શ્રી સરસ્વતી દેવીના પૂજનનું શાસ્ત્રોકત મહાત્મ્ય શું છે?

Dharmik | 13 February, 2024 | 04:41 PM
સાંજ સમાચાર

સંવત 2080 ઈ.સ.2024 વસંતપંચમી મહા માસ શુકલ પક્ષ પાંચમ તા.14 ફેબ્રુઆરી 2024 બુધવાર, વસંતપંચમી સરસ્વતી દેવીનું પુજા મુર્હુત સવારે 07 ક. 19 મી. થી બપોરે 12 ક. 35 મી. સુધી શ્રીમદ દેવી ભાગવત મહાપુરાણના નવમ સ્કંધના ચતુર્થ અને પંચમ અધ્યાયમાં શ્રી સરસ્વતી માતાની પૂજાનું વિધાન વિસ્તારપૂર્વક આપવામાં આવ્યું છે.
મહાસુદની પાંચમી તિથિ ને વસંતપંચમી તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે માતા શ્રી સરસ્વતી દેવીનું પૂજન કરવામાં આવે છે. શ્રી દેવીના પૂજનનું અત્યંત મહાન ફળ શાસ્ત્રોમાં દર્શાવવામાં આવ્યું છે.
 

શ્રી સરસ્વતી દેવીનું ધ્યાન
 

શ્ર્વેત રંગના, મંદ હસતાં, અતિ મનોહર, કરોડો ચંદ્રની ક્રાંતિનો તિરસ્કાર કરતાં અનુપમ સૌંદર્યયુક્ત, અગ્નિશુદ્ધ વસ્ત્રો ધારણ કરનારા વીણા તથા પુસ્તકને ધારણ કરનારા, ઉત્તમ રત્નોથી બનાવેલા અનુપમ આભૂષણોથી શણગારેલા, બ્રહ્મા, વિષ્ણુ તથા શિવ વગેરે દેવો વડે સારી રીતે પૂજન કરાયેલા તથા મોટા મુનિઓ, મનુઓ, મનુષ્યો વગેરેએ ભક્તિથી પૂજન-અર્ચન કરાયેલ તથા સુગંધી ધોળાં પુષ્પ, ધોળાં પુષ્પોની માળા પહેરેલા ધોળાં ચંદન લગાડેલા તથા શ્ર્વેત આભૂષણો ધારણ કરેલા માતા સરસ્વતીને ખૂબ ભાવ ભક્તિથી પ્રણામ કરવા, નમસ્કાર કરવા. આમ ભકતે શ્રીદેવીનું ધ્યાન ધરવું.
 

શ્રી સરસ્વતી દેવનું પૂજન
 

શ્રી નારાયણે નારદજીને માતાજીના પૂજનની રીત જે કણ્વ શાખામાં કહેલી છે તે રીત આ પ્રમાણે છે.
મહાસુદી પાંચમના આગલા દિવસે માતાના પૂજનનો મનુષ્યયે નિશ્ર્ચય કરવો તથા મહાસુદી પાંચમે પવિત્ર તથા સાવધાન થઈ શ્રી સરસ્વતી માતાનું ધ્યાન કરી ખૂબ ભક્તિ, ભાણથી, શાસ્ત્રની આજ્ઞા મુજબ વિધિ પ્રમાણે કળશનું સ્થાપન કરવું. સૌપ્રથમ ભગવાન ગણેશનું પૂજન કરવું, પછી ઈષ્ટદેવી માતા સરસ્વતીનું પુજન કરવું. શ્રી દેવીનું ધ્યાન કરી અને ષોડશોપચાર થી ભક્તિપૂર્વક પૂજન કરવું તથા તેમાં આ પ્રમાણે નૈવેદ્ય આપવું.
 

શ્રી સરસ્વતી દેવીનું નૈવેદ્ય અર્પણ
 

માખણ, દહીં, દૂધ, ચોખા, ઘી, ધોળી શેરડીનો રસ, પાકો ગોળ, મધ, સાકર, ધોળા લાડુ, જળ તથા ઘઉંનો ઘી નાખેલો લોટ, ઘી નાખેલો દૂધપાક, નાળીયેર, નાળીયેરનું પાણી, મુળા, આદુ, પાકાં કેળા, સુંદર બીલાં, બોર તથા ઋતુ અનુસાર સફેદ ફળ આ બધુ નૈવેદ્ય સમજવું.
શ્રી સરસ્વતી દેવીનો મૂળ મંત્ર
શ્રી હ્રી સરસ્વત્યૈ સ્વાહા
આ મંત્ર વેદોકત મંત્ર છે. આ આઠ અક્ષરોવાળો વેદોકત મંત્ર કલ્પવૃક્ષ સમાન છે અને સર્વને ઉપયોગી છે.
આ મંત્રમાં શ્રી લક્ષ્મીનું બીજ તથા હીં માયાનું બીજ કહેવાય છે.
આ વૈદિક મંત્ર શ્રી નારાયણ દેવે ભરતખંડના મહાન પવિત્ર પ્રદેશ ગંગાના કિનારે વાલ્મીકી ઋષીને આપ્યો હતો.
 ભૃગુ ઋષિએ સૂર્યગ્રહણના સમયે પુષ્કર ક્ષેત્રમાં શુક્રાચાર્યને આપ્યો હતો. મારીચ ઋષીએ ચંદ્રગ્રહણના સમયે બૃહસ્પતિને આપ્યો હતો. ભગવાન શ્રી શંકરે આ મંત્ર કણાદ તથા ગૌતમ મુનિને હર્ષપૂર્વક આપ્યો હતો. શાસ્ત્રોની આજ્ઞા મુજબ ચાર લાખ મંત્ર જપવાથી આ મંત્ર સિદ્ધ થાય છે. આ મંત્ર સિદ્ધ થવાથી મનુષ્ય બૃહસ્પતિ જેવો વિદ્વાન થાય છે.
શ્રી સરસ્વતી દેવીના પૂજનનું અત્યંત મહાન ફળ તથા ભગવાન શ્રી કૃષ્ણએ શ્રી સરસ્વતી દેવીને આપેલા વરદાન

ભગવાન શ્રીકૃષ્ણ બોલ્યા ‘હે દેવી! વિદ્યાનો આરંભ કરવાનો દિવસ મહાસુદી પાંચમ છે. ત્યારે દરેક વિશ્ર્વમાં લોકો તમારી માન સહિત મોટી પૂજા કરશે અને મારા આ વરદાનને લીધે જિતેન્દ્રય તથા સંયમી મનુષ્યો, મનુઓ, દેવતાઓ, મોટા મુનિઓ, મુમુક્ષુઓ, વસુઓ, યોગીઓ, સિદ્ધો, ગંધર્વો રાક્ષસો વગેરે ભક્તિ-ભાવથી કણ્વ શાખામાં કહેલી વિધિ મુજબ તમારી પૂજા કરશે. શ્રી ભગવાનના પૂજન પછી બ્રહ્મા, વિષ્ણુ, શિવ, શેષનાગ, ધર્મએ, સનકાદિ, મુનિઓએ તથા રાજાઓ તથા મનુષ્યો વગેરે સર્વ લોકો સરસ્વતી દેવીનું પૂજન કરવા માંડયા.
આ લેખ લખનારનું સરસ્વતી દેવી પૂજન તથા વ્યતિપાત યોગ વિશેનું પ્રવચન 8-ભાગમાં તથા શ્રીકૃષ્ણ જન્માષ્ટમી, રાધાઅષ્ટમી, ચાર્તુમાસ મહાત્મ્ય, તુલસી, રૂદ્રાક્ષ અને પીપળાના પુજનનું મહત્વ, 1 લાખ અશ્ર્વમેઘ યજ્ઞનું પુણ્ય ઘરબેઠા મેળવો વિગેરે યુટયુબમાં ‘મોરે શ્યામ ચેનલ’ ઉપર ઉપલબ્ધ છે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj