બજેટ 590 કરોડ ભાંગ્યું; હવે ટેકસનો ટાર્ગેટ 340 કરોડ : પગાર ખર્ચ 345 કરોડ!

16 March 2021 05:58 AM
Rajkot Gujarat budget
  • બજેટ 590 કરોડ ભાંગ્યું; હવે ટેકસનો ટાર્ગેટ 340 કરોડ : પગાર ખર્ચ 345 કરોડ!

કોરોના સહિતના કારણોથી હોસ્પિટલ, ગ્રીનલેન્ડ ચોકડી-ઉમિયા ચોકમાં બ્રીજ, શોપીંગ સેન્ટર સહિતના આયોજન અટકી ગયા: 300 કરોડની જમીન વેચાશે : કુલ 9પ0 કરોડના માંગણામાંથી 3રપ કરોડ વસુલી શકાય તેમ છે : ખાસ રીકવરી સેલ ઉભો કરાશે : કમિશ્નર

રાજકોટ, તા. 15
રાજકોટ મહાપાલિકાના નવા નાણાંકીય વર્ષનું બજેટ આજે મ્યુનિ. કમિશ્નરે રજુ કરવા સાથે ચાલુ નાણાંકીય વર્ષનું રીવાઇઝ બજેટ પણ મુકયું છે. ગત વર્ષે ર13ર કરોડના તૈયાર કરાયેલા અંદાજો સામે આ વર્ષે 590 કરોડ જેટલા ઘટાડા સાથે 1544.32 કરોડનું બજેટ જ રહ્યું છે. કોરોના સહિતના સંજોગોને કારણે ઘણી યોજના અમલમાં મુકી નહીં શકાયાનું કમિશ્નરે સ્વીકાર્યુ હતું. તો નવા વર્ષે વેરા વસુલાત ઝુંબેશ વધુ સઘન થાય તે માટેના પગલાની જાહેરાત પણ કરી હતી.


ચાલુ વર્ષે ટેકસની આવકનો અંદાજે ર60 કરોડ યથાવત રાખવામાં આવ્યો છે. પરંતુ નવા નાણાકીય વર્ષ માટે વેરાની આવક 340 કરોડ અંદાજવામાં આવી છે. તે સામે છેલ્લા વર્ષોમાં નવા પગાર પંચ સહિતના કારણોથી નિયમ મુજબ વધતો જતો પગાર ખર્ચ હવે 345.66 કરોડે પહોંચવાનો છે. આમ ટેકસની આવકમાંથી હવે કોર્પોરેશનના કર્મચારીઓ અને અધિકારીઓનો પુરો પગાર પણ નીકળી શકતો નથી.


કમિશ્નર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું કે જે 590 કરોડના કામ અટકયા છે તેમાંથી અમુક કામો આવતા વર્ષે હાથ પર લઇ શકાય તેવા પ્રયાસો પણ કરવામાં આવશે. ગત વર્ષે અમદાવાદની જેમ રાજકોટ કોર્પોરેશનની પણ મીની હોસ્પિટલ હોય તેવો વિચાર રજુ કરવામાં આવ્યો હતો પરંતુ તે શકય બન્યુ નથી. ગ્રીનલેન્ડ ચોકડી અને 1પ0 ફુટ રોડ પર ઉમિયા ચોકમાં બ્રીજની યોજના હાથ પર લઇ શકાય નથી. ચંદ્રેશનગરમાં શોપીંગ સેન્ટરનું કામ શરૂ કરી શકાયું નથી. દિવાળી કાર્નિવલ, ફલાવર શો જેવા આયોજન કોરોનાને કારણે શકય બન્યા નથી. આવા ઘણા આયોજન પડતા મુકવામાં આવ્યા છે.


ચાલુ વર્ષે હજુ મનપાની ટેકસની આવક 200 કરોડે પણ પહોંચી નથી ત્યારે કમિશ્નરે વર્તમાન ટાર્ગેટ 260 કરોડમાં કોઇ ઘટાડો કર્યો નથી. નવા નાણાકીય વર્ષમાં ટેકસની આવક 340 કરોડ અંદાજવામાં આવી છે. દર વર્ષે લોકો એડવાન્સ વેરો ભરે અને તે બાદ તંત્ર રાબેતા મુજબની કાર્યવાહી કરીને વસુલાત કરે તેનાથી આગળ પ્રયાસો તંત્ર કરવા માંગે છે. ઉદિત અગ્રવાલે કહ્યું હતું કે આ વર્ષે કોઇપણ વેરામાં વધારો સુચવવામાં ન આવવા છતાં આવકનો અંદાજ ઉંચો રાખવામાં આવ્યો છે. આ લક્ષ્યાંકને પહોંચવા માટે ટેકસ શાખાનું જરૂર જણાયે રી-સ્ટ્રકચરીંગ કરવામાં આવશે. આર્થિક સુધારણા માટે ટેકસ બેઇઝ વધારવાની જરૂર હોય તેમ રીકવરી રેઇટ પણ વધારવાને અગ્રતા આપવી પડશે. આ માટે રીકવરી સેલ ઉભો કરવા પણ તંત્રની ગણતરી છે.


રાજકોટમાં મિલ્કતોની આકારણી પારદર્શક અને ચોકસાઇપૂર્વક થાય તથા મિલ્કતોની વેરાની આવકનું સરળતાથી પૃથ્થકરણ થઇ શકે તે માટે શહેરની તમામ મિલ્કતોની સેટેલાઇટ ઇમેજ દ્વારા વેરાની વિગતો દર્શાવવાનું કામ ચાલે છે. નવા ભળેલા પાંચ વિસ્તારોમાં પણ આકારણી ચાલુ હોય, આવતા વર્ષથી વસુલાત થઇ જશે. નવા વિસ્તારોની નવી જવાબદારી નિભાવવા આ આવક મહત્વની બનશે.
1991માં 7 કરોડ આવક!


કમિશ્નરે જણાવ્યું કે આજ સુધીમાં 2.61 લાખ લોકોએ ટેકસ ભરી આપ્યો છે. ર.રપ લાખ લોકોએ સ્કીમ હેઠળ 130 કરોડ જમા કરાવ્યા છે. 1991માં વેરાની આવક 7 કરોડ હતી તે છેલ્લા 25 વર્ષમાં 250 કરોડ એટલે કે 35 ગણી પહોંચાડવામાં તંત્ર સફળ થઇ છે. જોકે રાજકોટની વસ્તી 1991થી 2018 સુધીમાં માત્ર ત્રણ ગણી વધી છે. મિલ્કતોના જીઓ ટેગીંગ પણ આવક વધારવામાં મદદરૂપ બનશે.


મેરેથોન કેન્સલ : ફલાવર શો માટે શરતી જોગવાઇ
રાજકોટ, તા. 15
છેલ્લા એક વર્ષમાં કોરોના મહામારીના કારણે મહાપાલિકા કોઇપણ જાતના કાર્યક્રમો કે આયોજનો કરી શકી નથી. હજુ કોરોનાનો ખતરો યથાવત છે. આથી મેરેથોન દૌડ માટેની જોગવાઇ આ વર્ષે નહીં કર્યાનું કમિશ્નરે કહ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે આ વર્ષે મેરેથોન માટે કોઇ ભંડોળ ફાળવવામાં આવ્યું નથી. કારણ કે હજુ આવી ઇવેન્ટ યોજવા જેવી સ્થિતિ નથી. ગત વર્ષે દિવાળી કાર્નિવલ પણ યોજવામાં આવ્યો ન હતો. આમ છતાં હજુ પુરો ઉનાળો બાકી છે ત્યારે ફલાવર શો માટે જોગવાઇ રાખવામાં આવી છે. પરંતુ કોરોનાની સ્થિતિ ધ્યાનમાં રાખીને જ આયોજનોને અંતિમ રૂપ આપવામાં આવશે. હાલ કોઇ કાર્યક્રમ કે ઇવેન્ટ ફાઇનલ કરવામાં આવેલ નથી.

 


Related News

Loading...
Advertisement