રાજકોટ એરપોર્ટ પર લોલંલોલ : દિલ્હીના સ્પાઇસ જેટ-ઇન્ડીગોના કુલ 30 મુસાફરો નેગેટીવ રીપોર્ટ વગર લેન્ડ થયા : આરટી-પીસીઆર ટેસ્ટ કરાવવાનું કહેતા હોબાળો

02 April 2021 05:48 AM
Rajkot Travel
  • રાજકોટ એરપોર્ટ પર લોલંલોલ : દિલ્હીના સ્પાઇસ જેટ-ઇન્ડીગોના કુલ 30 મુસાફરો નેગેટીવ રીપોર્ટ વગર લેન્ડ થયા : આરટી-પીસીઆર ટેસ્ટ કરાવવાનું કહેતા હોબાળો

રાજય સરકારનો ગત શનિવારનો પરિપત્ર પરંતુ એરપોર્ટ ઓથોરીટી આજ સુધી ઉંઘતી રહી:આરટી-પીસીઆર સર્ટીફીકેટ ન હતા : ટેસ્ટીંગ કરવા ઇન્કાર કરતા ઓથોરીટીએ મ.ન.પા. ટીમો બોલાવી : ચાર તબીબી સ્ટાફ મુકાયો : સવારમાં માથાકુટ :ટેસ્ટ વગર આવતા મુસાફરોની બઘડાટી - ટેસ્ટ માટે અમે પૈસા શું કામ ભરીએ, સરકાર મફતમાં કરાવી આપે : તંત્ર ઉંધામાથે :બપોરથી એરપોર્ટ પર ઓથોરીટી અને મ.ન.પા. વચ્ચે મિટીંગનો ધમધમાટ, કોઇપણ નિવેડો ન આવ્યો : સાંજે ફરી બેઠક:મુસાફરોને સરકારી લેબ પર લઇ જવાયા ત્યારબાદ ‘જેને જયાં જાવુ તુ ત્યાં નિકળી ગ્યા’ : પોઝિટીવ આવે તો કોની જવાબદારી ?

રાજકોટ તા. 1 : રાજય સરકારે 1લી એપ્રિલથી ગુજરાત રાજયમાં બહારના રાજયમાંથી આવતા વ્યકિતઓને આરટી-પીસીઆર ટેસ્ટ સાથે પ્રવેશ આપવાનો રાજય સરકારે આદેશ કરતા રેલ્વે, પ્લેન અને બસ અન્ય વાહન મારફતે આવતા તમામ મુસાફરોનું ચેકીંગ થઇ રહયું છે. તેમ છતા આજ રોજ રાજકોટ એરપોર્ટ પર દિલ્હીની ફલાઇટમાંથી 30 મુસાફરો આરટી-પીસીઆર ટેસ્ટ વિના ઉતારતા એરપોર્ટ ઓથોરીટી અને આરોગ્ય વિભાગના ચેકીંગમાં તમામ અટકાવાયા હતા. 30 માંથી 15 મુસાફરોએ એરપોર્ટ પરની ઓથોરાઇઝ ભટ્ટ લેબોરેટરીમાં ટેસ્ટ કરાવ્યો હતો. જયારે 11 મુસાફરોએ ટેસ્ટ કરાવવા ના પાડી ધમાલ મચાવતા એરપોર્ટ પર ધાંધલ ધમાલ સર્જાઇ હતી. આખરે મનપા આરોગ્ય વિભાગના અધિકારીઓની ટીમ દોડી આવી 11 મુસાફરોને પદ્મકુંવરબા હોસ્પીટલમાં ટેસ્ટ માટે લઇ જવાયા હતા.


રાજકોટ એરપોર્ટ પર ડેઇલી મુંબઇ, દિલ્હી, બેંગ્લોરની 11 ફલાઇટનું સંચાલન શરુ છે. રાજય સરકારે બહારના રાજયમાંથી (ગુજરાત) રાજકોટ એરપોર્ટ પર આવતા તમામ મુસાફરો પાસે આરટી-પીસીઆર ટેસ્ટ સર્ટીફિકેટ રાખવુ ફરજીયાત રાખવા તેની ચકાસણી માટે આદેશ કર્યો હોવા છતાં રાજકોટ એરપોર્ટ પર અત્યાર સુધી લોલમલોલ ચાલ્યુ હતુ. આજે 11 મુસાફરો સર્ટીફીકેટ વિના દિલ્હીથી રાજકોટ આવી એરપોર્ટ પર ટેસ્ટ કરાવવા બાબતે ધમાલ મચાવતા સમગ્ર મામલો બહાર આવ્યો છે સાથે રાજકોટ એરપોર્ટ ઓથોરીટીની નિષ્ક્રિયતાની પોલ ખુલી હતી.


1લી એપ્રિલ પહેલા જ સરકારે ગુજરાતમાં પ્રવેશતા બહારના રાજયના તમામ વ્યકિતઓને આરટી-પીસીઆર ટેસ્ટ નેગેટીવ હોય તેને જ પ્રવેશ આપવા આદેશ કર્યો હોવા છતા રાજકોટ એરપોર્ટ ઓથોરીટીએ કોઇ દરકાર લીધી નહીં. ઉલ્ટાનું જવાબદારીમાંથી હાથ ખંખેરવા વહીવટી તંત્ર અને આરોગ્ય તંત્ર પર જવાબદારી ઢોળી દીધી હતી. એરપોર્ટ ઓથોરીટીએ આ બાબતે એરલાઇન્સ કંપનીઓ કે વહીવટી તંત્ર કે કોર્પોરેરશન સાથે જરૂરી સંકલન નહી સાધતા આજે એરપોર્ટ પર સવારે મોટો હોબાળો થયો હતો. અને મનપા આરોગ્ય વિભાગના અધિકારીઓને એરપોર્ટ દોડી જવુ પડયુ હતુ.

એરપોર્ટ ઓથોરીટીના અધીકારીઓને મુસાફરોના ટેસ્ટીંગ માટે કોઇપણ તૈયારી દાખવી નથી પરીણામે આજે એરપોર્ટ પર વહેલી સવારે મોટી ધમાલ સર્જાઇ હતી. જો કે સુરક્ષા વિભાગના જવાનોએ મામલો સંભાળી લીધો હતો.એરપોર્ટ પર સુરક્ષા વધારવા અધિકારીઓએ રસ નહી દાખવતા સુરક્ષા વિભાગે વધારે સ્ટાફની માંગ સાથે વધુ ફલાઇટની સુરક્ષા આપવા ઇન્કાર કરતા આખરે એરપોર્ટ ઓથોરીટીએ તાબડતોબ તેમની માંગ સ્વીકારવા રાજકિય નેતાઓ-વેપારી સંગઠનો અને મિડીયા જગતની મદદ લીધી હતી. આખરે સુરક્ષા સ્ટાફમાં વધારો થતાં મામલો થાળે પડયો હતો. રાજકોટ એરપોર્ટ પર સુરક્ષા વ્યવસ્થા કાબીલેદાદ છે. પરંતુ એરપોર્ટ ઓથોરીટીનાં અધિકારીઓ એરલાઇન્સ કંપની અને વહીવટી તંત્ર કોર્પોરેશન તંત્ર સાથે સંકલન નહી સાધતા રાજય સરકારના આદેશનો ઉલાળ્યો થઇ રહયો હોવાની ચર્ચા જાગી છે.

તમામ મુસાફરોને સેલ્ફ આઇસોલેટ રહેવા સૂચના

મનપાએ ઓળખકાર્ડ સહિતનું સાહિત્ય જમા કર્યુ છે : આરોગ્ય અધિકારી

રાજકોટ, તા. 1
એરપોર્ટ પર આજે દિલ્હીના પ્રવાસીઓ અને એરપોર્ટ ઓથોરીટી વચ્ચે થયેલી રકઝક બાદ ખાનગી લેબ મારફત આરટી-પીસીઆર ટેસ્ટની વ્યવસ્થા મનપાએ કરી હતી બાદમાં તમામ મુસાફરો રીપોર્ટ ન આવે ત્યાં સુધી સેલ્ફ આઇસોલેટ થયા છે તેવું આરોગ્ય અધિકારી ડો.વાંઝાએ કહ્યું હતું.તેમણે જણાવ્યું હતું કે મુસાફરોના ઓળખકાર્ડ સહિતનું રેકર્ડ એરપોર્ટ અને મનપા તંત્રએ હાથ પર રાખ્યું છે. રીપોર્ટ પરથી આગળની કાર્યવાહી કરવામાં આવશે. અન્ય રાજયમાંથી આવતા મુસાફરોએ રીપોર્ટ સાથે રાખવો પડશે અથવા રાજકોટ ઉતરે તે સાથે કરાવવાનો રહેશે. આ વ્યવસ્થા હવે કાયમી થયાનું પણ તેઓએ જણાવ્યું હતું.

એરપોર્ટ પર ભટ્ટ લેબોરેટરીએ સેવા સંકેલી લીધી : મનપાએ વ્યવસ્થા ગોઠવી

ધરાર ટેસ્ટનો આગ્રહ કરાવતા એરપોર્ટ ઓથોરીટીનો રોષ ઉતાર્યો 

આજે સવારે દિલ્હીની ફલાઇટના 15 મુસાફરોનો ટેસ્ટ રિપોર્ટ પહેલા જવા દેવાયા

રાજકોટ, તા. 1
રાજકોટ એરપોર્ટ પર મુસાફરોના કોરોના ટેસ્ટ માટે એરપોર્ટ ઓથોરીટીએ ભટ્ટ લેબોરેટરીને અધિકૃત કરી પરમીશન આપતા હવાઇ મુસાફરોના ટેસ્ટની કામગીરી ચાલી રહી છે. પરંતુ આજે 1લી એપ્રિલથી બહારના રાજયમાંથી આવતા હવાઇ મુસાફરો પાસે એરપોર્ટ પર આરટી-પીસીઆર સટી. માંગવામાં આવતા સવારની દિલ્હીની ફલાઇટમાં 30 મુસાફરો પાસે સર્ટી. નહીં હોવાથી 1પ મુસાફરોએ એરપોર્ટ પર ભટ્ટ લેબો. રૂા.800 ભરી ટેસ્ટ કરાવ્યો હતો જે ટેસ્ટનો રિપોર્ટ આવે તે પહેલા જ મુસાફરોને જવા દેવામાં આવ્યા હતા જયારે અન્ય 11 મુસાફરોએ અમે અમારા પૈસા શા માટે ટેસ્ટ કરાવીએ તેવું જણાવી ધમાલ મચાવી હતી. આખરે કોર્પોરેશન આરોગ્ય વિભાગની ટીમોએ તેમને પદ્મકુંવરબા હોસ્પિટલમાં ટેસ્ટ માટે લઇ જવાયા હતા. આ ધમાલ બાદ ભટ્ટ લેબોરેટરીએ એરપોર્ટ પર પોતાની સેવા સંકેલી લીધી હોવાનું જાણવા મળેલ છે. જયારે કોર્પોરેશન આરોગ્ય વિભાગે એરપોર્ટનો સ્ટાફ ટેસ્ટીંગમાં ફાળવ્યો છે.

 

 

 

 


Related News

Loading...
Advertisement