તિરૂપતિનગરમાં થયેલ વાયર ચોરીનો ભેદ ઉકેલાયો: લોહાનગરનો શની ગામેતી ઝડપાયો: બે સકંજામાં

Crime | Rajkot | 17 May, 2024 | 04:31 PM
ગોડાઉનમાં વંડી ઠેકી ત્રાટકેલા તસ્કરો રૂા.3.19 લાખનો મુદ્દામાલ ઉસેડી નાસી છૂટતાં પોલીસે ગણતરીની કલાકોમાં ચોરીનો ભેદ ઉકેલી નાંખ્યો
સાંજ સમાચાર

► રૂા.2.28 લાખનો મુદ્દામાલ જપ્ત: એલસીબી ઝોન-1 ના પીએસઆઈ આર.એચ.ઝાલા અને ટીમને મળી સફળતા

રાજકોટ. તા.17
તિરૂપતિનગરમાં આવેલ ઈલેક્ટ્રીક સામાનના ગોડાઉનમાં એક દિવસ પહેલાં ત્રાટકેલા તસ્કરોએ ચોરીને અંજામ આપી રૂ.3.19 લાખનો વાયર ચોરી નાસી છૂટતાં પોલીસ દોડતી થઈ હતી અને ગણતરીની કલાકોમાં એલસીબી ઝોન-2 ની ટીમે હનુમાન મઢી પાસેથી લોહાનગરનો સની ગામેતી પકડી ચોરીના ગુનાનો ભેદ ઉકેલી રૂ.2.28 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

જ્યારે અન્ય બે શખ્સોને પણ સકંજામાં લઈ પૂછતાછ આદરી હતી. બનાવ અંગે નિર્મલા રોડ પાસે લીંબુડી વાડી મેઈન રોડ પર રહેતાં વિવેકભાઈ મણીલાલ દેથરીયા (ઉ.વ.38) એ નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, તેઓનું તિરુપતિનગર મેઈન રોડ જુની પોસ્ટ ઓફીસની બાજુમાં ઓફીસ/ગોડાઉનમા આવેલ છે. જેમા ઈલેક્ટ્રીકને લગતો સામાન રાખી વેપાર કરે છે. ગઈ તા. 14/05/2024 ના સાંજના સમયે તેઓ ઓફીસ/ગોડાઉન બંધ કરી ઘરે જતાં રહેલ હતાં.

ગઈકાલે સવારના દશેક વાગ્યાની આસપાસ  ઓફીસ/ગોડાઉન ગયેલા અને ઓફીસ/ગોડાઉનનો મેઈન દરવાજો ખોલતા અંદરના ભાગે દરવાજાના લોક તોડેલ હતા અને સામાન અસ્ત-વ્યસ્ત પડેલ હતો. તપાસ કરતા ઓફીસ/ગોડાઉનમા રાખેલ માલમાથી 1.0 સ્ક્વેર એમએમ વાયર બંડલ નંગ 22 રૂ. 41250, 1.5 સ્ક્વેર એમએમ વાયર બંડલ નંગ 12 રૂ. 26500, 2.5 સ્ક્વેર એમએમ વાયર બંડલ નંગ 08 રૂ. 43613, 4.0 સ્ક્વેર એમએમ વાયર બંડલ નંગ 05 રૂ. 42275, 1.75 સ્ક્વેર એમએમ વાયર બંડલ નંગ 29 રૂ. 25600, 2.5 સ્ક્વેર એમએમ વાયર બંડલ નંગ 13 રૂ. 38 હજાર, 6.0 સ્ક્વેર એમએમ વાયર બંડલ નંગ 03  રૂ.18 હજાર સહિતના અલગ અલગ વાયરના બંડલ કોઈ અજાણ્યા શખ્સો ઓફીસ/ગોડાઉનની દિવાલ ઠેકી અંદર પ્રવેશ કરી દરવાજાના નકુચો તોડી પ્રવેશ કરી  નીચેના રૂમના અને ઉપરના માળના દરવાજાના નકુચા તોડી ઈલેકટ્રીકનો અલગ-અલગ  વાયરનો જથ્થો કુલ 89 વાયરના બંડલ મળી કુલ રૂ. 3,19,238 નો મુદ્દામાલ ચોરી કરી નાસી છૂટતાં ફરીયાદ નોંધાવી હતી.

