હારે એ નારી નહીં:કોઈના પિતા નથી, કોઈના પતિ કારખાનામાં મજૂર: ઘરના પૈડાં ચલાવવા બસમાં ટિકિટ કાપતી 10 મહિલા કંડક્ટર

09 March 2021 07:07 AM
Rajkot Woman
  • હારે એ નારી નહીં:કોઈના પિતા નથી, કોઈના પતિ કારખાનામાં મજૂર: ઘરના પૈડાં ચલાવવા બસમાં ટિકિટ કાપતી 10 મહિલા કંડક્ટર

કોઈ મજબૂરીમાં તો કોઈ એસ.ટી.માં ભરતી થવા માટે કંડક્ટર તરીકે નોકરી કરે છે: ઘરની આર્થિક સ્થિતિ સારી ન હોવાને કારણે અમુકે ભણતર છોડી કંડક્ટર બનવું પડ્યું:8 કલાક નોકરી કરી ઘરમાં આર્થિક રીતે મદદરૂપ થતી 10 વિરાંગનાને સો સો સલામ

રાજકોટ, તા.8
નારી વિશે જેટલું લખીએ એટલું ઓછું જ પડવાનું છે...આખું જીવન મહિલા વગર દુષ્કર છે અને વર્ષના 365 દિવસ મહિલાઓના જ હોય છે આમ છતાં આજે સમગ્ર વિશ્ર્વમાં ‘મહિલા દિવસ’ની ઉજવણી ચાલી રહી છે. રાજકોટમાં પણ એવી અનેક મહિલાઓ છે જેમણે શૂન્યમાંથી સર્જન કરીને દેશ-દુનિયામાં પોતાનું નામ ગુંજતું કર્યું છે. આ બધાની વચ્ચે શહેરમાં મહાપાલિકા સંચાલિત સિટી બસમાં કંડક્ટર તરીકે કાર્યરત 10 મહિલાઓની કહાની જાણીને તેમને સલામ કર્યા વગર રહી શકાશે નહીં. અત્યારે દરેક ક્ષેત્રમાં મહિલાઓ પુરુષ સમોવડી બનીને ‘વટભેર’ કામ કરી રહી છે પરંતુ આ 10 મહિલાઓ પૈકી અમુકની આર્થિક સ્થિતિ ખરાબ હોવાને કારણે તેમણે મજબૂરીવશ કંડક્ટર તરીકે નોકરી કરી રહી છે તો વળી અમુક શોખ ખાતર કંડક્ટર બની ગયાં છે તો વળી અમુક એસ.ટી.બસમાં કંડક્ટર તરીકે નોકરી મેળવવા માટે આ કામ કરી રહ્યાં છે. એકંદરે તેમની કામ પ્રત્યેની ધગશ અને ઘર માટે કંઈક કરી છૂટવાની ભાવના સાંભળીને તેમને બિરદાવવી જ પડે ત્યારે આ મહિલાઓ જીવનમાં કેટલો સંઘર્ષ કરી રહી છે તેની સંક્ષિપ્ત વિગત અત્રે પ્રસ્તુત છે.

સિટી બસમાં આટલા મહિલા કંડક્ટર કાર્યરત
(1) ભોજાણી ભવ્યતાબેન (2) વાઘેલા જાગૃતિબેન (3) અગવાન તમન્નાબેન (4) ભક્તિબેન ડાભી (5) ભાલોડિયા પૂજાબેન (6) ટવીન્કલબેન જાદવ (7) તૃપ્તિબા જેઠવા (8) સાંકળિયા અમિતાબેન (9) સાંકળિયા અલ્પાબેન (10) ડેડાણિયા રવિનાબેન

એસ.ટી.માં કંડક્ટર તરીકે નોકરી મેળવવા સિટી બસમાં નોકરી શરૂ કરી: ટવીન્કલબેન જાદવ
15 દિવસ પહેલાં જ સિટી બસમાં કંડક્ટર તરીકે નોકરી મેળનાર ટવીન્કલબેન જાદવે જણાવ્યું કે તેણે લોકડાઉન પહેલાં એસ.ટી.બસમાં કંડક્ટર તરીકેની નોકરી મેળવવા માટે પરીક્ષા આપી હતી. જો કે તેનું પરિણામ હજુ આવ્યું નહીં હોવાથી તેણે સિટી બસમાં નોકરી શરૂ કરી દીધી છે. ટવીન્કલબેનના પિતા કલર કંપનીમાં નોકરી કરે છે તો માતા ગૃહિણી છી અને ભાઈ માનવ જાદવ અત્યારે અભ્યાસ કરે છે. જો કે તેણે સ્વબળે કશુંક કરી છૂટવાની ભાવનાને પગલે આ નોકરી શરૂ કરી હોવાનું જણાવ્યું હતું.

મારા પપ્પાનું સ્વપ્ન પૂર્ણ કરવા કંડક્ટર બની: તૃપ્તિબા જેઠવા
6 મહિનાથી સિટી બસમાં કંડક્ટર તરીકે નોકરી કરતાં તૃપ્તિબા ખુમાનસિંહ જેઠવા જણાવે છે કે તેમના પિતા ખુમાનસિંહ અત્યારે એસ.ટી.બસમાં ડ્રાઈવર તરીકે નોકરી કરે છે. જ્યારે બે ભાઈ પૈકીના એક ટેક્સી ચલાવે છે તો એક ભાઈ અભ્યાસ કરે છે. જો કે તેમના પિતા ખુમાનસિંહનું સ્વપ્ન હતું કે ત્રણ ભાઈ-બહેનમાંથી એક એસ.ટી.બસમાં કંડક્ટર તરીકે નોકરી કરે...બસ, તેમનું સ્વપ્ન પૂર્ણ કરવા માટે જ મેં કંડક્ટર તરીકે નોકરી શરૂ કરી છે. તૃપ્તિબાએ જણાવ્યું કે હવે હું ધો.12ની પરીક્ષા આપ્યા બાદ કંડક્ટર તરીકેની ભરતી આવશે એટલે તેમાં ફોર્મ ભરીશ અને ચોક્કપણે પાસ થઈશ તેવો મને વિશ્ર્વાસ છે. મને આ કામ અત્યંત પસંદ છે અને મારું સ્વપ્ન એસ.ટી.બસમાં કંડક્ટર તરીકે નોકરી મેળવવાનું છે જે જરૂર પૂર્ણ કરીશ.

ઘર ચલાવવાની સાથે સાથે 8 કલાક નોકરી કરે છે મહિલાઓ; પગાર રૂા.7500
સિટી બસમાં કાર્યરત 10 મહિલા કંડક્ટરો ઘર ચલાવવાની સાથે સાથે 8 કલાક નોકરી પણ કરે છે. 10 પૈકીની લગભગ તમામ મહિલાઓએ જણાવ્યું હતું કે દિવસ પૂરો થતાં થતાં એટલો થાક લાગે છે કે વાત જ કરી શકાય તેમ હોતી નથી આમ છતાં અમે હાર માનતાં નથી અને જેવો બીજો દિવસ આવે એટલે સ્ફૂર્તિ સાથે નોકરી પર આવી જઈએ છીએ. 8 કલાકની નોકરી બદલ તેમને રૂા.7500નો પગાર મળતો હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. આ નોકરી કોન્ટ્રાક્ટ આધારિત હોવાને કારણે ત્રણ વર્ષ બાદ તે પૂર્ણ થઈ જાય છે અને પછી તેને રિન્યુ કરાવવો પડે છે. જો તે રિન્યુ ન થાય તો બીજું કામ પણ શોધવું પડતું હોવાનું મહિલાઓએ જણાવ્યું હતું.

પતિ કારખાનામાં કરે છે મજૂરી, ખભેખભો મીલાવી ઘર ચલાવવા નોકરી શરૂ કરી: જાગૃતિબેન વાઘેલા
બે વર્ષથી સિટી બસમાં કંડક્ટર તરીકે નોકરી કરતાં જાગૃતિબેન વાઘેલાનો આજે વિશ્ર્વ મહિલા દિવસ નિમિત્તે જ જન્મદિવસ છે. જો કે જન્મદિવસની ઉજવણી કરવાને બદલે તેમણે ફરજ પર હાજર રહેવાનું વધારે પસંદ કર્યું હતું. આ પ્રસંગે જાગૃતિબેને જણાવ્યું હતું કે તેમના પતિ દિલીપભાઈ વાઘેલા કારખાનામાં મજૂરીકામ કરે છે પરંતુ તેમનો પગાર ઓછો હોવાને કારણે ઘર ચલાવવાનું મુશ્કેલ હોય તેમણે કંડક્ટર તરીકે નોકરી શરૂ કરી છે. કંડક્ટર બનતાં પહેલાં તેઓને ડોર ટુ ડોર સફાઈ કામનો કોન્ટ્રાક્ટ મળેલો હતો પરંતુ તે પૂર્ણ થયા બાદ રિન્યુ ન થતાં તેમણે કંડક્ટરનું કામ શરૂ કર્યું હતું. તેમણે કહ્યું કે મને આ કામ કરવામાં બહુ જ આનંદ મળી રહ્યો છે અને અત્યાર સુધીમાં કોઈ મુસાફર સાથે તેમને બોલાચાલી થઈ નથી કેમ કે તેમને હળીમળીને રહેવામાં મજા આવે છે.

મારા પિતા 19 વર્ષ પહેલાં અવસાન પામ્યા: માતાને મદદરૂપ થવા અને ભાઈને ભણાવવા કંડક્ટર બની: ભક્તિબેન ડાભી

છેલ્લા પાંચ મહિનાથી સિટી બસમાં કંડક્ટર તરીકે કાર્યરત ભક્તિબેન બીપીનભાઈ ડાભીએ જણાવ્યું કે આ નોકરી મળતાં પહેલાં તે શહેરના એક મોલમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી કરતી હતી.
જો કે ત્યાં અત્યંત ઓછી આવક થતી હોવાથી તેણે સિટી બસમાં કોન્ટ્રાક્ટ બેઈઝ પર કંડક્ટર તરીકે નોકરી મેળવી હતી. ઘરની આર્થિક સ્થિતિ અત્યંત ખરાબ હોવાને કારણે તેણે મજબૂરીવશ કહો તો મજબૂરીવશ અને શોખ ખાતર કહો તો શોખ ખાતર કંડક્ટર તરીકે નોકરી શરૂ કરી હતી. ભક્તિબેનના પિતા બીપીનભાઈ 19 વર્ષ પહેલાં મૃત્યુ પામતાં પરિવાર ઉપર આભ ફાટી પડ્યું હતું. આ પછી તેમના મમ્મી મધ્યાહન ભોજન યોજનામાં કોન્ટ્રાક્ટ બેઈઝ પર નોકરી કરી રહ્યા છે તો ભાઈ ભાવિક ડાભી અત્યારે ધો.12માં અભ્યાસ કરી રહ્યો છે. ભાઈને ભણાવવા અને ઘરને વ્યવસ્થિત રીતે ચલાવવા ભક્તિબેન અત્યારે નોકરી કરી રહ્યા છે. ખાસ વાત એ છે કે તેમણે કોલેજ સુધીનો અભ્યાસ કર્યો હતો અને તેમને સાયન્સનો વિષય લેવાની ઈચ્છા હતી પરંતુ તેની ફી ઘણી હોવાથી તેણે ભણતર છોડવું પડ્યું હતું. ભક્તિબેનને ભવિષ્યમાં એસ.ટી.બસમાં કંડક્ટર તરીકે નોકરી મેળવવાની ઈચ્છા છે.


Related News

Loading...
Advertisement