો સહયોગ સાંપડી રહ્યો છે. જળ સંચય, પર્યાવરણ, સ્વચ્છતા વગેરે જેવી બાબતોમાં સમાજના સહયોગ વગર ઈચ્છિત પરિણામ મેળવી શકાય નહીં. માટે સૌ નાગરિકો જળ સંચયની પ્રવૃત્તિમાં વધુ ને વધુ જાગૃત બને તે વર્તમાન સમયની માંગ છે.

નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ અર્બન અફેર્સના ઉદયભાઈએ એમ કહ્યું હતું કે, સમગ્ર વિશ્વમાં ભારત સૌથી વધુ આશરે 25 ટકા જેટલા પ્રમાણમાં ભૂગર્ભ જળનો વપરાશ કરે છે. કેન્દ્ર સરકારે અમૃત 2.0 હેઠળ જળ સંચય પ્રવૃત્તિ માટે પાઈલોટ સિટી તરીકે દેશના જે 10 શહેરો પસંદ કર્યા છે તેમાં રાજકોટનો પણ સમાવેશ થાય છે. આ શહેરોમાં જયપુર, ગ્વાલિયર, થાણે, પુણે, ધનબાદ, કોલકતા, હૈદરાબાદ, બેન્ગ્લુરૂ અને ચેન્નાઈ પણ સામેલ છે.  યોગેશભાઈ જાડેજાએ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન સાથે કહ્યું હતું કે, રાજકોટ માટે સાયન્ટીફિક પધ્ધતિએ ભૂસ્તરીય અભ્યાસના આધારે તૈયાર કરવામાં આવેલ ડી.પી.આર. મેપિંગ સહારે યોગ્ય સ્થળોએ બોર રિચાર્જ કરી મહત્તમ ફાયદો મેળવી શકાય છે. રાજકોટનાં ડીપીઆર મેપિંગ માટે શહેરને જુનું રાજકોટ, ત્યાંથી રિંગ રોડ સુધીનું રાજકોટ અને ત્યાંથી પશ્ચિમ તરફનું રાજકોટ એમ ત્રણ હિસ્સામાં વહેંચવામાં આવ્યું હતું હતું. રાજકોટમાં અલગઅલગ કુલ 75 સ્થળોએ બોર બનાવી ભૂસ્તરીય રચના અંગે જાણકારી પ્રાપ્ત કરવામાં આવી હતી. રાજકોટની જમીનમાં કાળમીંઢ પથ્થરો અને જળકૃત ખડકો મળી આવે છે. 

લોકેન્દ્રભાઈ બાલાસરિયાએ કહ્યું હતું કે, આજથી 40 થી 50 વર્ષ પૂર્વે આપણને જમીનમાં 20 ફૂટની ઊંડાઈએ પાણી મળી જતું હતું જે આજે 1000 થી 2000 ફૂટ ઊંડું જઈ ચુક્યું છે. અત્યારે ગુજરાતને નર્મદા નીર મળી રહ્યા છે ને લોકોને ખાસ કાંઈ ચિંતા નથી થતી પરંતુ ધારો કે, નર્મદાની જળ સપાટી અને જળ રાશી ઘટે તો શું થાય એ પ્રશ્ન વિશે પણ વિચારવું ખુબ જ જરૂરી છે. બોરમાંથી જેટલું પાણી ખેંચીએ છીએ તેની સરખામણીએ આપણે બોર રિચાર્જ મારફત જમીનમાં જે પાણી ઉતારીએ છીએ તેનું પ્રમાણ ખુબ જ ઓછું છે. પરમ્પરાગત જ્ઞાન અને આધુનિક ટેકનોલોજીનો સમન્વય કરીને જળ સંચયની પ્રવૃત્તિને પુરતો વેગ આપવાની આવશ્યકતા છે. 

ડે.કમિશ્નર ચેતન નંદાણીએ પણ મહાનગરપાલિકાની જનભાગીદારી સાથે 90:10 સ્કીમ અંગે છણાવટ કરી જળ સંચયની પ્રવૃત્તિની મહત્તા સમજાવી હતી અને આભાર વિધિ કરી હતી. આ સેમિનારના આયોજન માટે ડે.  ઈજનેર કે.પી. દેથરીયા, છૈયા, પટેલ વગેરેએ જહેમત ઉઠાવી હતી.  

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj