નવા કરબોજ વિનાના-પુરાંતલક્ષી બજેટમાં 7.92 કરોડ વિકાસકામો માટે વપરાશે: અનેક મહત્વની જોગવાઈ

જીલ્લા પંચાયતનું બજેટ સામાન્ય સભામાં મંજુર: કોંગ્રેસની તડાફડી-વોકઆઉટ

Politics, Local | Rajkot | 22 February, 2024 | 05:37 PM
સ્વભંડોળના 15.87 કરોડ સહિત 845.10 કરોડના બજેટને બહાલી: ગ્રામ્ય સુખાકારી-વિકાસલક્ષી બજેટ હોવાનો પ્રમુખ પ્રવિણાબેન રંગાણીનો દાવો
સાંજ સમાચાર

રાજકોટ તા.22
રાજકોટ જીલ્લા પંચાયતની સામાન્ય સભામાં આજે સ્વભંડોળના 15.47 કરોડ સહિત કુલ મળીને કુલ 845.10 કરોડના બજેટને બહાલી આપવામાં આવી હતી. આ તકે ગ્રાન્ટના સુચવેલા કામો મંજુર કરાતા ન હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસે તડાફડી સર્જીને સભાત્યાગ કર્યો હતો.

જીલ્લા પંચાયતની સામાન્ય સભા પ્રમુખ પ્રવિણાબેન રંગાણીના અધ્યક્ષસ્થાને મળી હતી. તેઓના પ્રમુખપદ હેઠળનું પ્રથમ બજેટ હતું. અંદાજપત્ર પ્રવચનમાં તેઓએ કહ્યું કે ગ્રામ્ય પ્રજાની આરોગ્ય સુખાકારી તથા જાહેર હિતોને ધ્યાને રાખીને કોઈપણ જાતના કરવેરા વિનાનુ પુરાંતલક્ષી બજેટ તૈયાર કરવામાં આવ્યું છે.

બજેટના નાણા પ્રજાના કલ્યાણ-ઉત્કર્ષમાં વાપરવાનો સંકલ્પ છે. 2023-24નુ સુધારેલુ સ્વભંડોળનું બજેટ 17.25 કરોડનું મંજુર કરાયુ હતું. નવા નાણાંકીય વર્ષ 2024-25નુ અંદાજપત્ર સ્વ.ભંડોળનુ 15.87 કરોડ તથા સરકાર તરફથી મળતા અનુદાનનુ 914.55 કરોડ મળીને 845.10 કરોડનું છે. આ બજેટને સામાન્ય સભાએ બહાલી આપી હતી.

તેઓએ બજેટની મુખ્ય દરખાસ્તો વિશે કહ્યું કે શ્રેષ્ઠ ગ્રામ પંચાયત પસંદગી સ્પર્ધા માટે 22 લાખ ઉતમ તાલુકા પંચાયત પ્રોત્સાહન યોજના માટે 5 લાખ, વિકાસ યોજનાઓ માટે 7.92 કરોડ, પ્રાથમીક શાળાઓમાં સ્માર્ટ કલાસ બનાવવા 20 લાખ, રાજકોટ જીલ્લાને કુપોષણમુક્ત બનાવવા માટે કુપોષિત બાળકોને પોષણયુક્ત અને પ્રોટીનયુક્ત આહાર પુરો પાડવા 20 લાખ, પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે 2 લાખ, સામાજીક ન્યાયનિધિમાં તબદીલ રકમ 40 લાખ, તળાવો-નહેરો તથા તેના દેખરેખના કામો માટે 28 લાખ, પુર સંરક્ષણ દિવાલો તથા પાયાના કામ માટે 10 લાખ, દેશની સુરક્ષા ફરજ બજાવતા શહિદ થતા સૈનિકના પરિવારો માટે પાંચ લાખ જેવી મહત્વની જોગવાઈઓ કરવામાં આવી છે.

ગત સપ્તાહમાં કારોબારીમાં મંજુર થયેલા બજેટને આજે સામાન્ય સભામાં બહાલી આપવામાં આવી હતી. જીલ્લા પંચાયતના તમામ સભ્યોને મતક્ષેત્ર વિકાસ માટે 22-22 લાખની ગ્રાન્ટ નકકી કરવામાં આવી હતી.

બજેટને વિકાસલક્ષી અને બોજામુક્ત ગણાવીને કારોબારી અધ્યક્ષ પી.જી.કિયાડાએ પ્રશંસા કરી હતી ત્યારે કોંગ્રેસના સભ્ય મનસુખભાઈ સાકરીયા ઉભા થયા હતા. કોંગ્રેસ સભ્યો સાથે કિન્નાખોરી રાખીને સુચવેલા કામો મંજુર કરાતા ન હોવાના આક્ષેપ કર્યા હતા ત્યારે પ્રમુખ-કારોબારી અધ્યક્ષે આક્ષેપ ફગાવ્યા હતા અને શાસક-વિપક્ષ વચ્ચે તડાફડીનો માહોલ સર્જાયો હતો. છેવટે કોંગ્રેસના સભ્યોએ વોકઆઉટ કર્યો હતો.

      પક્ષાંતર કરનારા ખાટરીયા સહિતના સભ્યોને ગેરલાયક ઠેરવવા પ્રક્રિયા ચાલુ

 

►  ભાજપમાં જોડાવ તો જ કામો મંજુર થશે: કોંગ્રેસના સભ્યોને દબાણ

મનસુખ સાકરીયા સહિતના સભ્યોને ભાજપ શાસકો સામે ખુલ્લો આરોપ: તેઓએ સુચવેલા કામો મંજુર થતા નથી; ધરણા-આંદોલન કરવાની ચેતવણી: જસદણના નેતા સામે આંગળી ચિંધી

રાજકોટ જીલ્લા પંચાયતના બજેટને બહાલી આપવા યોજાયેલી સામાન્યસભામાં શાસક ભાજપ કિન્નાખોરી રાખતો હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસના સભ્યોએ વોકઆઉટ કર્યો હતો અને ત્યારબાદ સભાગૃહની બહાર નીકળીને એવો આક્ષેપ કર્યો હતો કે ભાજપમાં જોડાવા માટે દબાણ ઉભું કરવા માટે કોંગ્રેસના સભ્યો દ્વારા સૂચવાતા કામો કરાતા નથી.

જીલ્લા પંચાયતમાં કોંગ્રેસના સભ્યો મનસુખ સાકરીયા, ખોડાભાઇ દુધરેલીયા, ભરતભાઇ બાડોદરા વગેરેએ કહ્યું કે અર્જુન ખાટરીયા જેવા સભ્યોના પથપલ્ટા બાદ જીલ્લા પંચાયતમાં કોંગ્રેસના સભ્યોની સંખ્યા સાત રહી ગઇ છે. પક્ષપલ્ટો કરનારા કોંગ્રેસના સભ્યોને ગેરલાયક ઠરાવવા માટે પ્રક્રિયા શરુ કરવામાં આવી જ છે. અમે કોંગ્રેસ છોડવાના નથી, ભાજપના આમંત્રણ ફગાવ્યા છે એટલે કિન્નાખોરી રાખવામાં આવી રહી છે.

તેઓએ કહ્યું કે કોંગ્રેસના સભ્યોએ સૂચવેલા કામોને ભાજપના શાસકો મંજુર કરતા નથી. જસદણ બાજુના એક નેતાએ તો કોંગ્રેસના સભ્યોને ભાજપમાં આવી જવાની ઓફર કરી હતી. સભ્યોએ ઇન્કાર કરતાં એમ કહી દીધું હતું કે તેઓએ સુચવેલા કામો મંજુર કરાવવા હોય તો ભાજપમાં જોડાવું પડશે. કામો મંજુર કરાવવા માટે રાજકીય દબાણ સર્જવામાં આવે છે.

પરંતુ અમે ઝુકવાના નથી અને આક્રમક લડત આપવામાં આવશે. આ મામલે પ્રમુખ તથા જીલ્લા વિકાસ અધિકારીને રજુઆત કરવામાં આવશે અને કોઇ ઉકેલ ન આવે તો જીલ્લા પંચાયત કચેરીએ જ ધરણા સહિતના આંદોલન કરવામાં આવશે.

તેઓએ કહ્યું કે કોંગ્રેસના સભ્યોએ પોતપોતાના મતવિસ્તારોમાં ચેકડેમ, કોઝવે, વિજળી વગેરેના કામો સૂચવવામાં આવ્યા હતાં. તેમણે ઉમેર્યું કે કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા અર્જુન ખાટરીયા સહિતના સભ્યોને પક્ષાંતર હેઠળ ગેરલાયક ઠરાવવાની પ્રક્રિયા શરુ થઇ જ છે. આ મામલે હાઇકમાંડનું ધ્યાન દોરવામાં આવ્યું છે.

► નવનિયુક્ત ડીડીઓનું સન્માન

જીલ્લા પંચાયતની સામાન્ય સભામાં નવનિયુક્ત જીલ્લા વિકાસ અધિકારી નવનાથ ગવ્હણેનુ હોદ્દેદારો-સભ્યો દ્વારા બુકેથી સન્માન કરાયુ હતું. તસ્વીરમાં પ્રવિણાબેન રંગાણી, ઉપપ્રમુખ રાજુ ડાંગર, કારોબારી અધ્યક્ષ પી.જી.કિયાડા, અર્જુન ખાટરીયા નજરે ચડે છે.      

► સભાગૃહનુ પગથિયુ જ તૂટેલુ: લાંબા વખતથી રીપેર થતુ નથી
જીલ્લા પંચાયતના મુખ્ય સભાગૃહમાં સામાન્ય સભા, કારોબારી સહિત અનેક મહત્વની બેઠકો યોજાતી હોય છે. કેટલાંક વખતથી પગથિયુ તૂટી ગયુ છે. તંત્ર તેનાથી વાકેફ છે છતા રીપેરીંગ થતુ નથી. પસાર થતા લોકો કાળજી રાખે તે માટે મેટ ઉંચી કરી દેવામાં આવી છે. જીલ્લા પંચાયતના બિલ્ડીંગનું નવનિર્માણ થવાનુ છે એટલે રીપેરીંગ નથી થતુ કે શું? તેવી ચર્ચા થતી હતી.
 

 

 

 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj