56.70 કરોડની નવી 22 યોજના : 2291.24 કરોડનું બજેટ મંજૂર કરતી સ્ટે. કમીટી

23 March 2021 01:23 AM
Rajkot Gujarat budget
  • 56.70 કરોડની નવી 22 યોજના : 2291.24 કરોડનું બજેટ મંજૂર કરતી સ્ટે. કમીટી

મનપાના કમિશનરના અંદાજપત્રમાં 15.44 કરોડનો ઉમેરો કરતા ભાજપ શાસકો : ચેરમેન પુષ્કર પટેલની નવી 22 યોજના:સોરઠીયાવાડી, 150 ફુટ રોડ પર રાધે ચોકડી અને કોઠારીયામાં ખોખડદડી નદી ઉ5ર બ્રીજ બાંધવા 18 કરોડની જોગવાઇ : મહિલા ગાર્ડન, વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, પાર્ટી પ્લોટ, નવા ઓડિટોરીયમ સહિતના પ્રોજેકટસની ગીફટ

રાજકોટ, તા. 22
મહાપાલિકામાં આજે મળેલી સ્ટે.કમીટીની બેઠકમાં ભાજપ શાસકોએ મ્યુનિ. કમિશ્નરના બજેટમાં થોડા ઘણા અને સામાન્ય ફેરફાર કરીને, 15.44 કરોડનું કદ વધારીને કુલ રર91.ર4 કરોડના અંદાજપત્રને મંજૂરી આપી જનરલ બોર્ડ તરફ મોકલી આપ્યું છે. પોતાના કાર્યકાળનું ચોથુ બજેટ રજૂ કરતા ચેરમેન પુષ્કર પટેલે રાજકોટની ગંભીર ટ્રાફિક સમસ્યા ધ્યાનમાં રાખીને જુદા જુદા વિસ્તારમાં વધુ ત્રણ બ્રીજના પ્રોજેકટ જાહેર કર્યા છે.


શહેરના કાલાવડ રોડ પર જડ્ડુસ ચોક, નાના મવા ચોક, રામાપીર ચોક અને કેકેવી ચોકમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ થોડા સમય પહેલા ઓવર બ્રીજના ભૂમિપૂજન કર્યા હતા. તેમાં ઉમેરો કરતા આજે પત્રકાર પરિષદમાં સ્ટે.ચેરમેન પુષ્કર પટેલે જાહેર કર્યુ હતું કે રાજકોટની અંદાજીત વસ્તી 18 લાખ છે અને આસપાસના ગામો, શહેરોમાંથી રોજ હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ, નોકરીયાતો, શ્રમિકો, ધંધાર્થીઓ અવરજવર કરે છે. શહેરમાં દર વર્ષે 50 હજાર જેટલા ટુ અને ફોર વ્હીલરનો ઉમેરો થાય છે. આ ટ્રાફિક સમસ્યા સામે વધુ આગોતરાના આયોજનના ભાગરૂપે સોરઠીયાવાડી પાસે, 150 ફુટ રીંગ રોડ પર રાધે ચોકડી પાસે અને કોઠારીયામાં લાપાસરી લાગુ વિસ્તારમાં ખોખડદડી નદી ઉપર બ્રીજનું નિર્માણ કરવા રૂા. 18 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.


રાજકોટ મ્યુનિ. કમિશ્નર ઉદિત અગ્રવાલે નવા નાણાકીય વર્ષ 2021-22ના રજૂ કરેલા 2275.80 કરોડના અંદાજપત્ર પર ઉંડો અભ્યાસ કરી જરૂરી સુધારા વધારા સાથે આજે સ્ટેન્ડીંગ કમીટીએ એકંદરે 15.44 કરોડનો કદ વધારો કરીને 2291.ર4 કરોડનું વાસ્તિવિક અને પ્રજાલક્ષી બજેટ મંજૂર કર્યુ છે. સ્ટેન્ડીંગ ચેરમેન પુષ્કર પટેલે શહેરના વધુ વિસ્તારોમાં ઓવરબ્રીજ, અંડરબ્રીજ સહિત પ6.70 કરોડની નવી રર યોજનાઓ ઉમેરી છે. આજે મંજૂર થયેલું અંદાજપત્ર જનરલ બોર્ડને મોકલાવ્યું છે અને હવે સભા આ બજેટ મંજૂર કરી રાજય સરકારને મોકલશે.


વર્ષ 2021-22 માટે મહાનગરપાલિકાના બજેટમાં મ્યુનિસિપલ કમિશ્નરે કુલ રૂા. 2275.80 કરોડનું બજેટ સુચવ્યું હતું. કમિશ્નરે સૂચવેલા વિવિધ વિકાસ કાર્યોના પ્રસ્તાવો પર સ્ટેન્ડીંગ કમીટીએ ઉંડાણપૂર્વકની ચર્ચા વિચારણા કરી શહેરનો સર્વાગી વિકાસ ધ્યાને રાખી, યથાયોગ્ય નિર્ણયો કર્યા છે. વર્ષ 201પમાં કોઠારીયા અને વાવડી ગામ રાજકોટમાં ભળતા શહેરનું ક્ષેત્રફળ વધીને 127.21 ચો.કિ.મી. થયું હતું. આ પછી વર્ષ 2020માં મોટા મવા, મુંજકા, ઘંટેશ્ર્વર અને માધાપર (મનહરપુર-1 સહિત)ના ગામો રાજકોટમાં ભળ્યા અને રાજકોટનું ક્ષેત્રફળ વધીને 161.86 ચો.કિ.મી. થયું છે. વસ્તી અને વિસ્તારોમાં થયેલ વધારાને કારણે મહાનગરપાલિકા પર વધુ જવાબદારીઓ આવી છે.


આ સંજોગોમાં સરકારની સૌની યોજના અંતર્ગત આજી ડેમ તથા ન્યારી ડેમ નર્મદા નીરથી છલોછલ ભરેલ છે. સમગ્ર શહેરમાં પાયાની સુવિધાઓની સાથોસાથ આધુનિક સેવાઓ-સુવિધાઓનું માળખુ પણ વધુ સુદ્રઢ બને તેવા હેતુ સાથે સ્ટે.કમીટીએ રૂા.2291.24 કરોડનું કદ ધરાવતું વાસ્તવિક અને પ્રજાલક્ષી બજેટ મંજુર કરેલ છે. તેમજ કમિશ્નરએ સુચવેલા બજેટના કદમાં રૂા. 16.24 કરોડના વધારા સાથે નવી યોજનાઓ ઉમેરવામાં આવી છે તેમ ચેરમેન પુષ્કર પટેલે કહ્યું હતું.


શહેરમાં નવા ચાર બ્રીજના કામ શરૂ કરાયા છે ત્યારે ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે સોરઠીયાવાડી, 150 ફુટ રીંગ રોડ પર રાધે ચોકડી અને કઠારીયામાં લાપાસરી લાગુ વિસ્તારમાં ખોખદડી નદી પર બ્રીજ બનાવવા 18 કરોડની જોગવાઇ કરવામાં આવેલ છે. પાણી પુરવઠા નેટવર્ક સુધારણા માટે ત્રણ કરોડ, આજી અને ન્યારી ડેમ પર નવા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ માટે રૂા.ર કરોડની જોગવાઇ કરાઇ છે. ડ્રેનેજ કામ માટે વધુ ત્રણ કરોડ ઉમેરાયા છે. શહેરના ત્રણે ઝોનમાં મહિલા ગાર્ડન માટે એક કરોડ, પાર્ટી પ્લોટ માટે દોઢ કરોડ મુકાયા છે. વોર્ડ નં.12માં ઇન્ડોર સ્ટેડીયમ માટે 6 કરોડ, બોલબાલા માર્ગ પર નવા ઓડિટોરીયમ માટે 6 કરોડની જોગવાઇ રાખવામાં આવી છે. મનપાએ પુસ્તકોના ડીજીટાઇઝેશન સાથે ઇ-લાયબ્રેરી માટે રૂા. 50 લાખની જોગવાઇ કરી છે.


વોંકળા પાકા કરવા ત્રણ કરોડ, કોલ સેન્ટર અપગ્રેડેશન માટે રપ લાખ, તમામ સેવાઓ વોટસએપ પર મુકવા 1 કરોડ મુકાયા છે. મનપામાં રોજીંદા કામો માટે છ ઇલે-કાર વસાવવા 1 કરોડ મુકયા છે. તો 10 ઇ-ટોઇલેટ માટે 1 કરોડની જોગવાઇ કરી છે. ચિલ્ડ્રન પાર્ક, ગો ગ્રીન ક્ધસેપ્ટ, મીયાવાંકી ક્ધસેપ્ટથી ધનિષ્ઠ વૃક્ષારોપણ , આરોગ્ય કેન્દ્રોના અપગ્રેડેશન તથા રમત ગમતના સાધનો માટે વોર્ડવાઇઝ ગ્રાન્ટ ફાળવણી કરવામાં આવી છે તેમ ચેરમેન પુષ્કર પટેલે જણાવ્યું હતું.


આજની આ પત્રકાર પરિષદમાં ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મેયર પ્રદિપ ડવ, ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, દંડક સુરેન્દ્રસિંહ વાળા, સમિતિના સભ્યો મનીષભાઇ રાડીયા, બાબુભાઇ ઉધરેજા, ચેતનભાઇ સુરેજા, નીતિનભાઇ રામાણી, અલ્પેશભાઇ મોરજરીયા, જયમીનભાઇ ઠાકર, નેહલભાઇ શુકલ, નયનાબેન પેઢડીયા, દુર્ગાબા જાડેજા, ભારતીબેન પરસાણા, ભારતીબેન પાડલીયા, ચીફ એકાઉન્ટન્ટ અમિત સવજીયાણી, સેક્રેટરી હરેશ રૂપારેલીયા, સી.એન.રાણપરા, કે.એન.હિંડોચા વગેરે હાજર રહ્યા હતા.

 


Related News

Loading...
Advertisement