બનાવ અંગેની ફરીયાદ પરથી એલસીબી ઝોન-1 ના પીએસઆઈ આર.એચ.ઝાલા અને ટીમે સીસીટીવી ફુટેજના આધારે તપાસનો ધમધમાટ આદર્યો હતો ત્યારે હેડ કોન્સ્ટેબલ રાહુલ ગોહેલ, કોન્સ્ટેબલ જયપાલસિંહ સરવૈયા, જેન્તીગીરી ગોસ્વામી અને મનીષ લોઢિયાને મળેલ ચોક્કસ બાતમીના આધારે ચોરી કરી નાસી છૂટવાની પેરવી કરતાં શની શંકર વરગોડિયા (ગામેતી) (ઉ.વ.21),(રહે. લોહાનગર, મફતીયાપરા, રામાપીરના મંદિરની પાસે) ને ઝડપી પાડી એક ઓટો રીક્ષા, સલગાવેલા તાંબાના વાયરના બંડલો, એક તણી, કાતર, ડિસમીસ નં.3 અને કોઈતો મળી કુલ રૂ.2.28 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. 

આરોપીની પૂછતાછમાં તેની સાથે અન્ય બે શખ્સો જીતેષ રમેશ પાટડીયા અને મનસુખ ઉર્ફે દિકુ હરી પરમાર (રહે. બંને લોહાનગર, મફતિયાપરા) હોવાની કબૂલાત આપતાં સ્ટાફે અન્ય બંને પણ સકંજામાં લઈ પૂછતાછ હાથ ધરી વધું ઘરફોડ ચોરીના ભેદ ઉકેલવા પ્રયાસો હાથ ધર્યા હતાં. ઉલ્લેખનીય છે કે ત્રણેય શખ્સો વિરુદ્ધ અલગ અલગ પોલીસ મથકમાં ઘરફોડ ચોરીના અનેક ગુના નોંધાયેલ છે.

► રેકી કરી મોડી રાતે ગોડાઉનમાં ત્રાટકતા:  વાયરના બંડલો સળગાવી તાંબું વેંચતા
તિરૂપતિનગરમાં ઇલેક્ટ્રીક સામાનના ગોડાઉનમાં થયેલ ચોરીના બનાવમાં પકડાયેલા આરોપી અગાઉ નાની મોટી વાયરની ચોરીમાં પકડાયેલ હોય જેથી ગોડાઉનની રેકી કરી પ્લાન બનાવી મોડી રાતે પોતાની પાસેના ઓજારોથી ગોડાઉનનું લોક તોડી તેમાં રહેલા ઇલેક્ટ્રીક વાયરના બંડલો ચોરી કરી મુદ્દામાલ કોઈ ઓળખી ન શકે તે માટે વાયરને સળગાવી તેમાંથી નીકળેલ તાંબાના વાયરના ગુછા બનાવી ભંગારના ડેલામાં વેંચી નાંખતા હતાં.

► તસ્કરોએ તિરૂપતિનગરમાંથી વાયર ચોરી ભક્તિનગર પ્લોટ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં વેંચી નાખ્યો
તિરૂપતિનગરમાંથી રૂ.3.19 લાખનો વાયર ચોરી કરી તસ્કરોએ ભક્તિનગર પ્લોટ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં વેંચી નંખ્યાનો કબુલાત આપી હતી. જેથી પોલીસે ચોરીનો વાયર ખરીદનાર કારખાનેદાર સામે પણ કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરી હતી.

► 21 વર્ષનો ફ્રુટનો ધંધાર્થી તસ્કર બની ગયો
ચોરીમાં પકડાયેલ લોહાનગરમાં રહેતો 21 વર્ષીય શની તેના પિતા સાથે ફ્રુટનો ધંધો કરતો હતો અને સાથે સાથે કુમળીવયમાં જ જલ્દી રૂપીયા કમાઈ લેવાની લ્હાયમાં ચોરીના રવાડે પણ ચડી ગયો હતો. સનીએ વર્ષ 2023 માં જામનગર વિસ્તારમાં બે ચોરીને અંજામ આપ્યો હતો અને બાદમાં તિરૂપતિનગરમાં ચોરીને અંજામ આપ્યો હતો.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj