રાજકોટ, તા.17
એક માસના કમુરતાનો ગાળો પૂર્ણ થવાની સાથે જ ફરી વખત સોની બજાર-ઝવેરી માર્કેટમાં ચમક દેખાવા લાગી છે. વધતા ભાવો વચ્ચે પણ ખરીદીમાં વૃદ્ધિ છે. લગ્ન સિઝનની ખરીદી ઉપરાંત આગામી બજેટમાં સોના પરની આયાત-જકાત ફરી વધવાની અટકળોથી ડીમાંડમાં વૃદ્ધિ હોવાના સંકેત છે.
એક માસના કમૂરતામાં લગ્નો કે અન્ય કોઇ પ્રસંગો થતાં નથી આ દરમ્યાન પ્રસંગો માટેની સોના જેવી મહત્વની ખરીદી પણ ટાળવામાં આવતી હોય છે. મકરસંક્રાંતિ પૂર્ણ થતાં જ કમૂરતાનો ગાળો પૂર્ણ થયો છે. લગ્ન પ્રસંગોની શરણાઇઓ ગૂંજવા લાગી છે.
આગામી મહિનાઓમાં 70થી વધુ લગ્નો હોવાથી ચિક્કાર લગ્નગાળો છે તેને પગલે સોની બજારમાં ખરીદીનો ધમધમાટ વધવા લાગ્યો છે. ઝવેરી બજારના સૂત્રોએ કહ્યું કે છેલ્લા બે દિવસથી પ્રસંગો માટેની ખરીદીમાં નોંધપાત્ર વધારો છે. જ્વેલર્સ શો રૂમમાં ગ્રાહકોની સંખ્યામાં સારો એવો વધારો છે.
ચાલુ સપ્તાહમાં ભાવોમાં તેજી હોવા છતાં લોકોની વધતી ખરીદી સૂચક છે. લોકો કમૂરતા પૂરા થવાની રાહ જ જોઇ રહ્યા હોય તેમ ખરીદી માટે નીકળવા લાગ્યા છે. ડીમાંડમાં સરેરાશ 15 થી 20 ટકાનો વધારો છે ત્યારે શો રૂમમાં પ્રવેશતા ગ્રાહકોની સંખ્યા 50 ટકા જેટલી વધી ગઇ છે.
રાજકોટના જાણીતા ઝવેરીએ કહ્યું કે આવતા મહિનાઓમાં ચિક્કાર લગ્નો છે. ભાવો વધવા લાગ્યા છે, વધુ તેજી થવાની ગણતરીએ ખરીદી કરી લેવાનો મૂડ માલુમ પડી રહ્યો છે. બે દિવસ બાદ અમેરિકામાં નવા પ્રમુખ સત્તારૂઢ થવાના છે. ડોનાલ્ડ ટ્રમ્પ સત્તા સંભાળે તે પૂર્વે જ ડોલર મજબૂત બની ગયો છે.
આંતરરાષ્ટ્રીય માર્કેટમાં સોનાના ભાવ પણ વધ્યા છે. ટ્રમ્પ સત્તારૂઢ થયા બાદ સોનુ વધુ ઉંચકાશે તેવી ગણતરીની પણ અસર છે. આ ઉપરાંત ઇન્વેસ્ટમેન્ટરૂપી ખરીદી પણ વધી છે અને ત પાછળનું કારણ આગામી બજેટ છે. 1લી ફેબ્રુઆરીએ રજુ થનારા કેન્દ્ર સરકારના સામાન્ય અંદાજપત્રમાં સોનાની આયાત જકાતમાં ફરી વધારો થવાની હવા માર્કેટમાં ફેલાયાનું છે.
માર્કેટમાં કેટલાંક દિવસોથી એવી વાત છે કે, ચિંતાજનક સ્તરે પહોંચી રહેલી વેપાર ખાદ્યને અંકુશમાં લેવા માટે આયાત-જકાતમાં વધારો કરશે. ગત બજેટમાં કેન્દ્ર સરકારે સોના-ચાંદી પરની આયાત જકાત 15 ટકાથી ઘટાડીને 6 ટકા કરી નાખી હતી જેને પગલે ભાવમાં 10 ગ્રામે 4000નું ગાબડુ પડ્યું હતું.
છેલ્લા મહિનાઓમાં સોનાની આયાતમાં પણ મોટો વધારો છે. સામે વેપારખાદ્ય ચિંતાજનક રીતે વધવા લાગી છે. નવેમ્બરમાં વેપાર ખાદ્ય 32,84 અબજ ડોલર થઇ હતી છતાં ગત વર્ષ 2023ના ડીસેમ્બરના 18.76 અબજ ડોલરથી વધુ હોવાની સરકારની વોચ છે.
રૂપિયો નબળો પડ્યો છે અને નિકાસમાં ઘટાડા સામે આચાતમાં વૃદ્ધિથી વેપારખાદ્ય વધવાની આશંકા છે તેને કારણે આયાત જકાત વધી શકે છે. ઝવેરીઓનો એક વર્ગ જો કે આયાત જકાત વધવાની શક્યતા નકારે છે. સરકારે માત્ર છ માસમાં નીતિ ન પલ્ટે તેવો તેમનો તર્ક છે.
રૂા. 500 ના ઉછાળા સાથે સોનું રૂા.81000ને પાર
રાજકોટ, તા.17
અમેરિકાનું કોર ઈન્ફલેશન ડિસેમ્બરમાં ઘટયું હતું. ડોલર ઇન્ડેક્સ ઘટતાં સોનામાં ખરીદીનું આકર્ષણ વધ્યું જેને કારણે વર્લ્ડ માર્કેટમાં સોનું વધીને એક મહિનાની ટોચે 27.28 ડોલરની સપાટીએ અને ચાંદી વધીને 31.02 ડોલરની સપાટીએ પહોંચી હતી. સ્થાનિક માર્કેટમાં સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રાજકોટમાં રૂા.500 વધ્યો હતો. જ્યારે ચાંદીનો ભાવ પ્રતિ કિલો ભાવ રૂ 500 ઘટયો છે.
છેલ્લા કેટલાક સમયથી સોનામા તેજી જોવા મળી રહી છે. અને પગલે ભાવ મહિનાના ટોચે પહોંચ્યાં છે. છેલ્લા 1 અઠવાડિયાથી સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. સોનાનો ભાવ 81 હજારને પાર પહોંચી ગયો છે. જેથી રોકાણકારોની ચિંતામાં વધારો થયો છે. રાજકોટમાં આજે રૂ. 500 ના વધારા સાથે સોનાનો ભાવ રૂ. 81850 નોંધાયો છે. જ્યારે ચાંદીનો ભાવ રૂ 500 ઘટી 94000 નોંધાયો છે.
વર્લ્ડ માર્કેટમાં સોનું વધીને એક મહિનાની ટોચે પહોંચ્યું છે. જેને પગલે આજે સોનાના ભાવમાં 500 રૂપિયાનો વધારો થયો છે. 24 કેરેટ સોનાનો ભાવ 81 હજાર રૂપિયાને પાર થઈ ગયો છે. જ્યારે 22 કેરેટ સોનું 74 હજાર રૂપિયાથી વધુ છે.
સોનાના ભાવ સતત વધી રહ્યા છે. સોનાના ભાવ દરરોજ ગ્રીન એલર્ટ સાથે ખુલી રહ્યા છે. ભારતમાં 24 કેરેટ સોનાની કિંમત 10 ગ્રામ દીઠ 81 હજાર રૂપિયા છે. ઘરેણાં ખરીદનારાઓ માટે 22 કેરેટ સોનાના દર વિશે વાત કરીએ તો તેની કિંમત 74 હજાર રૂપિયાથી વધુ છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy